યજન,અધ્યયન,દાન,તપ,સત્ય,ક્ષમા,દયા અને ઉદારતા આ આઠ પ્રકારનો ધર્મનો માર્ગ કહેલો છે.
આમાં પ્રથમ ચારનો વર્ગ દંભને માટે પણ સેવન કરાય છે અને પાછળના ચારનો વર્ગ મહાત્મા સિવાય બીજામાં હોતો નથી.જેમાં વૃદ્ધો નથી તે સભા નથી,જેઓ ધર્મ કહેતા નથી તે વૃદ્ધો નથી,જેમાં સત્ય નથી તે ધર્મ નથી અને જે છળભરેલું છે તે સત્ય નથી.સત્ય,સૌમ્ય રૂપ,શાસ્ત્રભ્યાસ,દેવોપાસન,કુલીનતા,શીલ,બળ,શાન,શૌર્ય અને યુક્તિવાળું વચન આ દશ સ્વર્ગના હેતુ છે.પાપકીર્તિવાળો મનુષ્ય પાપ કરીને પાપનું જ ફળ ભોગવે છે અને પુણ્યકીર્તિવાળો મનુષ્ય પુણ્ય કરીને પુણ્યનું જ ફળ ભોગવે છે.માટે સદાચારી મનુષ્યે પાપ કરવું નહિ.
ને પુણ્યનું જ સેવન કરવું.વારંવાર કરાતું પાપ બુદ્ધિનો નાશ કરે છે.
ઈર્ષાળુ,બીજાના મર્મને દુઃખ આપનાર,અપ્રિય વાણીવાળો,વૈરકર્તા અને શઠ એ મનુષ્યો પાપાચરણ કરવાથી તેમને થોડા સમયમાં જ મોટું કષ્ટ પ્રાપ્ત થાય છે પણ ઈર્ષારહિત,ડહાપણવાળા પુરુષે સર્વદા સારા કર્મો કરવાથી મહાકષ્ટ આવતું નથી અને તે સર્વત્ર દીપી રહે છે.જે વિદ્વાનો પાસેથી ડહાપણ મેળવે છે તે પંડિત છે,કારણકે ડાહ્યો મનુષ્ય,ધર્મ તથા અર્થ સંપાદન કરીને સુખેથી જીવન ગાળે છે.(66)
દિવસે તે જ કામ કરવું કે જેનાથી રાત્રે સુખથી રહી શકાય,આઠ માસ તે કામ કરવું કે જેનાથી ચોમાસાના ચાર માસ સુખથી રહેવાય,પ્રથમ વયમાં તે કરવું કે જેનાથી વૃદ્ધાવસ્થામાં સુખે રહેવાય,અને જીવતાં સુધી તે કામ કરવું કે જેના વડે મરણ પછી સુખમાં રહેવાય.સારી રીતે પચી જાય તેવા અન્નની,નિર્દોષ રીતે જુવાની ગયા પછી આધેડ વયની થયેલી સ્ત્રીની,સંગ્રામ જીતીને આવેલા શૂરાની,અને તત્વજ્ઞાની થયેલા તપસ્વીની ડાહ્યા મનુષ્ય પ્રસંશા કરે છે.જે મનુષ્ય,અધર્મથી મળેલા ધન વડે છિદ્ર ઢાંકવા જાય છે તેનું તે છિદ્ર ઢંકાતું નથી પણ તેથી બીજું છિદ્ર ઉઘાડું પડે છે.વશ અવશ ચિત્તવાળાને ગુરુ,દુરાત્માઓને રાજા અને ગુપ્ત પાપ કરનારને યમ શિક્ષા કરે છે.(71)
ઋષિઓનું,નદીઓનું,કુળોનું,મહાત્માઓનું,અને સ્ત્રીઓના દુશ્ચરિત્રનું માહાત્મ્ય જાણી શકાતું નથી.
હે રાજા,બ્રાહ્મણોની પૂજા કરવામાં તત્પર,દાતા,પોતાની જ્ઞાતિ સાથે સરળતાથી વર્તનાર અને શીલસંપન્ન ક્ષત્રિય લાંબા કાળ સુધી રાજ્ય કરે છે.શુરો,વિદ્વાન તથા સેવા કરી જાણનારો-આ ત્રણ પુરુષો સુવર્ણના પુષ્પોવાળી પૃથ્વીનાં સુવર્ણપુષ્પો વીણી લે છે.હે રાજન,બુદ્ધિથી સાધ્ય થતા કામો શ્રેષ્ઠ છે,
બાહુબળથી સાધ્ય થતાં કામો માધ્યમ છે અને કપટ વડે સાધ્ય થતાં કામો અધમ છે
અને જે કામો સિદ્ધ કરતાં માથે સંકટ આવી પડે તે અતિ અધમ છે.
હે રાજન,તમે દુર્યોધન,શકુનિ,દુઃશાસન અને કર્ણને સોંપીને કેવી રીતે ઐશ્વર્યની ઈચ્છા રાખો છો?
પાંડવો સર્વગુણથી સંપન્ન છે અને તમારા પ્રત્યે પિતૃદ્રષ્ટિ રાખીને વર્તે છે માટે તમે તેઓ પ્રત્યે પુત્રદ્રષ્ટિથી વર્તો(77)
અધ્યાય-35-સમાપ્ત