જેમ,સ્ત્રી,નપુંસક પતિને ચાહતી નથી,તેમ,જે રાજાની કૃપા ને ક્રોધ નિષ્ફળ છે તે રાજાને પ્રજા ચાહતી નથી.
કેટલાંક કામો એવાં હોય છે કે તેના આરંભમાં થોડી મહેનત કરી હોય તો પણ મહાફળ આપે છે,તેવાં કામોનો ડાહ્યો મનુષ્ય ઝટ આરંભ કરે છે,ને તેમાં અંતરાય નાખતો નથી.જે રાજા પ્રેમપૂર્ણ સરળ દ્રષ્ટિથી સર્વ પ્રજા તરફ જુએ છે તે શાંત બેસી રહે તો પણ પ્રજા તેના તરફ પ્રીતિ રાખે છે.જે રાજા નેત્ર,મન,વાણી અને કર્મથી લોકોને પ્રસન્ન રાખે છે,તેના પર લોકો પ્રસન્ન રહે છે.જેમ પારધીથી મૃગ ત્રાસ પામે,તેમ,જે રાજાથી પ્રજા ત્રાસ પામે તે રાજાનું રાજ નાશ પામે છે.જે રાજા બાપદાદાના રાજ્યને પ્રાપ્ત થયો હોય ને અન્યાયથી વર્તતો હોય તે પોતાના કર્મોથી જ રાજ્યનો નાશ કરે છે.ધર્મ પ્રમાણે ચાલનારા રાજાના રાજ્યકાળમાં પૃથ્વી ધનથી ભરપૂર થઈને વૃદ્ધિ પામે છે.(33)
ગાયો ગંધથી જુએ છે,બ્રાહ્મણો વેદથી જુએ છે,રાજાઓ દૂત દ્વારા જુએ છે ને બીજા મનુષ્યો નેત્રથી જુએ છે.
જેમ,જે તપાવ્યા વિના જ નમે છે તેને કોઈ તપાવતું નથી તેમ,ડાહ્યા મનુષ્યે બળવાનને નમીને ચાલવું.
સત્યથી ધર્મનું,અભ્યાસથી વિદ્યાનું,સ્નાન વગેરેથી રૂપનું અને સદવર્તનથી કુળનું રક્ષણ થાય છે.
મારુ માનવું છે કે સારા કુટુંબમાં જન્મેલો મનુષ્ય જો દુરાચરણી હોય તો તે માનને યોગ્ય નથી,પણ નીચ કુળમાં જન્મેલો જો સદાચરણી હોય તો તે શ્રેષ્ઠ છે.જે મનુષ્ય પારકાના ધનની,રૂપની,પરાક્રમની,કુળની,વંશની,સુખની,
સૌભાગ્યની અને સન્માનની ઈર્ષા કરે છે,તેને અત્યંત પીડા થયા કરે છે. (42)
વિદ્યામદ,ધનમદ,અને કુટુંબમદ એ ત્રણ સજ્જનોને,ઇન્દ્રિયનિગ્રહરૂપ છે.જ્ઞાનીઓનો આધાર સંત છે ને સંત અને અસત્પુરુષોનો આધાર પણ સંત છે,પણ સત્પુરુષોનો આધાર અસત્પુરુષ નથી.શીલવાન મનુષ્યે સર્વ જીત્યું છે,પુરુષમાં શીલ મુખ્ય છે,જેનું શીલ નાશ પામ્યું છે તેને જીવન,ધન અને બંધુઓનું શું પ્રયોજન છે?
હે રાજન,શ્રીમંતોના ભોજનમાં માંસ મુખ્ય છે,મધ્યમોના ભોજનમાં ગોરસ મુખ્ય છે અને દરિદ્રોના ભોજનમાં તેલ મુખ્ય છે,પરંતુ દરિદ્રો જ સર્વદા અતિમધુર અન્ન ખાય છે કેમ કે,ભૂખ જ અન્નમાં મીઠાશ લાવે છે અને તે ભૂખ શ્રીમંતોમાં અતિદુર્લભ હોય છે.શ્રીમંતો થોડું ખાતા જ અપચાનો ભોગ થઇ પડે છે,અને દરિદ્રો લાકડાં ખાય તો પણ તેને પચી જાય છે.અધમ લોકોને ખાવા ન મળવાનો ભય રહે છે,મધ્યમોને મરણનો ભય રહે છે અને ઉત્તમ મનુષ્યોને અપમાનનો જ મહાભય હોય છે.સર્વ કરતાં ઐશ્વર્યનો મદ મહાખરાબ છે કેમ કે આ મદથી છકી ગયેલો મનુષ્ય છેક નીચે પડી ગયા વિના જાગ્રત થતો નથી.(53)
હે રાજન.વિષયોમાં પ્રવર્તતી નિગ્રહ વિનાની ઇન્દ્રિયો લોકોને તાપ આપે છે.સ્વાભાવિક રીતે જ આત્માને ખેંચી જનારા આ પાંચ ઇન્દ્રિયવર્ગથી જે જીતાઈ જાય છે,તેમની આપત્તિઓ વૃદ્ધિ પામે છે.જે રાજા,પોતાના મનને વશ કર્યા વિના અમાત્યોને વશ કરવા ઈચ્છે છે અને અમાત્યોને વશ કર્યા વિના શત્રુઓને જીતવાની ઈચ્છા કરે છે તે નિરૂપાય થઈને છેવટે નાશ પામે છે.જિતેન્દ્રિય,મનોનિગ્રહી,અપરાધીને દંડ કરનારો અને વિચારપૂર્વક કામ કરનારો એવો જે ધીર પુરુષ છે તે જ લક્ષ્મીવાન બને છે.(58)
હે રાજા,પુરુષનું શરીર એ રથ છે,આત્મા સારથી છે,અને ઇન્દ્રિયો ઘોડા છે.જેમ,કેળવેલા સારા ઘોડાઓવાળા રથમાં બેસીને રથી સુખે પ્રયાણ કરે છે તેમ.ધીર પુરુષ ઈંદ્રિયોરૂપી ઘોડાઓને વશ રાખીને આયુષ્ય સુખથી વ્યતીત કરે છે.પણ જો ઇન્દ્રિયોને વશમાં રાખી નહોય તો તે આત્માને નાશ પમાડવા સમર્થ છે.જેણે ઈંદ્રિયોઓને જીતી નથી,તે દુઃખને સુખ,અનર્થને અર્થ અને અર્થને અનર્થ માને છે.જે મનુષ્ય,ધર્મ અને અર્થનો ત્યાગ કરીને ઇન્દ્રિયોને આધીન થાય છે.તે થોડા સમયમાં જ લક્ષ્મી,પ્રાણ,ધન ને સ્ત્રીથી રહિત થાય છે.(62)...ચાલુ