Nov 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-672

 

ચોરો,ગાફેલ મનુષ્ય પર,વૈદ્યો રોગી પર,પ્રમદાઓ કામી પુરુષ પર,ગોરો યજમાન પર,રાજા વિવાદ કરનારાઓ 

પર અને પંડિતો મુર્ખાઓ પર (આ છ) જીવિકા ચલાવે છે.આવો સાતમો દાખલો મળતો નથી.

ગાયો,સેવા,ખેતી,સ્ત્રી,વિદ્યા ને શૂદ્રનો સ્નેહ,આ છ તરફ બે ઘડી બેદરકાર રહેવાય તો તે વિનાશ પામે છે.

આ (હવે પછીના) છ જણા પૂર્વે ઉપકાર કરનારને અવશ્ય વિસરી જાય છે.ભણી રહેલા શિષ્યો આચાર્યને,પરણેલા પુત્રો માતાને,કામરહિત થયેલો પતિ સ્ત્રીને,કૃતકાર્ય થયેલાઓ કાર્યસાધકને,દુસ્તર જળને તરી ગયેલાઓ નૌકાને,

અને રોગી સારો થયા પછી વૈદ્યને ભૂલી જાય છે.હે રાજન,આરોગ્ય,કરજ વિનાની સ્થિતિ,પ્રવાસ ન કરતાં સ્વસ્થાનમાં નિવાસ,સારા મનુષ્યોની સંગતિ,પોતાને અનુકૂળ જીવિકા અને નિર્ભય વાસ-આ છ જીવલોકનાં સુખ છે.ઇર્ષાખોર,દયાળુ,અસંતોષી,ક્રોધી,નિત્ય શંકિત રહેનારો,ને પારકાના ભાગ્ય પર જીવનારો-આ છ નિત્ય દુઃખી છે.

સ્ત્રી,દ્યુત,મૃગયા,મદ્યપાન,કઠોર વાણી,કઠોર શિક્ષા અને પૈસાની ખુવારી-આ સાત 

દુઃખ લાવનાર દોષોને રાજાએ સર્વદા ત્યજવા કેમ કે આ દોષોથી વિનાશ થાય છે.(92)


હે રાજન,જે મનુષ્યનો વિનાશ થવાનો હોય તેનાં આ આઠ પ્રથમ ચિહ્નો છે.બ્રાહ્મણોનો દ્વેષ,બ્રાહ્મણોનો વિરોધ,બ્રાહ્મણોનું ધનહરણ,બ્રાહ્મણોને મારવાની ઈચ્છા,બ્રાહ્મણોની નિંદાથી ખુશી થવું,બ્રાહ્મણોની પ્રસંશાને અભિનંદન ન આપવા,કાર્યોમાં બ્રાહ્મણને ન સંભારવા,ને બ્રાહ્મણ યાચના કરે ત્યારે તેના દોષ કાઢવા.(95)

મિત્રોનો સમાગમ,મહાન ધનપ્રાપ્તિ,પુત્રનું આલિંગન,મૈથુનમાં સ્ત્રી-પુરુષનો સાથે વીર્યસ્રાવ,સમયસર પ્રિય ભાષણ,પોતાની જ્ઞાતિમાં પોતાનો અભ્યુદય,ઈચ્છીત વસ્તુનો લાભ અને જનસમુદાયમાં સન્માન-

આ આઠ વાત (દૂધના સારરૂપ માખણની જેમ) હર્ષના સારરૂપ છે ને પોતાના સુખ માટે કારણભૂત છે.

બુદ્ધિ,કુલીનતા,ઇન્દ્રિયનિગ્રહ,શાસ્ત્રનું જ્ઞાન,પરાક્રમ,પરિમિત ભાષણ,યથાશક્તિ દાન,અને કૃતજ્ઞતા,

આ આઠ ગુણો પુરુષને દીપાવે છે (99)


આ શરીરરૂપી ઘરને નવ દ્વાર (બે નેત્ર,બે નાસીકાપુટ,બે કાન,એક મુખ,એક મૂત્રદ્વાર ને એક મળદ્વાર) છે.

અવિદ્યા,કામ ને કર્મ ત્રણ થાંભલા છે,શબ્દ-આદિ પાંચ વિષયો એના સાક્ષી છે અને જીવ આ ઘરમાં નિવાસ કરે છે

આ (નવ-રૂપી) ઘરને જે વિદ્વાન જાણે છે તે સર્વોત્તમ બ્રહ્મવેત્તા છે.(100)


હે રાજન,દશ જણા ધર્મને જાણતા નથી.મદ્ય વગેરેથી ગાંડો થયેલો,વિષયમાં આસક્ત થવાથી અસાવધ થયેલો,

ધાતુદોષથી વિકળ થયેલો,થાકેલો,ક્રોધે ભરાયેલો,ભૂખ્યો થયેલો,ઉતાવળો,લોભી,બીકણ અને કામી.

માટે પંડિતે આ દશની સંગતિ કરવી નહિ.


જે રાજા,કામ,ક્રોધનો ત્યાગ કરે છે,સુપાત્રને ધન આપે છે,બે વાતમાં સારા-નરસાનો ભેદ જાણેછે,શાસ્ત્ર જાણે છે,અને વિચારેલું કામ ઝટ કરે છે તેને સર્વલોક પ્રમાણરૂપ માને છે.જે રાજા,મનુષ્યને વિશ્વાસમાં લઇ શકે છે,અપરાધીને દંડ કરી શકે છે,અપરાધને અનુસરીને દંડનું પ્રમાણ જાણે છે અને ક્ષમા આપવાને યજીને ક્ષમા આપે છે તે રાજાને સમગ્ર લક્ષ્મી સેવે છે.જે રાજા,અતિદુર્બળનું અપમાન કરતો નથી,શત્રુનાં છિદ્ર જોવામાં સાવધાન થઇ બહુ વિચારથી વર્તે છે,બળવાનોની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખતો નથી અને સમય આવતાં પરાક્રમ કરે છે તેને ધીર સમજવો.

જે રાજા,આપત્તિ આવતાં ગભરાતો નથી,સાવધાન થઈને નિત્ય ઉદ્યોગ ઈચ્છે છે,સમયે આવી પડેલાં દુઃખ સહન કરે છે,ને આવેલા કાર્યના ભારને વહન કરે છે,તે રાજાના શત્રુ જીતાયેલા જ છે (107)...continue