અધ્યાય-૨૯-શ્રીકૃષ્ણનું ભાષણ
II युधिष्ठिर उवाच II अविनाशं संजय पांडवानामिच्छ्याम्यहं भूतिमेषां प्रियं च I
तथा राज्ञो धृतराष्ट्रस्यसुत समाशंसे बहुपुत्रस्य वृद्धिं II १ II
શ્રીકૃષ્ણ બોલ્યા-હે સંજય,હું પાંડવોના ઐશ્વર્યની,પ્રિયની તથા અવિનાશની ઈચ્છા રાખું છું તેમ જ ઘણા પુત્રવાળા ધૃતરાષ્ટ્ર રાજાની પણ વૃદ્ધિ થાય તેમ પણ ઈચ્છું છું.હું તેઓને 'શાંત થાઓ' એ વિના બીજું કંઈ કહેતો નથી,ને યુધિષ્ઠિરના મુખેથી જયારે શાંતિની પ્રિય વાત સાંભળું છું,ત્યારે તે પણ મને માન્ય છે.ખરી રીતે તો રાજ્યના સંબંધમાં યુધિષ્ઠિરે મહાદુષ્કર શાંતિ દર્શાવી છે,પણ ધૃતરાષ્ટ્ર રાજ્યમાં તૃષ્ણા રાખીને બેઠો છે એટલે આ બંનેની વચ્ચે ક્લેશ કેમ ન થાય? હું અને યુધિષ્ઠિર ધર્મથી ડગ્યા નથી એ વાત તું જાણે છે છતાં,સ્વકર્મનું પાલન કરનારા અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કુટુંબમાં રહી કર્મ કરનારા એવા યુધિષ્ઠિરે ધર્મનો લોપ કર્યો-એમ તેં કયા કારણથી કહ્યું?
કર્મરૂપી ધર્મના સંબંધમાં ભિન્નભિન્ન વિચારો છે.કર્મ કરવું કે નહિ કરવું-એ સંબંધમાં વિચાર કરતાં,કર્મ પ્રત્યક્ષ ફળ આપનાર જણાય છે,જેમકે તૃષાતુર મનુષ્ય પાણી પીએ તો જ તેની તૃષા શાંત થાય છે.જ્ઞાનવિધિનું પણ કર્મની સાથે જ વિધાન કરેલું છે,કે જે જ્ઞાન પ્રમાણે કર્મ કરતાં કર્મ નાશ પામે છે.
કર્મ વડે જ દેવો સ્વર્ગમાં ઝળકી રહ્યા છે,કર્મ વડે આ લોકમાં વાયુ વાયા કરે છે,કર્મ વડે સૂર્ય-ચંદ્ર નિત્ય ઉદય પામે છે,ઇંધણ નાખવાથી વૃદ્ધિ પામેલો અગ્નિ સાવધાન થઇ લોકને માટે કર્મ કરતો બળ્યા કરે છે.આ પૃથ્વીદેવી સાવધાન થઈને પોતાના બળથી ભાર વહન કરે છે,નદી જળનું વહન-કર્મ કરે છે,મેઘ વૃષ્ટિ-કર્મ કરે છે.સ્વર્ગમાં જે ઋષિઓ પ્રકાશી રહયા છે તે પણ બ્રહ્મવિદ્યા,બ્રહ્મચર્ય અને ક્રિયાસેવન રૂપી કર્મનું જ ફળ છે.
હે સંજય,તું બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને સર્વલોકના આવા કર્મ-ધર્મને જાણે છે,તો કૌરવોના લાભને માટે પાંડવોને શા માટે બાંધી લે છે? આ યુધિષ્ઠિર.વિદ્યા,ધર્મ,કર્મ તથા શૌર્યમાં કુશળ છે તેમને બીજો કોઈ શિખામણ આપી શકે તેમ નથી કે જીતી પણ શકે તેમ નથી.છતાં,જો પાંડવોને,કૌરવોના વધ વિનાજ રાજ્યપ્રાપ્તિનો ઉપાય જડે,તો તેઓએ,આ ભીમસેનને,અહિંસારૂપી આર્યવર્તનમાં રોકીને ધર્મ-રક્ષણ-રૂપી પુણ્ય જ કર્યું ગણાય !
