અધ્યાય-૨૮-યુધિષ્ઠિરનાં વાક્યો
II युधिष्ठिर उवाच II असंशयं संजय सत्यमेतद्धर्मो वरः कर्मणां यत्वमात्थ I
ज्ञात्वा तु मां संजय गर्हयेस्तवं यदि धर्म यद्यधर्म चरेयमं II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે સંજય,તું જે કહે છે કે-સર્વ કર્મ કરતાં ધર્મ શ્રેષ્ઠ છે તે વાત નિઃસંશય સત્ય જ છે.હું ધર્મથી વર્તુ છું કે અધર્મથી-તેની પરીક્ષા કર્યા પછી જો મારામાં જ અધર્માચરણ જોવામાં આવે તો.પછી તું મારી નિંદા કર.
હે સંજય,ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણવું કઠિન છે કેમ કે કેટલાક ઠેકાણે અધર્મ,ધર્મ તરીકે ને કેટલાક ઠેકાણે ધર્મ,અધર્મ તરીકેનું રૂપ ધારણ કરતુ દેખાય છે. આવા ધર્મની પરીક્ષામાં ત્રણ ભેદ છે.માટે વિદ્વાનો જ પોતાની બુદ્ધિથી ધર્મના ખરા સ્વરૂપને જાણે છે.
શાસ્ત્રોક્ત વર્ણના ધર્મો,જેવા કે બ્રાહ્મણને વેદાધ્યયન-આદિ.ક્ષત્રિયને શૌર્ય-આદિ,વૈશ્યને કૃષ્ય-આદિ અને ક્ષુદ્રને સેવા-આદિ એ મુખ્ય છે.છતાં આપત્તિમાં (આપદ ધર્મ પ્રમાણે)બ્રાહ્મણ અને વૈશ્ય ક્ષત્રિયનું કર્મ કરે તે ધર્મ છે,
આ રીતે એક જ કર્મ જુદા જુદા વર્ણમાં ધર્મ કે અધર્મપણાને પામે છે.તેમાં પણ વિશેષતા એ છે કે-બ્રાહ્મણનાં
યજ્ઞ કરાવવા આદિ કર્મો,આપત્તિમાં પણ બીજા ક્ષત્રિય આદિ વર્ણ કરી શકે નહિ.જોકે ક્ષત્રિયનું શસ્ત્ર વગેરે ધન અને વૈશ્યનું પશુ વગેરે ધન જ સર્વથા નાશ પામી જાય ત્યારે તેણે જે વડે પોતાનું સંધ્યોપાસનાદિક કર્મ સંપાદન થાય એવું ભિક્ષાટન વગેરે કરવા ઇચ્છવું કેમ કે તેમ ન કરવાથી જીવીકાના અભાવથી કર્મનો લોપ થાય તથા પ્રાણનો પણ નાશ થાય છે,માટે આપત્તિમાં ક્ષત્રિય-આદિએ બ્રાહ્મણનો તે ભિક્ષા માંગવાનો ધર્મ સ્વીકારવો.
પરંતુ,હે સંજય,જે મનુષ્ય સારી સ્થિતિમાં હોય છતાં આપદધર્મ ભિક્ષા)ને અનુસરે તે લોભને લીધે નિંદવાયોગ્ય છે.
આ પ્રમાણે આપત્તિના સમયમાં અમે (એકચક્રા નગરીમાં ભિક્ષાટન કર્યું હતું)પણ આપત્તિ વિનાના સમયમાં સ્વકર્મમાં જ વર્તન કર્યું છે.માટે અમે દોષને લાયક નથી.હું આ ત્રણે લોકમાં રહેલા સઘળા ધનને કે સ્વર્ગલોકને પણ અધર્મથી મેળવવા ઈચ્છતો નથી.જો હું સામનો ત્યાગ કરું તો જ નિંદા પાત્ર થાઉં.
વિદ્વાનો દ્વારા કર્મના નિશ્ચયને જાણનારા ને મારા પ્રિય ને સજ્જન એવા શ્રીકૃષ્ણને જ તું શું સત્ય છે તે પૂછી જો,
મહાબળવાન ને ધર્મ ને કર્મના ફળદાતા એવા શ્રીકૃષ્ણના કોઈ વચનનું હું ઉલ્લંઘન કરતો નથી.(14)
અધ્યાય-28-સમાપ્ત