મન,બુદ્ધિ અને ઇન્દ્રિયોને,નિયમમાં રાખીને બુદ્ધિ વડે આત્માને ઓળખવો કારણકે બુદ્ધિજ આત્માનો બંધુ છે ને બુદ્ધિ જ આત્માનો શત્રુ છે.હે રાજા,કામ અને ક્રોધ એ બંને બુદ્ધિમાં રહીને બુદ્ધિનો નાશ કરે છે.
જે મનુષ્ય,પાંચ ઈંદ્રિયોરૂપી આંતર શત્રુઓને જીત્યા વિના બહારના શત્રુઓને જીતવાની ઈચ્છા રાખે છે,તેનો શત્રુઓ પરાભવ કરે છે.હે રાજન,પાપ કરનારાની સંગતિથી નિષ્પાપ મનુષ્યને પણ પાપી જેટલી જ શિક્ષા થાય છે.
માટે પાપીઓનો સંગ કરવો નહિ,જે મોહને લીધે ઇન્દ્રિયોને તાબામાં રાખી શકતો નથી તેને આપત્તિ ગળી જાય છે.
મત્સરરહિતપણું,સરળતા,શુદ્ધતા,સંતોષ,પ્રિય ભાષણ,ઇન્દ્રિયનિગ્રહ,સત્ય અને શાંતિ-એ ગુણો દુરાત્માઓમાં હોતા નથી.આત્મજ્ઞાન,શાંતિ,સહનશક્તિ.ધર્મનિષ્ઠા,સારી વાણી અને દાન-એ ગુણો નીચ મનુષ્યોમાં હોતા નથી.
હે રાજન,મૂર્ખ લોકો,કઠોર ભાષણ કરીને જ્ઞાતાઓને દુઃખ દે છે પરંતુ ક્ષમા કરનારા જ્ઞાતાનું પાપ તે બોલનારને થાય છે અને જ્ઞાતા પોતે પાપમાંથી મુક્ત થાય છે.દુર્જનોનું બળ હિંસા છે,રાજાઓનું બળ દંડવિધાન છે,સ્ત્રીઓનું બળ સેવા છે અને ગુણવાનોનું બળ ક્ષમા છે.(75)
હે રાજા,વાણીને નિયમમાં રાખવી એ બહુ કઠિન કામ છે ને અર્થયુક્ત બોલતા આવડવું એ તો અશક્ય જ લાગે છે.
નિંદાયુક્ત ભાષણથી છેદાયેલું મન ફરી અંકુરિત થતું નથી.તે નિંદાવાણીરૂપી બાણ હૃદયમાં જ પેસી જાય છે,ને ઘવાયેલો મનુષ્ય રાત્રિદિવસ શોક કરે છે,માટે ડાહ્યા મનુષ્યે આવાં વાગ્બાણ બીજા પર વાપરવાં નહિ.
દેવો,જે પુરુષનો પરાભવ કરવા ઈચ્છે છે તેની બુદ્ધિને તેઓ હરે છે,એટલે તેને સર્વ વિપરીત જ સૂઝે છે.
જયારે વિનાશ થવાનો હોય ત્યારે કલુષિત થયેલી બુદ્ધિમાં અન્યાય પણ ન્યાય જેવો લાગે છે.અને હૃદયમાંથી ખસતો નથી.હે રાજન,તમારા પુત્રોની બુદ્ધિ પણ વિપરીત થઈ છે અને પાંડવોના વિરોધને લીધે તમે પણ તેમને ઓળખાતા નથી.યુધિષ્ઠિર તમારા પુત્રો કરતાં શ્રેષ્ઠ છે,ધર્મ ને અર્થનાં રહસ્યોને જાણે છે,માટે તે રાજા થાય તેમ કરો.
તે યુધિષ્ઠિર,દયાળુપણાથી,કોમળતાથી ને તમારી વડીલપણાની બુદ્ધિથી બહુ ક્લેશો સહન કરે છે (86)
અધ્યાય-34-સમાપ્ત