અધ્યાય-૩૬-વિદુરનીતિ (ચાલુ)
II विदुर उवाच II अत्रैवोदाहरंतिममितिहासं पुरातनम् I आत्रेयस्य च संवादं साध्यानां चेति नः श्रुतम् II १ II
વિદુર બોલ્યા-આ સંબંધમાં આત્રેય અને સાધ્યોના સંવાદનો એક પુરાતન ઇતિહાસ ઉદાહરણરૂપે કહેવામાં આવે છે,એવું મારા સાંભળવામાં છે.પૂર્વે હંસ (પરિવ્રાજક)રૂપથી ફરતા,મહાબુદ્ધિમાન એવા મહર્ષિ આત્રેયની પાસે જઈને સાધ્યદેવોએ,તેમને પ્રશ્ન કર્યો કે-'હે મહર્ષિ,અમે સાધ્યદેવો છીએ,અમે તમારા વિષે અનુમાન કરી શકતા નથી,તો પણ,તમે શાસ્ત્રજ્ઞાન વડે ધીર અને બુદ્ધિમાન છો,એમ અમે માનીએ છીએ.માટે તમે વિદ્વાનનાં લક્ષણને કહેનારી ઉદાર વાણી અમને કહેવા માટે યોગ્ય છો'
હંસ બોલ્યા-'હે દેવો,મેં આ કર્તવ્ય ગુરુથી પાસે સાંભળ્યું છે કે-ધૈર્ય,ઇન્દ્રિયોનો જય,અને સત્ય પ્રાપ્તિને માટે ધારણા,ધ્યાન તથા સમાધિ,એ સર્વનું અવલંબન કરીને આત્મા તથા અંતઃકરણને લીધે જે ગાંઠ પડેલી છે તેને શિથિલ કરવી અને પ્રિય-અપ્રિય (સુખ-દુઃખ) આત્મામાં લય પમાડવાં.કોઈ ગાળો દે તો પણ તેને સામે ગાળો દેવી નહિ,એમ કરવાથી સહન કરનારાનો ક્રોધ જ ગાળ દેનારને બાળી મૂકે છે અને તેનું પુણ્ય સહન કરનારને પ્રાપ્ત થાય છે.બીજાને ગાળો ભાંડવી નહિ,બીજાનું અપમાન કરવું નહિ,મિત્રનો દ્રોહ કરવો નહિ,નીચની સેવા કરવી નહિ,અભિમાની થવું નહિ,નીચ આચરણ કરવું નહિ,અને કઠોર તથા ક્રોધવાળી વાણી બોલવી નહિ.(6)
આ લોકમાં વાણી,બીજા મનુષ્યોના મર્મસ્થાનો,અસ્થિઓ,હૃદય અને પ્રાણોને બાળી મૂકે છે,માટે ધર્મી મનુષ્યે કઠોર વાણીનો નિત્ય ત્યાગ કરવો.બીજો કોઈ સજ્જનને અગ્નિ તથા સૂર્યના જેવા પ્રદીપ્ત અને અતિ તીક્ષ્ણ બાણ વડે અત્યંત વીંધી નાખે તો પણ શાણા મનુષ્યે,વીંધાતા છતાં અને અત્યંત દાહ થવા છતાં તે સહન કરવું અને માનવું કે એ મારા પુણ્યમાં વધારો કરે છે.જેમ,વસ્ત્ર જેવા રંગનો સંગ કરે છે તેવા રંગવાળું થાય છે,તેમ,મનુષ્ય પણ,સાધુ,અસાધુ,તપસ્વી તથા ચોર એ પૈકી જેની સંગતિ કરે છે તેના જેવો થાય છે.(10)
કોઈએ અતિવાદ કર્યો હોય તો પણ તેની સામે વાદ કરે નહિ,કે બીજાની પાસે વાદ કરાવે નહિ,કોઈ મારી જાય તો પણ સામે તેને મારે નહિ કે બીજાની પાસે તેને મરાવે નહિ,કે તેને મારવાની ઈચ્છા પણ કરે નહિ તેવો મનુષ્ય સ્વર્ગમાં જાય છે ત્યાં દેવો પણ તેની સ્પૃહા રાખે છે.બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે,મૌન કરતા સત્ય બોલવું શ્રેષ્ઠ છે,
તેના કરતા સત્ય ને પ્રિય ભાષણ શ્રેષ્ઠ છે ને તેના કરતા પણ તે ભાષણ ધર્માનુરૂપ હોય તે શ્રેષ્ઠ છે.(12)
પુરુષ,જેવાની સાથે બેસે છે,જેવાની સેવા કરે છે અને પોતે જેવો થવા ઈચ્છે છે તેવો થાય છે.પુરુષ,જ જે વિષયથી દૂર થાય છે તે તે વિષયનાં દુઃખથી મુક્ત થાય છે અને એમ સર્વ પ્રકારે સર્વ વિષયથી મુક્ત થતાં લગાર પણ દુઃખ રહેતું નથી,ને એવા મનુષ્યનો કોઈ પરાજય કરતુ નથી,કે એ કોઈનો પરાજય કરવા ઈચ્છતો નથી,કોઈની સાથે વેર કરતો નથી,કોઈનો નાશ કરતો નથી,નિંદા-પ્રશંસામાં સમાન ભાવ રાખે છે,ને હર્ષ-શોક કરતો નથી (15)