વિદુર બોલ્યા-'હે રાજન,આમ,તમારે પૃથ્વીને મારે પણ ખોટું બોલવું યોગ્ય નથી.અસત્ય બોલીને તમે પુત્રો સાથે નાશ ન પામો.દેવો,ગોવાળોની જેમ,હાથમાં લાકડી લઈને રક્ષણ કરતા નથી પણ તેઓ જેનું રક્ષણ કરવા ઈચ્છે છે તેમની બુદ્ધિમાં વધારો કરે છે.પુરુષ,કલ્યાણ કર્મ કરવામાં મન જોડે તો તેના સર્વ અર્થો સિદ્ધ થાય છે.
કપટી મનુષ્ય વેદવેત્તા હોય તો પણ તેને વેદો તારતા નથી અને અંતકાળે વેદો તેનો ત્યાગ કરી જાય છે.(42)
મદિરાપાન,ક્લેશ,ઘણા સાથે વેર,પતિ-પત્ની વચ્ચે વિયોગ કરાવવો,જ્ઞાતિમાં ભેદ પડાવવો,રાજા જેનો દ્વેષ કરતો હોય તેની સંગતિ કરવી ને અન્ય નિંદાપાત્ર માર્ગ-એ છોડી દેવાં આમ વિદ્વાનો કહે છે.હાથની રેખા જોનારો (સામુદ્રિક),પહેલાં ચોર હોય અને પછી વેપારી થયેલો(અથવા ખોટા માપવાળો વેપારી) પાસા નાખીને શકુન વગેરે કહીને બીજાને દ્યુતનાર,વૈદ્ય,શત્રુ,મિત્ર અને નાચનારીનો દાસ,આ સાતને સાક્ષીમાં લેવા નહિ.(44)
અગ્નિહોત્ર,ધ્યાન,અધ્યયન,અને યજ્ઞ આ ચાર અભય આપનારાં છે પરંતુ આ ચાર જો ઉલટી રીતે દંભથી કરવામાં આવ્યા હોય તો ભય આપનારાં થાય છે.ઘર બાળનાર,ઝેર દેનાર,સોમલતા વેચનાર,બાણ બનાવનાર,નક્ષત્ર સુચવનાર,મિત્રદ્રોહી,પરસ્ત્રી સેવનાર,ગર્ભપાત કરાવનાર,ગુરુની સ્ત્રી સાથે ગમન કરનાર,બ્રાહ્મણ હોઈ મદ્યપાન કરનાર,અતિ ક્રૂર,દુઃખીને વધુ દુભાવનાર,પરલોક આદિને ન માનનાર,વેદની નિંદા કરનાર અને પોતે સમર્થ હોવા છતાં 'રક્ષણ કર' એમ કહેનારનું રક્ષણ ન કરતાં તેને મારી નાખે તે સર્વ બ્રહ્મહત્યા કરનાર જેવા પાતકી છે.(48)
અગ્નિની જ્વાળા વડે અંધારામાં રહેલી વસ્તુ જણાય છે,વર્તન પરથી મનુષ્યના ધાર્મિકપણાની પરીક્ષા થાય છે,વ્યવહારથી સાધુતા જણાય છે,ભયના પ્રસંગમાં શૂરાની પરીક્ષા થાય છે,નાણાંની આપત્તિમાં ધીરજવાનની પરીક્ષા થાય છે,સંકટમાં મિત્રોની અને આપત્તિમાં શત્રુઓની પરીક્ષા થાય છે.
વૃદ્ધાવસ્થા રૂપને હરે છે,આશા ધૈર્યને હરે છે,મૃત્યુ પ્રીતિને હરે છે,ઈર્ષા ધર્માચરણને હરે છે,ક્રોધ લક્ષ્મીને હરે છે,નીચની સેવા શીલને હરે છે,કામ લજ્જાને હરે છે અને અભિમાન સર્વનો નાશ કરે છે.(50)
લક્ષ્મી,સારાં કર્મ કરવાથી ઉત્પન્ન થાય છે,પ્રૌઢતાથી વધે છે,દક્ષતાથી મૂળ નાખે છે ને મનોનિગ્રહથી સ્થિર થાય છે.
બુદ્ધિ,કુલીનતા,ઇન્દ્રિયનિગ્રહ,શાસ્ત્રજ્ઞાન,પરાક્રમ,માપસર ભાષણ,યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા,આ આઠ ગુણો પુરુષને દીપાવે છે.હે રાજન,યજ્ઞ,દાન,અધ્યયન અને તપ આ ચારને સજ્જનો જોડે જોડાયેલાં છે અને ઇન્દ્રિયનિગ્રહ,સત્ય,સરળતા ને અક્રુરતા આ ચારને સજ્જનો અનુસરે છે.આ આઠ ગુણો સ્વર્ગલોકના દર્શક છે.