અને જો તેમ ન થતા પાંડવો પરંપરાના ક્ષત્રિયોના ધર્મરૂપ,યુદ્ધ કર્મમાં જોડાય અને કદાચ દૈવને લીધે મરણ પામે તેઓનું મૃત્યુ પ્રશંસનીય જ ગણાય.હે સંજય,તું સલાહ કરવી એમ માને છે પરંતુ યુદ્ધ કરવામાં કે યુદ્ધ ન કરવામાં રાજાનું કયું ધર્માચરણ છે? એનો જવાબ તું મને આપ,એ સાંભળીને હું તેમ કરીશ.
પણ હે સંજય,ઉત્તર આપતાં પહેલાં,તું ચારે વર્ણના કર્મવિભાગોના તથા તારાં પોતાનાં કર્મોનો વિચાર કરીને,
અને પાંડવોના કર્મો તરફ પણ ધ્યાન આપીને પછી તારો જે વિચાર બંધાય,તે પ્રમાણે તું પ્રસંશા કે નિંદા કર.
દુર્યોધન કરતાં,ધર્મ તથા જ્ઞાન વડે અધિક અને સર્વધર્મસંપન્ન જો કોઈ હોય તો તે પ્રજાનું પાલન કરવા તથા તેને અનુશાસન કરવા ઇચ્છતા આ યુધિષ્ઠિર જ છે એમ જાણવું અને તેમનામાં અધર્મ નથી એમ પણ જાણવું.
જયારે,લૂંટારા જેવો રાજા,પોતે બળવાન હોવાથી પારકાનું ઐશ્વર્ય લેવાની ઈચ્છા કરે છે ત્યારે જ રાજાઓમાં પરસ્પર યુદ્ધ થાય છે.અને તે યુદ્ધ માટે જ સર્વ શસ્ત્રો ઇન્દ્રે ઉત્પન્ન કર્યા છે.યુદ્ધમાં લૂંટારાનો વધ એ પુણ્યકર્મ છે.
ધૃતરાષ્ટ્રે,પાંડવોનું ધર્મથી પ્રાપ્ત થયેલું રાજ્ય એકાએક હરી (લૂંટી)લીધું છે અને તેને અનુસરનારા કૌરવો પણ પુરાતન રાજધર્મ તરફ દ્રષ્ટિ કરતા નથી.દુર્યોધને કપટ વડે જે રાજ્ય હરી લીધું છે તેને તે લોભને લીધે ધર્મ માને છે,અને તે દુર્યોધનને અનુસરનારા ધૃતરાષ્ટ્ર પણ તે રાજ્યને પચાવવાની ઈચ્છા રાખે છે,પણ પાંડવોનું તે રાજ્ય થાપણરૂપે છે તો તેને શા કારણથી તેઓ દબાવી રાખે છે? અવશ્ય પાછા મેળવવા યોગ્ય રાજ્યભાગને માટે યુદ્ધ કરતાં કદાચ અમારો નાશ થાય તો તે વખાણવા યોગ્ય છે કારણકે બીજાના રાજ્ય કરતાં પોતાનું રાજ્ય મેળવવું શ્રેષ્ઠ છે.
હે સંજય,મદને લીધે મૃત્યુને આધીન થયેલા એ મૂઢ બુદ્ધિ દુર્યોધને એકઠા કરેલા રાજાઓની વચ્ચે તું પુરાતન ધર્મ વિષે કહેજે.વળી સભાની વચ્ચે દ્રૌપદી પ્રત્યે કૌરવોએ કરેલું પાપકર્મ તું યાદ કર.ભીષ્મ-આદિ વૃદ્ધોએ પણ તે તરફ ધ્યાન ન આપ્યું તે તો શું મહાપાપ નથી? તે વખતે જ એકઠા મળેલ સર્વેએ અને ધૃતરાષ્ટ્રે જો દુઃશાસનને અટકાવ્યો હોત તો ધૃતરાષ્ટ્રે મારું અને કૌરવોનું પ્રિય કર્યું ગણાત.તે વખતે માત્ર વિદુર સિવાય તેનું રક્ષણ કરનાર કોઈ નહોતું..
