Nov 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-671

 

કઠોર વાણી ન બોલવી ને દુષ્ટની પૂજા ન કરવી-આ બે કર્મ કરનાર મનુષ્ય આ લોકમાં વિશેષ શોભે છે.

નિર્ધનને અનેક પદાર્થોની કામના અને અસમર્થનો ક્રોધ એ બંને શરીરને શોષી નાખનારા તીક્ષ્ણ કાંટા છે.

ગૃહસ્થ હોવા છતાં કાર્ય નહિ કરનાર અને સન્યાસી થઈને કાર્ય કરનાર,એ બંને વિપરીત કર્મ કરવાથી શોભતા નથી.હે રાજન,સમર્થ,ક્ષમાવાન અને દરિદ્રી છતાં દાન દેનાર એ બંને પુરુષો સ્વર્ગની ઉપર રહે છે.

ન્યાયથી આવેલું દ્રવ્ય અપાપત્રને આપવું અને પાત્રને ન આપવું-એ દ્રવ્યના ઉપયોગમાં બે દોષ છે.

યોગયુક્ત સન્યાસી અને યુદ્ધમાં સન્મુખ રહીને મરનારો-એ બંને સૂર્યમંડળને ભેદીને ઉપર જાય છે (61)

હે રાજન,મનુષ્યોને વશ કરવાના ઉત્તમ (સામ) મધ્યમ (દાન-ભેદ)અને કનિષ્ઠ (યુદ્ધ) એ ત્રણ ઉપાયો છે.

ઉત્તમ-મધ્યમ અને અધમ એ ત્રણ પ્રકારના પુરુષોમાં તેઓની યોગ્યતા પ્રમાણે તેમને પૂર્વોક્ત ત્રણ કર્મમાં જોડવાની યોજના કરવી (તમે અધમ કર્ણ -આદિને ઉત્તમ મસલતના કાર્યમાં યોજો તો ક્યાંથી શુભ ફળ આવે?)

હે રાજા,સ્ત્રી,દાસ અને પુત્ર-એ ત્રણ ધન વિનાનાં જ છે કેમ કે તેઓ જે ધન મેળવે છે તે તેઓ જેનાં હોય તેનું છે.

(તાત્પર્ય છે કે તમારા જીવતાં તમારા પુત્રનો રાજ્ય પર હક્ક નથી માટે તમે જ પાંડવોને રાજ્ય આપવા સમર્થ છો)

પરદ્રવ્યનું હરણ,પરસ્ત્રીનું ઘર્ષણ તથા હિતૈષીનો નાશ એ ત્રણ દોષ નાશકારક છે(જે તમારામાં છે)

કામ, ક્રોધ અને લોભ એ ત્રણ પોતાનો વિનાશ કરનારાં નરકનાં દ્વાર છે માટે એ ત્રણનો ત્યાગ કરવો(66)


હે રાજન,વરપ્રદાન,રાજ્ય અને પુત્રજન્મ આ ત્રણ એક તરફ અને એક તરફ શત્રુને કષ્ટથી મુક્ત કરવો-એ બંને સમાન છે.જે મનુષ્યે પોતાની એકવાર સેવા કરી છે,જે મનુષ્ય સેવા કરી રહ્યો છે અને જે મનુષ્ય 'હું તમારી શરણે આવ્યો છું' એમ કહે તે ત્રણેનો,પોતે સંકટમાં હોય છતાં પણ ત્યાગ કરવો નહિ (68)


મહાબળવાન રાજાએ ચારનો ત્યાગ કરવો.તે ચાર અલ્પ બુદ્ધિવાળા,દીર્ઘસૂત્રી,હર્ષાવેગમાં આવેલા,ને સ્તુતિ કરનારાઓની સાથે ગુપ્ત વિચાર કરવો નહિ.ઐશ્વર્યસંપન્ન ગૃહસ્થીના ઘરમાં ચાર (વૃદ્ધ સંબંધી-કુલીન-દરિદ્રી મિત્ર-અને પ્રજા વિનાની બહેન)રહેવાં જોઈએ કેમ કે વૃદ્ધ કુળધર્મ ઉપદેશ આપે છે,કુલીન બાળકોને આચાર શીખવે છે,મિત્ર હિતની વાત કરે છે ને બહેન ધનનું રક્ષણ કરે છે.હે રાજન,ઇન્દ્રના પૂછવાથી બૃહસ્પતિએ ચાર તત્કાલ ફળ આપનાર કહ્યાં છે(( દેવતાઓનો સંકલ્પ,બુદ્ધિમાનનો પ્રભાવ,વિદ્વાનોનો વિનય,અને પાપીઓનો નાશ) અગ્નિહોત્ર,મૌન,વેદાધ્યયન અને યજ્ઞ એ ચાર કર્મો અભય આપનારાં થાય છે.(73)


હે રાજન,પિતા,માતા,અગ્નિ,આત્મા અને ગુરુ-એ પાંચ અગ્નિની જેમ ઉપાસના કરવા યોગ્ય છે.

દેવ,પિતૃ,મનુષ્ય,ભિક્ષુક અને અતિથિ-એ પાંચનું પૂજન કરવાથી મનુષ્યને લોકમાં નિર્મલ યશ મળે છે.

મિત્રો,શત્રુઓ,મધ્યસ્થો,ગુરુઓ ને સેવકો-આ પાંચ તમે જ્યાં જશો,ત્યાં તમારી પાછળ આવશે.

પાંચ ઈન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિય પણ વિષય પરાયણ હોય તો તેની બુદ્ધિ એ એક વાટે જ સ્ત્રવી જાય છે.(77)


ઐશ્વર્ય મેળવવાની ઇચ્છાવાળાએ,નિંદ્રા,તંદ્રા,ભય,ક્રોધ,આળસ ને દીર્ઘસુત્રીપણું-આ દોષનો ત્યાગ કરવો.

ઉપદેશ ન આપનાર આચાર્ય,અધ્યયન રહિત ઋત્વિજ,રક્ષણ ન કરનાર રાજા,અપ્રિય બોલનાર સ્ત્રી,

ગામમાં જ રહેવાની ઇચ્છાવાળો ગોવાળ,ને વનમાં રહેવાની ઇચ્છાવાળો વાળંદ-આ છ ને 

જેમ,ભાંગેલા વાહનને દરિયામાં છોડી દે,તેમ છોડી દેવાં.

સત્ય,દાન,ઉદ્યોગીપણું,અદેખાઇનો ત્યાગ,ક્ષમા અને ધૈર્ય-આ છ ગુણોને પુરુષે કદાપિ છોડવા નહિ.

નિત્ય ધન અને આરોગ્યની પ્રાપ્તિ,પ્રિય બોલનાર સ્ત્રી,આજ્ઞાકારક પુત્ર અને દ્રવ્ય આપનારી વિદ્યા-

આ છ જીવલોકમાં સુખ આપનારાં છે.જે મનુષ્ય પોતાનામાં નિત્ય રહેનારા કામ,ક્રોધ,શોક,મોહ,મદ 

અને માન,આ છ પર પોતાની સત્તા બેસાડે છે તે જિતેન્દ્રિય પુરુષ પાપથી લેપાતો નથી.(83)...continue..