અધ્યાય-૩૨-સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચેનો સંવાદ
II वैशंपायन उवाच II अनुज्ञातः पाण्डवेन प्रययौ संजयस्तदा I शासनं धृतराष्ट्रस्य सर्व कृत्वा महात्मनः II १ II
વૈશંપાયને કહ્યું-પછી,મહાત્મા ધૃતરાષ્ટ્રની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કરીને,તે સંજય યુધિષ્ઠિરની આજ્ઞા લઈને હસ્તિનાપુર પાછો પહોંચ્યો,ત્યાં જઈને તેણે ધૃતરાષ્ટ્રની પાસે જઈને તેમને કહ્યું કે-'હે રાજા,હું સંજય,પાંડવોની પાસે જઈને પાછો આવ્યો છું.યુધિષ્ઠિરે તમને પ્રણામ કરીને તમારા,તમારા પુત્રોના,પૌત્રોના,સ્નેહીઓના,અને બીજા જે તમારાથી જીવિકા ચલાવે છે તે સર્વનું કુશળ પૂછ્યું છે અને તેઓ સર્વ કુશળ છે.
યુધિષ્ઠિર,પ્રથમનું પોતાનું જે રાજ્યધન હતું તે તમારી પાસેથી પાછું મેળવવાની ઈચ્છા રાખે છે.યુધિષ્ઠિર વિશુદ્ધ ધર્મ ને અર્થ સંપાદન કરનારા છે,ઉદાર,વિદ્વાન,દીર્ઘદર્શી અને શીલસંપન્ન છે,તેમને દ્રવ્યથી સિદ્ધ થતા યજ્ઞાદિ ધર્મ કરતાં દયા અને ધર્મ મુખ્ય છે.હે રાજન,તેમની બુદ્ધિ અધર્મરહિત છે.આવા ધર્મિષ્ઠ યુધિષ્ઠિરને આવી દૈવી શિક્ષામાં પડેલા જોઈને મને લાગે છે કે-દોરો પરોવેલી લાકડાની પૂતળીની જેમ,પુરુષ પણ ઈશ્વરની પ્રેરણાથી જ જુદીજુદી ચેષ્ઠા કરે છે.તેથી હું મનુષ્યના કર્મ કરતાં ઈશ્વરના કર્મને શ્રેષ્ઠ માનું છું.તમારા આ પાપી પરિણામવાળા ઘોર અને અવર્ણનીય કર્મદોષ જોઈને હું તો એમ જ માનું છું કે-જેમ,કોઈ એક બળવાન શત્રુ પોતે જ્યાં સુધી ઈચ્છે છે ત્યાં સુધીજ તેનો નિર્બળ શત્રુ આ લોકમાં પ્રસંશા પામે છે,તેમ,તમે પણ પ્રસંશા પામી રહ્યા છો,ને યુધિષ્ઠિર પોતાના પાપનો ત્યાગ કરીને તમારા પર પાપ નાખી,પોતાના સ્વાભાવિક આચરણથી શોભી રહ્યા છે.
હે રાજન,તમે ધર્મ ને અર્થયુક્ત એવાં આર્યચરિત્રથી રહિત પોતાના કર્મોને ધ્યાનમાં લો.કેમ કે તમારા કર્મોની આ લોકમાં નિંદા જ ચાલી રહી છે,ને પરલોકમાં પણ એનાથી તમને નરકની પ્રાપ્તિ થશે.પુત્રને અધીન થઈને તમે પાંડવોની પાસેથી મેળવેલા તેમના રાજ્યને પોતે એકલા જ ભોગવવા ઈચ્છો છો તેથી આ પૃથ્વી પર તમારી મોટી અપકીર્તિ થશે.આવું કામ તમારા માટે યોગ્ય નથી.તમારા કર્ણ આદિ જે મંત્રી છે તેઓ એકઠા થઈને નિશ્ચય કરીને બેઠા છે કે પાંડવોને રાજ્ય આપવું નહિ,પણ આ નિશ્ચય તેમના ક્ષય માટે જ ઉત્પન્ન થયો હોય એમ લાગે છે,કેમકે અજાતશત્રુ યુધિષ્ઠિર જો તમારા નાશની ઈચ્છા કરશે તો ગોત્રવધનું પાપ તમારા પર નાખી પોતે નિષ્પાપ રહેશે.
હે રાજન,આ લોક છોડીને દેહ સાથે જ સ્વર્ગલોકને જોવા જનાર અર્જુનને પણ વનવાસનાં કષ્ટ સહેવાં પડે
તે પરથી એમ જ સમજાય છે કે-સર્વ કાઈ ઈશ્વરને જ આધીન છે,મનુષ્યનું કંઈ ચાલતું નથી.સર્વ ઈશ્વરાધીન છે માટે તૃષ્ણાના ક્ષય વડે જ ઇંદ્રિયોની પ્રીતિ સંપાદન કરવી જોઈએ.લાભ અને હાનિમાં સમાન બુદ્ધિવાળા પુરુષે,ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી વાળવી એ જ સુખનો માર્ગ છે.
હે રાજા,પ્રિય-અપ્રિય,સુખ-દુઃખ,નિંદા-સ્તુતિ,આદિ જોડકાં પુરુષને પ્રાપ્ત થાય છે જ.એક મનુષ્યનો અપરાધ થતાં બીજો તેની નિંદા કરે છે પણ તેને જ સારું આચરણ કરતો જોઈને બીજો તેની પ્રસંશા કરે છે.માટે હું તમારી નિંદા કરું છું કારણકે ભાઈઓના આ વિરોધથી સર્વ પ્રજાનો સંહાર થઇ જશે.પાંડવોને રાજ્યભાગ આપવારૂપી કર્મ કરવા હું તમને કહું છું અને તે જો તમે માન્ય કરશો નહિ તો તમારા અપરાધને લીધે કૃષ્ણને અનુસારનારો અર્જુન કૌરવોને બાળી નાખશે.દ્યુત સમયે તમે પુત્રને વશ થઈને શાંત થયા નહિ તેનું પરિણામ હવે તમે જુઓ.
હે રાજન,તમે વિદુર વગેરે હિતૈષીઓને દૂર કરીને કર્ણ વગેરે અહિતૈષીઓને પાસે રાખ્યા છે,પણ તેઓ અને દુર્બળ હોવાથી તમે આ પૃથ્વીનું રક્ષણ કરવા અસમર્થ છો.હે રાજન,પ્રવાસથી હું થાક્યો છું એટલે આજે આરામ કરીને કાલે સભામાં હું સર્વને યુધિષ્ઠિરનો સંદેશો સંભળાવીશ.(32)
અધ્યાય-32-સમાપ્ત
સંજયયાન પર્વ સમાપ્ત