અધ્યાય-૩૫-વિદુરનીતિ (ચાલુ)
II धृतराष्ट्र उवाच II ब्रुहि भूयो महाबुध्धे धर्मार्थसहितं वचः I शृण्वतो नास्ति मे तृप्तिर्विचित्रानीह भाषसे II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે મહાબુદ્ધિમાન વિદુર,તમે ફરીથી ધર્મ તથા અર્થયુક્ત વચન કહો,
કેમ કે મને તે સાંભળતાં તૃપ્તિ થતી નથી.
વિદુર બોલ્યા-સર્વ તીર્થોમાં સ્નાન કરવું અને પ્રાણીમાત્ર ઉપર સમદ્રષ્ટિ રાખવી,એ બંને સમાન છે,માટે હે રાજા,તમે કૌરવો અને પાંડવો ઉપર નિત્ય સમદ્રષ્ટિ રાખો.ને એમ વર્તવાથી તમે આ લોકમાં ઉત્તમ કીર્તિ પામીને સ્વર્ગમાં જશો.આ વિષયમાં કેશિનીને માટે વિરોચનનો,સુધન્વાની સાથે થયેલો સંવાદ ઉદાહરણ તરીકે કહેવાય છે.(5)
હે રાજા,અત્યંત રૂપવાળી કેશિની નામની કન્યા,પોતાને શ્રેષ્ઠ પતિ મળે એ ઈચ્છાથી સ્વયંવરમંડપમાં આવી,
તે વખતે દૈત્યપુત્ર વિરોચન તે કેશિનીને મેળવવાની ઈચ્છાથી ત્યાં આવ્યો ત્યારે કેશિનીએ તેને પૂછ્યું કે-
'હે વિરોચન,બ્રાહ્મણો શ્રેષ્ઠ કે દૈત્યો શ્રેષ્ઠ?જો બ્રાહ્મણો શ્રેષ્ઠ હોય તો સુધન્વા બ્રાહ્મણ ઉત્તમ આસન પર શા માટે ન બેસે?' ત્યારે વિરોચન બોલ્યો-'હે કેશિની,અમે પ્રજાપતિથી ઉત્પન્ન થયા છીએ,અમે જ શ્રેષ્ઠ છીએ'
કેશિની બોલી-'હે વિરોચન,કાલે સવારે સુધન્વા આવવાનો છે તો આ સભામંડપમાં જ આ વાતની ખાત્રી કરીશું'
બીજે દિવસે,કેશિની સાથે વિરોચન બેઠો હતો ત્યાં સુધન્વા આવ્યો ત્યારે કેશિનીએ,ઉભા થઈને અર્ધ્ય આપીને તેનું પૂજન ને સન્માન કર્યું.વિરોચને તેને 'સુવર્ણાસન પર મારી પાસે બેસો' એમ કહ્યું ત્યારે સુધન્વા બોલ્યો-
'હે પ્રહલાદપુત્ર,હું તારા સુવર્ણાસનનો માત્ર સ્પર્શ કરીશ,પણ તારા સમાન થઈને હું તારી સાથે બેસીશ નહિ.
પિતા-પુત્ર,બે બ્રાહ્મણ,બે ક્ષત્રિય,બે વૈશ્ય કે બે શુદ્ર એ બબ્બે એક આસન પર બેસી શકે પણ એ સિવાય બીજા એકબીજાના આસન પર બેસી શકે નહિ.હું બેઠો હોઉં ત્યારે તારા પિતા મારા પગ આગળ ઉભા રહીને મારી સેવા કરે છે,પરંતુ તું હજી બાળક છે અને લાડથી ઉછર્યો છે તેથી કંઈ જાણતો નથી.(17)
વિરોચન બોલ્યો-'મારુ ધન.ગાયો-આદિ હોડમાં મૂકીને આપણે બંને કોઈ જાણકારને આ વિષે પ્રશ્ન પૂછીએ'
સુધન્વા બોલ્યો-'તારું ધન તારી પાસે જ રાખ આપણે તો બંનેના પ્રાણની શરત કરીને જાણકારને પ્રશ્ન પૂછીએ'
વિરોચન બોલ્યો-'ભલે તેમ,પણ આપણે કોને પૂછવા જઈશું? કેમ કે હું દેવો અને મનુષ્યોની આગળ ઉભો નહિ રહું '
સુધન્વા બોલ્યો-'આપણે તારા પિતાની આગળ જ જઈએ કેમકે તે પુત્રની માટે અસત્ય નહિ બોલે એ નક્કી જ છે'
પછી,તે બંને પ્રહલાદ પાસે ગયા ત્યારે,પ્રહલાદે સુધન્વાનું પૂજા અને સ્વાગત કરીને આવવાનું કારણ પૂછ્યું.
સુધન્વા બોલ્યો-'હે પ્રહલાદ,આ વિરોચન સાથે મારે પ્રાણની શરત થઇ છે.હું જે પ્રશ્ન કરું તેનો તમે સત્ય ઉત્તર આપીને કહો કે -બ્રાહ્મણો શ્રેષ્ઠ છે કે આ વિરોચન (દૈત્ય)? તમારે જે સત્ય હોય તે જ કહેવું જોઈએ.
કેમ કે ખોટું બોલનાર,થઇ ગયેલા અને થયેલા વંશજોને નરકમાં નાખે છે ને સર્વનાશ વહોરે છે'
પ્રહલાદ બોલ્યા-હે વિરોચન,આ સુધન્વાના પિતા અંગિરા મારા કરતાં શ્રષ્ઠ છે,સુધન્વા તારા કરતાં શ્રેષ્ઠ છે,
માટે સુધન્વાએ તને જીત્યો છે,ને તારા પ્રાણનો સ્વામી છે.પણ હે સુધન્વા,તમે મને વિરોચન પાછો આપો એમ હું ઈચ્છું છું' સુધન્વા બોલ્યો-'હે પ્રહલાદ,તમે ધર્મનો સ્વીકાર કરીને પુત્રલોભને લીધે ખોટું બોલ્યા નથી,તેથી હું તમારો પુત્ર પાછો આપું છું.ને એણે મારી સમક્ષ જ કેશિની સાથે લગ્ન કરવા,એમ હું ઈચ્છું છું' (38)