Nov 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-670

 

પંડિત બુધ્દ્ધિવાળા પુરુષો પોતાની શક્તિ પ્રમાણે કામ કરવાની ઈચ્છા રાખે છે ને કોઈનું અપમાન કરતા નથી.

તેઓ બીજાનું કહેવું ઝટ સમજી જાય છે અને તે બરાબર સમજવા માટે લાંબા સમય સુધી સાંભળીને,કાર્યનું યથાર્થ રૂપ જાણ્યા પછી જ કાર્ય હાથમાં લે છે પણ સાહસ કરતો નથી અને પારકાના કામમાં પૂછ્યા વિના બોલતો નથી.

તેઓ દુર્લભ વસ્તુની અભિલાષા કરતા નથી,ગયેલી વસ્તુનો શોક કરતા નથી ને આપત્તિમાં મૂંઝાતા નથી.

જે પોતાના સન્માનથી રાજી થતો નથી,અપમાનથી તપી જતો નથી ને ગંભીર રહે છે તે પંડિત છે.

જે ઉત્પન્ન થયેલા પદાર્થમાત્રને નાશવંત જાણે છે,કર્મના પ્રકારને જાણે છે તે પંડિત છે.

જે અસ્ખલિત વાણી બોલનારો,લોકકથાને જાણનારો,તર્કશીલ,પ્રતિભાવાળો ને શાસ્ત્રોનો બરોબર અર્થ 

કહેનારો છે તે પંડિત છે.જેની બુદ્ધિ શાસ્ત્રને અનુસરે છે ને મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી તે પંડિત છે.(29)

(હવે મૂર્ખનાં લક્ષણો કહે છે) જે અભણ છતાં મહા અભિમાની,દરિદ્ર,મોટામોટા કામોનો સંકલ્પ કરનારો અને 

હીનકર્મથી (દુર્યોધનની જેમ દ્યુત આદિ કર્મથી) ધનસંપત્તિ મેળવવા ઇચ્છનારો છે તે મૂર્ખ છે.

જે પોતાનો ધંધો છોડીને (શકુનિની જેમ)મિત્રને માટે મિથ્યા આચરણ કરે છે તે મૂર્ખ છે.જે પોતાનામાં ભક્તિ વિનાનાને (કર્ણ આદિને)ચાહે છે,ને ભક્તિ કરનારાનો (પાંડવોનો)ત્યાગ કરે છે ને બળવાનનો દ્વેષ કરે છે તે મૂર્ખ છે.

જે શત્રુને મિત્ર કરે છે,મિત્રનો દ્વેષ ને તેની હિંસા કરે છે ને દુષ્ટ કર્મનો પ્રારંભ કરે છે તે મૂર્ખ છે.


જે પોતાને કરવા જેવાં કામો સેવક પાસે કરાવે છે,સર્વત્ર સંશય રાખે છે ને તુરત કરવા જેવા કામમાં વિલંબ કરે છે તે મૂર્ખ છે.જે વગર બોલાવ્યે પ્રવેશ કરે છે ને વગર પૂછ્યે બહુ બોલે છે ને અવિશ્વાસુ પર વિશ્વાસ કરે છે તે મૂર્ખ છે.

જે પોતે તે પ્રમાણે વર્તતો હોય છતાં બીજાનો દોષ જોઈને તેની નિંદા કરે છે ને અસમર્થ હોવા છતાં ક્રોધ કરે છે તેને મહામૂર્ખ સમજવો.જે કંઈ પણ કાર્ય કર્યા વિના અલભ્ય વસ્તુની ઈચ્છા કરે છે તે મૂઢ બુદ્ધિવાળો છે.

જે પોષણ કરવા યોગ્ય પરિવારને આપ્યા વિના એકલો જ ભજન કરે છે ને ઉત્તમ વસ્ત્રો પહેરે છે તે ક્રૂર છે.

એક મનુષ્ય પાપ કરીને ધન મેળવે છે કે જે ધનનો અનેક મનુષ્યો ભોગવે છે પરંતુ તે ભોક્તાઓ પાપથી છૂટી જાય છે અને કર્તા (પાપ કરનાર ) જ પાપથી લેપાય છે (42)


ધનુર્ધારીએ મૂકેલું બાણ એકને મારે કે ન પણ મારે પણ બુદ્ધિમાન મુત્સદીએ છોડેલી બુદ્ધિ (યુક્તિ)તો રાજા સહિત રાષ્ટ્રનો નાશ કરી નાખે છે.એક (બુદ્ધિ)વડે,બે (કાર્ય-અકાર્ય)નો નિશ્ચય કરીને ત્રણ(મિત્ર-ઉદાસીન-શત્રુ)ને,

ચાર (સામ-દામ-દંડ-ભેદ) ઉપાય વડે વશ કરો.અને પાંચ (જ્ઞાનેન્દ્રિયો)ને જીતીને 

છ (સંધિ-વિગ્રહ-યાન-આસન-દ્વૈધીભાવ-અને આશ્રય)ને સમજી લઇ,

સાત (સ્ત્રી-દ્યુત-મૃગયા-મદ્યપાન-કઠોર વાણી-ક્રૂર દંડ-અને દ્રવ્યનો નકામો ખર્ચ)નો ત્યાગ કરી સુખી થાઓ.

ઝેર અને શસ્ત્રથી એક મરે છે પણ રાજાનો મંત્ર મસલત ફૂટવાથી તે રાષ્ટ્રસહિત રાજાનો નાશ કરે છે (44)


અનેકની વચ્ચે બેસીને એકલાઓ સ્વાદિષ્ટ વસ્તુ ખાવી નહિ,એકલાએ મોટા કાર્યની વિચાર કરવો નહિ,એકલાએ મુસાફરી કરવી નહિ અને સર્વ સૂતાં હોય ત્યારે એકલાએ જાગતા બેસવું નહિ.હે રાજા,સંસારમાંથી નીકળીને સ્વર્ગમાં જેવા માટે સત્ય ભાષણ એ એક જ સીડી છે અને મોક્ષ માટે સત્ય-બ્રહ્મ જ સાધન છે (47)


ક્ષમાવાન મનુષ્યોનો એક જ દોષ દેખાય છે કે તેને લોકો દુર્બળ માને છે પણ તેને દોષ માનવો નહિ કેમકે ક્ષમા એક મહાન બળ છે.અશકતોને માટે ક્ષમા એ એક ગુણરૂપ છે ને સમર્થોને માટે તે એક ભૂષણરૂપ છે.ક્ષમા એ જગતમાં વશીકરણ છે,ક્ષમાથી શું સાધ્ય થતું નથી?જેના હાથમાં શાંતિરૂપી ખડ્ગ છે તેને દુર્જન શું કરશે?ઘાસ વિનાની જગામાં પડેલ અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે.ક્ષમારહિત મનુષ્ય પોતાને અને બીજાને અનેક દોષયુક્ત કરે છે.ધર્મ એ પરમકલ્યાણ છે,ક્ષમા એ ઉત્તમ શાંતિ છે,વિદ્યા પરમ તૃપ્તિ છે અને અહિંસા સુખ આપનારી છે.(52)....continue...