હે સંજય,તું પણ તે સભામાં હતો ને હવે ધર્મરાજને ધર્મનો ઉપદેશ કરવા ઈચ્છે છે?
તે સભામાં સસરાઓની સમીપમાં ઉભેલી દ્રૌપદીને સૂતપુત્ર કર્ણે કહેલાં વચનો તને યાદ જ હશે.હાડકાં ભેદીને મર્મને છેદી નાખનારું તે વાણીરૂપી બાણ,અર્જુનના હૃદયમાં પેઠું હતું તે હજુ પણ તેના હૃદયમાં જ છે.
પાંડવોએ જયારે વનમાં જવા કાળાં મૃગચર્મો પહેરવા માંડ્યા હતા ત્યારે દુઃશાસને કહેલાં કડવાં વચનો ને દ્યુત સમયે શકુનિએ કહેલાં કડવાં વચનો-એ સર્વ તું જાણે છે,છતાં આ વણસેલા કાર્યને સુધારવા હું પોતે જ ત્યાં જવા ઈચ્છું છું.ત્યાં જઈને જો હું તેમને શાંત કરી શકું તો મેં પુણ્ય કર્યું ગણાય કેમકે તેઓ મૃત્યુપાશમાંથી મુક્ત થાય.
હું ત્યાં જાઉં,તે સમયે કૌરવો જો મારો સત્કાર કરશે અને હું ભાષણ કરું ત્યારે મારી નીતિથી ભરેલી વાણી તેઓ ધ્યાનમાં લેશે તો જ તેઓનું કલ્યાણ થશે,પણ જો તે પ્રમાણે તેઓ નહિ કરે તો ક્રોધે ભરાયેલા અને યુદ્ધ માટે સજ્જ થયેલા અર્જુન અને ભીમથી તેઓ સંપત્તિરહિત જ થયેલા છે એમ તું જાણ.સમય આવતાં ગદા લઈને ભીમ તે દુર્યોધનને તેની મર્મભેદક વાણીને યાદ કરાવશે ને તેનો પરાજય કરશે તે નક્કી જ છે.
દુર્યોધન,એક ક્રોધમય મહાવૃક્ષ છે,કર્ણ તેનું થડ છે,શકુનિ તેની શાખા છે,દુઃશાસન તેનાં ફળફૂલ છે ને ધૃતરાષ્ટ્ર તેનું મૂળ છે.તો આ તરફ,યુધિષ્ઠિર ધર્મમય મહાવૃક્ષ છે,અર્જુન તેનું થડ છે,ભીમ તેની શાખા છે,નકુલ-સહદેવ તેનાં ફળફૂલ છે અને હું,વેદ અને બ્રાહ્મણો તે વૃક્ષનાં મૂળ છીએ.તાત્પર્ય છે કે દુર્યોધનનો નાશ થતા એકલો ધૃતરાષ્ટ્ર જ શોચનીય થશે પણ પાંડવોનો ઉચ્છેદ થતાં તો અમે ત્રણ શોચનીય થઈશું.હે સંજય,ધૃતરાષ્ટ્રના પુત્રો લતા સમ છે તો પાંડવો શાલવૃક્ષ સમ છે.લતા વૃક્ષના આશ્રય વિના કદાપિ વૃદ્ધિ પામતી નથી એ સ્વાભાવિક જ છે.
શત્રુનો નાશ કરનારા પાંડવો સેવા કરવા પણ તૈયારે છે ને યુદ્ધ કરવા પણ તૈયારે છે,માટે હવે ધૃતરાષ્ટ્રને જે કૃત્ય કરવું હોય તે ભલે કરે.તો તે પ્રમાણે તું તેને અને કૌરવોને યથાર્થ હકીકત કહેજે.(58)
અધ્યાય-29-સમાપ્ત