Dec 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-681

 

જે સર્વનું કલ્યાણ ઈચ્છે છે,કોઈના અક્લ્યાણની ઈચ્છા કરતો નથી,સત્ય બોલે છે,કોમળ ભાવ રાખે છે,ને ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે ઉત્તમ પુરુષ છે.જે મિથ્યા સાંત્વન કરતો નથી,આપવા કહેલી વસ્તુ આપે છે અને બીજાનાં છિદ્રોને જાણે છે તે મધ્યમ પુરુષ છે.દુઃખ વડે ઉપદેશ કરાય તેવો,માર ખાનાર,શસ્ત્રોથી ઘવાતાં છતાં ક્રોધને લીધે પાછો ન ફરનાર,કૃતઘ્ની,કોઈનો પણ મિત્ર નહિ,ને દુષ્ટ અંતઃકરણવાળો પુરુષ અધમ વૃત્તિવાળો કહેવાય છે.(18)

જે કલ્યાણને માટે શ્રેષ્ઠ પુરુષો પર શ્રદ્ધા રાખતો નથી,જેને પોતાના પર પણ વિશ્વાસ નથી ને જે મિત્રોનો અનાદર કરે છે તે અધમ પુરુષ છે.જે મનુષ્યને પોતાની ચઢતીની ઈચ્છા હોય તેણે,ઉત્તમ પુરુષોની જ સેવા કરવી,કોઈ સમયે મધ્યમોની સંગતિ કરવી પણ અધમ પુરુષોની સંગતિ કરવી નહિ.મનુષ્યને નિંદિત બળવડે,નિત્ય ઉદ્યોગ વડે,બુદ્ધિની યુક્તિ વડે,તથા પુરુષાર્થથી ધન મળે છે ખરું,પરંતુ તેથી તે સારી પ્રશંસા પામતો નથી કે કુલીનોના આચારને પ્રાપ્ત થતો નથી (21)


ધૃતરાષ્ટ્રે પૂછ્યું-ધર્મ અને અર્થમાં નિષ્ઠાવાળા તથા વિદ્વાન દેવો પણ મહાકુળોની સ્પૃહા કરે છે 

માટે હે વિદુર હું તમને પૂછું છું કે મહાકુળ કયું કહેવાય?

વિદુર બોલ્યા-તપ,ઇન્દ્રિયજય,વેદનું અધ્યયન તથા અધ્યાપન,યજ્ઞકર્મો,પવિત્ર વિવાહો,અન્નદાન તથા સદાચાર આ સાત ગુણો જે કુળોમાં હોય તે મહાકુળો જાણવાં.જેઓનું સદાચરણ ચલિત થતું નથી,જેઓનું આચરણ માતપિતાને દુઃખી કરતુ નથી,જેઓ પ્રસન્નચિત્તથી ધર્માચરણ કરે છે,ફૂળની કીર્તિ વધારવા ઈચ્છે છે અને અસત્યનો ત્યાગ કરે છે તેઓને મહાકુલીન જાણવા.(24)


દેવદ્રવ્યના વિનાશથી,બ્રાહ્મણના દ્રવ્યનું હરણ કરવાથી,ને બ્રાહ્મણોનું અપમાન કરવાથી મહાકુળો પણ નીચ થઇ જાય છે.

જે કુળો ધનથી સંપન્ન હોય છતાં જો સદાચારથી રહિત હોય તો તે કુળો ઉચ્ચ કુળમાં ગણાતા નથી.અલ્પ ધનવાળા કુળો પણ જો સદાચારથી સંપન્ન હોય તો તેઓની ઉચ્ચ કુળમાં ગણના થાય છે અને તેઓ મોટો યશ મેળવે છે.

ધન તો આવે છે અને જાય છે.ધનથી ક્ષીણ થયેલો મનુષ્ય ક્ષીણ થયેલો ગણાતો નથી,પણ સદવર્તનથી ભ્રષ્ટ થયેલો હંમેશને માટે અધમ થઇ જાય છે.ને પછી તે ધન,વિદ્યા,ખેતી,પશુઓ આદિ પામવામાં ફરીથી ચઢતીમાં આવતો નથી (31)


હે રાજન,આપણા કુળમાં કોઈ વેર કરનાર,કોઈ પરદ્રવ્યને હરણ કરનારો,કોઈ મિત્રદ્રોહી,કોઈ કપટી,કોઈ ખોટું બોલનાર,

કોઈ પિતૃ-દેવતા-અતિથિને ભાગ આપ્યા પહેલાં જમનાર કે કોઈ બ્રાહ્મણોનો દ્વેષ કરનાર થાઓ નહિ.

અતિથિને માટે ઘાસની ચટ્ટાઈ,પીવા માટે પાણી એની મધુર વાણી-સજ્જનોના ઘરમાંથી ઉચ્છેદ પામતી નથી.

સત્કારની વસ્તુઓ તેને પરમ શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે.કુલીન પુરુષો પરોણાઓનો ભાર સારી રીતે સહન કરી લે છે.(36)


જે મિત્રના કોપની બીક લાગે છે,તથા જે મિત્રની સાથે શંકાપૂર્વક વર્તવું પડે છે તે મિત્રસંજ્ઞાને પાત્ર નથી,પણ જે મિત્ર સાથે પિતાની જેમ વિશ્વાસથી વર્તાય તે જ મિત્ર છે બીજા તો સંબંધવાળા ગણાય.જે આપણી સાથે સંબંધ વિના પણ મિત્રભાવથી વર્તે તે જ બંધુ,તે જ મિત્ર અને તે જ ગતિરૂપ ને આધારરૂપ છે.જે પુરુષનું ચિત્ત ચંચળ છે,જે વૃદ્ધોની સેવા કરતો નથી અને જેની બુદ્ધિ અસ્થિર હોય છે તે પુરુષનો મિત્ર-સંગ્રહ નિત્ય અસ્થિર હોય છે.(39)