અધ્યાય-૨૭-સંજયનાં વાક્યો
IIसंजय उवाच II धर्मनित्या पांडव ते विचेष्टा लोके श्रुता द्रष्यते चापि पार्थ I
महाश्रवं जीवितं चाप्यनित्यं संपश्य त्वं पांडव मा व्यनीनशः II १ II
સંજય બોલ્યો-હે પાંડવ,તમારું કોઈ પણ આચરણ ધર્મને અનુસરીને જ હોય છે એવું લોકમાં સાંભળવામાં અને જોવામાં આવે છે.હે પાંડુપુત્ર,પણ,મહાકીર્તિવાળું જીવિત પણ અનિત્ય જ હોય છે તે તરફ તમે દ્રષ્ટિ કરો અને ક્રોધ વડે ધૃતરાષ્ટ્ર પુત્રોનો નાશ ન કરો.કૌરવો રાજ્યનો ભાગ આપે નહિ તો યુદ્ધ કરીને રાજ્ય મેળવવું એ કલ્યાણકારક નથી,પણ અંધક અને વૃષ્ણીઓના રાજ્યમાં ભિક્ષા માગીને નિર્વાહ કરવો એ કલ્યાણકારક છે એમ હું માનું છું.
કેમ કે મનુષ્યનું જીવિત અલ્પ,ક્ષય પામનારું,દુઃખથી ભરેલું અને ચંચળ છે.વળી,યુદ્ધ કરીને રાજ્ય મેળવવું તે તમારા જેવાની કીર્તિને પણ યોગ્ય નથી,માટે તમે યુદ્ધરૂપી પાપ કરશો નહિ.
હે નરેન્દ્ર,ધર્મને વિઘ્ન કરવામાં મૂળરૂપ વિષયેચ્છાઓ છે.ધનની તૃષ્ણા બંધન કરનારી છે.જે મનુષ્ય તે તૃષ્ણાનો ત્યાગ કરીને ધર્મનો જ સ્વીકાર કરે તે જ જ્ઞાની છે.તમે સકામ કર્મ કરીને ક્રોધથી પ્રાપ્ત થતા નરકલોકમાં કે હર્ષથી પ્રાપ્ત થતા સ્વર્ગલોકમાં ન જતાં નિષ્કામ કર્મ કરીને મોક્ષ સંપાદન કરો.બંધુઓના નાશથી પ્રાપ્ત થનારા રાજ્યનું શું પ્રયોજન છે? હે પાંડવો,તમે દ્વેષવડે આવું ગોત્રવધરૂપી પાપકર્મ પહેલાંથી જ કરવાના હોત તો તમે જે આ ઘણાં વર્ષ સુધી વનમાં દુઃખથી વાસ કર્યો તે ધર્મ જ ગણાય (કેમ કે તેટલો સમય લોકનો નાશ થતો અટકી ગયો !)
બાકી,તમે વનમાં જતી વખતે જ રાજ્યને,બળથી પોતાના કબ્જામાં રાખીને વનમાં ન ગયા હોત તો ચાલત કેમકે સૈન્ય તો તમારે આધીન જ હતું ને શ્રીકૃષ્ણ,સાત્યકિ-આદિ સર્વ તમારા જ પક્ષનો આશ્રય કરત.ને રંગમંડપમાં જ તે દુર્યોધનનો ગર્વ ઉતારી શકત.પણ તે સમયે તમે તેમ કર્યું નહિ.તો હવે યુદ્ધની ઈચ્છા કેમ કરો છો?
હે યુધિષ્ઠિર,તમારી બુદ્ધિ અધર્મમાં પ્રવૃત્તિ કરતી નથી તથા પૂર્વે પણ ક્રોધને લીધે તમે કોઈ પાપ કર્મ કર્યું નથી,છતાં શા કારણથી હવે બુદ્ધિથી વિરુદ્ધ એવું હિંસા કર્મ કરવા ઈચ્છો છો તે કહો.તમે ક્રોધ શાંત કરો.તમારે તો ક્ષમા રાખવી એ જ શ્રેષ્ઠ છે,પણ ભોગની તૃષ્ણા રાખવી શ્રેષ્ઠ નથી.કારણકે તેમ કરવા જતાં,ભીષ્મ,દ્રોણ,કૃપ ને સર્વ કૌરવોનો વિનાશ થશે અને તે સર્વને માર્યા પછી જે સુખ મળવાનું છે તે કેવા પ્રકારનું છે? તે મને કહો.
હે રાજા,તમે આ સાગરપર્યંતની પૃથ્વી મેળવીને પણ,વૃદ્ધાવસ્થા,મૃત્યુ,પ્રિય,અપ્રિય,સુખ અને દુઃખનો ત્યાગ કરી શકવાના નથી,માટે એમ જાણીને પણ તમે યુદ્ધ કરશો નહિ.કદાચ,અમાત્યોઓની ઈચ્છા પૂર્ણ કરવા,યુદ્ધનું કર્મ કરવા ઇચ્છતા હો તો આ કામ તેમને સોંપી દઈને તમે દૂર થઇ જાઓ પણ,ગોત્રદ્રોહરૂપી પાપકર્મ કરીને,
તમે અર્ચિરાદિ-દેવમાર્ગથી ભ્રષ્ટ થાઓ નહિ (27)
અધ્યાય-27-સમાપ્ત