Nov 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-666

 

અધ્યાય-૩૦-યુધિષ્ઠિરનો સંદેશો 


 IIसंजय उवाच  II आमन्त्रेय त्वां नरदेवदेव गच्छाम्यहं पांडव स्वस्तितेस्तु I

 कच्चिन्न वाचा वृजिनं हि किंचिदूच्चारितं मे मनसोभिषन्गात II १ II

સંજય બોલ્યો-હે રાજેન્દ્ર,તમારું કલ્યાણ થાઓ.હું તમારી આજ્ઞા માગું છું,મેં મારા મનના આવેશના 

લીધે વાણી વડે કંઈ પાપભરેલું વચન તો કહ્યું નથીને? તમે મારા તરફ સૌમ્ય દ્રષ્ટિ રાખો,

મને જવાની આજ્ઞા આપો,તમારા સર્વનું કલ્યાણ થાઓ ને તમને સુખ પ્રાપ્ત થાઓ.

યુધિષ્ઠિર બોલ્યા-હે વિદ્વાન સંજય,અમે તને જવાની આજ્ઞા આપીએ છીએ,તારું અમે કંઈ અપ્રિય કર્યું હોય એવું તો તારા સ્મરણમાં નથીને? તું શુદ્ધ અંતઃકરણવાળો મધ્યસ્થ સભાસદ છે,ને યથાર્થવક્તા દૂત છે તેથી તું અમને પ્રિય લાગે છે.તું અને વિદુર આવે તે અમને પ્રિય છે અને તું અર્જુનનો આત્માસમાન મિત્ર પણ છે.

હવે તું અહીંથી જઈને બ્રાહ્મણો,વૃદ્ધો,તપસ્વીઓ,પુરોહિતો,આચાર્યો આદિ સર્વેને અમારા કુશળ કહી તેમના કુશળ અમારી વતીથી પુછજે.ગુરુ દ્રોણ,ગુરુ કૃપ ને અશ્વસ્થામાને ઘેર જઈને મારુ નામ લઈને ગુરુઓને મારા વતી  ચરણસ્પર્શ કરીને તેમનાં કુશળ પુછજે ને અમારા કુશળ કહેજે.ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર તથા વિદુરને પણ મારા વતી ચરણસ્પર્શ કરીને કુશળ પુછજે.ને અમારા સર્વના કુશળ કહેજે.


દુર્યોધન,દુઃશાસન,ને કૌરવ ભાઈઓ તથા સર્વને મારા વતી કુશળ પુછજે.સોમદત્ત,ભૂરિશ્રવા ને યુદ્ધ કરવા એકઠા થયેલા સર્વ રાજાઓને જે યોગ્ય લાગે તે કહીને તેઓનું કુશળ પુછજે.ચિત્રરથ,શકુની,કર્ણનું પણ કુશળ પુછજે.

રાજ્યની સ્ત્રીઓ,દાસદાસીઓ,અનાથ,દુર્બળ ને દીન લોકોનું પણ કુશળ પુછજે.

હે સંજય,દુર્યોધને જે યોદ્ધાઓ મેળવ્યા છે તેવા યોદ્ધાઓ પૃથ્વી પર બીજા નથી-એ વાત સાચી છે પણ ધર્મ અવિનાશી ફળવાળો છે ને શત્રુઓના નાશ માટે મારો ધર્મ જ મહાબળવાન છે.


તું દુર્યોધનને મારું વચન કહેજે કે-તારી 'હું શત્રુરહિત થઈને કુરુરાજ્ય પર સત્તા ચલાવું'એવી જે ઈચ્છા છે તે જ તારા અંતઃકરણને દુઃખી કરે છે,પણ તે સિદ્ધ થવા કોઈ યુક્તિ નથી કારણકે તારું પ્રિય થાય તે પ્રમાણે અમે વર્તવાના નથી,માટે તું અમારું ઇન્દ્રપ્રસ્થ અમને પાછું આપ અથવા અમારી સાથે યુદ્ધ કર' (49)

અધ્યાય-30-સમાપ્ત