અધ્યાય-૩૪-વિદુરનીતિ (ચાલુ)
II धृतराष्ट्र उवाच II जाग्रतो दह्यमानस्य यत्कार्यमनुपश्यति I तद्बुध्धि त्वं हि नस्तात धर्मार्थकुशलोह्यसि II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે તાત વિદુર,મને ઊંઘ આવતી નથી ને ચિંતારૂપી અગ્નિથી બળુ છું,માટે તમે જે કાર્ય કરવા યોગ્ય જોતા હો તે કહો કારણકે તમે ધર્મ અને અર્થમાં કુશળ છો.મને ખરેખરું કહો કે યુધિષ્ઠિર શું કરવા ધારે છે?
વિદુર બોલ્યા-હે રાજન,જેનો પરાભવ ન થાય તેવી આપણી ઈચ્છા હોય તેને વગર પૂછ્યે પણ હિતવાત કહેવી,પછી ભલે તે શુભ-અશુભ હોય કે રુચિકર કે અરુચિકર હોય.માટે કૌરવોને જે હિતકારક હોય તે ધર્મયુક્ત વચન સાંભળો.
હે રાજન,જે કર્મો,કપટભરેલાં હોય અને અયોગ્ય ઉપાયથી સિદ્ધ થતાં હોય તેવા કર્મોમાં તમે મન રાખો નહિ,તેમ જ ઉપાય વડે સિદ્ધ થાય તેવું કામ ઉપાયપૂર્વક કરતાં પણ સિદ્ધ ના થાય ત્યારે બુધ્ધિમાને મનમાં ગ્લાનિ લાવવી નહિ.પ્રયોજનવાળાં કાર્યોમાં પ્રથમ પ્રયોજનોની અપેક્ષા રાખવી અને પ્રયોજનોના નિશ્ચય પછી કાર્યનો આરંભ કરવો.આવેશ વડે સહસા કામ કરવું નહિ.અને કામના પ્રયોજનનો,તેના પરિણામનો,અને પોતાના ઉદ્યમનો સારી રીતે વિચાર કર્યા પછી તે કામ જ સિદ્ધ થાય તેવું હોય તો જ કરવું અન્યથા નહિ.(8)
જે રાજા પોતાનાં થાણાંઓ,નફો,તોટો,ભંડાર,દેશની સ્થિતિ અને દંડનાં નિશ્ચિત પ્રમાણે જાણતો નથી તે રાજ્ય પર ટકતો નથી.પોતાને રાજ્ય મળી ચૂક્યું છે એમ માનીને અયોગ્ય રીતે વર્તવું નહિ કેમકે તે અવિનય લક્ષ્મીનો નાશ કરે છે.સુખની ઈચ્છા રાખનારાએ,પોતાથી જે સુખથી ખાઈ શકાય,ખાધા પછી સારી રીતે પચે,અને પરિણામે હિત આપનારું થાય તે જ ખાવું (અર્થાંત,પાંડવોનું રાજ્ય તમે ગળી જવા ધારો છો,પણ તેથી નાશ થશે)
જે મનુષ્ય,ઝાડનાં કાચાં ફળ તોડી લે છે તેને ફળોમાંથી રસ મળતો નથી અને ઝાડના બીજનો પણ નાશ થાય છે.
જેમ,ભમરો પુષ્પોનું રક્ષણ કરીને તેમાંથી મધ લે છે,તેમ બુધ્ધિમાને મનુષ્યને પીડ્યા વિના તેઓથી દ્રવ્ય સંપાદન કરવું.જેમ,માળી બગીચામાં,ઝાડ પરથી ફળફૂલ વીણી લે છે પણ ઝાડના મૂળને કાપતો નથી,તે પ્રમાણે રાજાએ વર્તવું,પણ કોયલા પાડનારાની જેમ,સમૂળ નાશ કરવો નહિ.'આ કામ કરવાથી શું ફળ મળશે?'એ પ્રમાણે કામનો વિચાર કર્યા પછી પુરુષે તેમાં નફો જણાય તો જ તે કરવું,અન્યથા નહિ.કેટલાંક કાર્યો સર્વદા એવાં અપ્રાપ્ય હોય છે કે,તે સંબંધી કરેલો પુરુષાર્થ નિષ્ફળ જાય છે,માટે તેવા કાર્યોનો આરંભ કરવો જ નહિ.(20)...ચાલુ . .