Nov 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-669

 

પ્રજાગર પર્વ 

અધ્યાય-૩૩-વિદુરનીતિ 

II वैशंपायन उवाच II द्वाःस्थं प्राह महाप्राज्ञो धृतराष्ट्रो महीपतिः I विदुरं द्रष्टुमिच्छामि तमिहानय म चिरम् II १ II

વૈશંપાયને કહ્યું-તે પછી,મહાબુદ્ધિમાન ધૃતરાષ્ટ્ર રાજાએ દ્વારપાલને વિદુરને બોલાવી લાવવા કહ્યું.એટલે દ્વારપાલ વિદુરને લઈને આવ્યો ત્યારે વિદુરે બે હાથ જોડી ધૃતરાષ્ટ્ર આગળ ઉભા રહીને તેમની આજ્ઞા માગી ત્યારે ધૃતરાષ્ટ્રે તેને કહ્યું કે-હે વિદુર,સંજય હમણાં આવ્યો ને મારી નિંદા કરીને ઘેર ગયો તે યુધિષ્ઠિરનો સંદેશો કાલ સભામાં કહેશે.

યુધિષ્ઠિરનું શું કહેવું છે તે મારા જાણવામાં આવ્યું નહિ તેથી મારાં ગાત્ર બળે છે અને મને ઊંઘ આવતી નથી.

તું ધર્મ અને અર્થમાં કુશળ છે,તો તું જે હિતકારક હોય તે મને કહે,મને તીવ્ર ચિંતા થાય છે.(12)

વિદુર બોલ્યા-જે દુર્બળ મનુષ્યના પર બળવાને ચઢાઈ કરી હોય તેને,જેનું ધન લૂંટાઈ ગયું હોય તેને,

કામીને અને ચોરને ઉજાગરા થાય છે.આ મોટા દોષોએ તો તમને સ્પર્શ કર્યો નથીને? 

કે પછી પારકા ધનની સ્પૃહાથી તો તમે સંતાપ પામ્યા નથીને?

ધૃતરાષ્ટ્ર બોલ્યા-આ રાજર્ષિવંશમાં તમે એકલા જ વિદ્વાનોમાં માન્ય છો.

આજે હું તમારાં ધર્મયુક્ત અને પરમ કલ્યાણકારક વચન સાંભળવાની ઈચ્છા રાખું છું (15)


વિદુર બોલ્યા-હે રાજન,યુધિષ્ઠિર સર્વ લક્ષણોથી યુક્ત છે ને ત્રણે લોકના અધિપતિ થવા યોગ્ય છે.તમારે રાજ્ય કરવા તેમને પ્રાર્થના કરવી જોઈએ તેને બદલે તમે તેમને વનમાં કાઢયા છે.તમે અંધ હોવાથી રાજ્યભાગને માટે અયોગ્ય છો છતાં,યુધિષ્ઠિરે તે રાજ્યભાગ ન લઇ લેતાં,પોતાનામાં રહેલ અક્રુરતા,દયા,ધર્મ,સત્ય તથા પરાક્રમ એ ગુણોને લીધે અને તમારા વડીલપણાને જોઈને પુષ્કળ ક્લેશો સહન કરે છે.તમે પાંડિત્ય વિનાના દુર્યોધન,શકુનિ,કર્ણ અને દુઃશાસનને રાજ્યસત્તા સોંપીને કેવી રીતે ઐશ્વર્યની ઈચ્છા રાખો છો?


(તેઓનામાં પાંડિત્ય નથી-એ કહેવા હવે વિદુર પંડિતનાં લક્ષણો કહે છે)

આત્મજ્ઞાન,ઉત્તમ ઉદ્યોગ,સહનશીલતા,અને ધર્મપરાયણતા આ ચાર જેને પુરુષાર્થથી ભ્રષ્ટ કરતાં નથી તે જ પંડિત કહેવાય છે.જે પ્રસંશાપાત્ર કામો કરે છે,ઈશ્વર-પરલોક વગેરે છે એમ જાણે છે અને ગુરુ-ને વેદવાક્યમાં શ્રદ્ધા રાખે છે તે પંડિતના લક્ષણવાળો છે એમ જાણવો.ક્રોધ,હર્ષ,પારકાની અવજ્ઞા,લજ્જા,અનમ્રતા આદિ જેને પુરુષાર્થથી ભ્રષ્ટ કરતા નથી તે જ પંડિત છે.જેનું કરવા ધારેલું કૃત્ય અથવા કરી રાખેલા વિચારને બીજા જાણતા નથી પણ સિદ્ધ થયેલા કાર્યને જ જાણે છે તે પંડિત છે.જેના કાર્યમાં ટાઢ,તાપ,ભય,પ્રીતિ,સમૃદ્ધિ અથવા અસમૃદ્ધિ વિઘ્ન કરી શકતાં નથી,તે જ પંડિત છે.જેની બુદ્ધિ સંસારમાં રહેલી છતાં ધર્મ ને અર્થને અનુસરીને ચાલે છે 

અને જે આ લોકના સુખરૂપ કામ કરતાં અર્થને સ્વીકારે છે -તે પંડિત છે.(20)...continue.....