Nov 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-667

 

અધ્યાય-૩૧-યુધિષ્ઠિરનો સંદેશો (ચાલુ)


II युधिष्ठिर उवाच II उत सन्तमसन्तं वा बालं वृध्धं च संजय I उताबलं बलीयांसं धाता प्रकुऋते वशे II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે સંજય,મનુષ્ય ઉત્તમ હોય કે નીચ હોય,બાળક હોય કે વૃદ્ધ હોય,બળવાન હોય કે નિર્બળ હોય,

સર્વને ઈશ્વર પોતાને આધીન રાખે છે.ઈશ્વર મૂર્ખને પાંડિત્ય અને પંડિતને મૂર્ખતા આપે છે,તે સર્વ આપવા સ્વતંત્ર છે.છતાં,અમારું બળ જાણવાની ઇચ્છાવાળાને તું જે ખરું છે તે કહેજે.ધૃતરાષ્ટ્રને કહેજે કે-'તમારા જ પરાક્રમથી પાંડવો સુખથી જીવે છે.પાંડવ બાળક હતા ત્યારે તમારી જ કૃપાથી તેઓને રાજ્ય મળ્યું હતું માટે તેમને રાજ્ય પર સ્થાપન કર્યા પછી તેઓ વિનાશ પામે એવું કરો નહિ.'

હે સંજય,ભીષ્મને કહેજે કે-'તમે શાંતનુનો વંશ ડૂબ્યો હતો ત્યારે તાર્યો હતો,તો હવે તમારા પોતાના મત પ્રમાણે એ રીતે કરો કે તમારા પૌત્રો પરસ્પર પ્રીતિ રાખીને જીવતા રહે' વિદુરને કહેજે કે-'તમે યુધિષ્ઠિરના ને સર્વની હિતની કામનાવાળા છો તો યુદ્ધ ન થાય તે જ બહેતર છે' પછી,તારે દુર્યોધન જયારે કૌરવની વચ્ચે બેઠો હોય ત્યારે તેને વારંવાર સમજાવીને કહેવું કે-'તેં સભામાં દ્રૌપદીની ઉપેક્ષા કરી,તેથી અમને મહાદુઃખ થયું હતું,પણ અમારે હાથે કૌરવોનો વધ ન થાય એ હેતુથી અમે તે દુઃખ સહન કરી લીધું છે.પાંડવો બળવાન હોવા છતાં તેઓએ અનેક ક્લેશોને સાંખી લીધા છે,ને તમારા અપરાધને મનમાં લાવતા નથી,પણ અમને અમારો ભાગ મળવો જોઈએ,માટે તું પારકા દ્રવ્ય પર લોભવાળી તારી બુદ્ધિને પછી વાળ,ને એમ કરવાથી જ શાંતિ રહેશે.


અમે,શાંતિની ઈચ્છાવાળા છીએ માટે તું રાજ્યનો એક ભાગ પણ આપ તો અમે શાંત રહીશું.અવિસ્થલ,વૃકસ્થલ,

માકંદી,વારણાવત  અને પાંચમું કોઈ એક ગામ એ પ્રમાણે અમે પાંચ ભાઈઓને પાંચ ગામ જ આપ તો ચાલશે.

આમ કરવાથી સગાંઓની સાથે શાંતિ રહે એ જ અમારો હેતુ છે.આપણે સર્વ પ્રસન્ન મનથી શાંત થઈએ એ જ અમારી ઈચ્છા છે' હે સંજય,હું શાંતિને માટે તૈયાર છું તેમ જ યુદ્ધ માટે પણ તૈયાર છું.હું ધર્મ ને અર્થ સંપાદન કરવામાં પણ સમર્થ છું,તથા શાંતિના કોમળ ભાવને ને યુદ્ધના દારુણ ભાવને ધારણ કરવા પણ સમર્થ છું (24)

અધ્યાય-31-સમાપ્ત