Oct 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-662

 

અધ્યાય-૨૬-યુધિષ્ઠિરનું ભાષણ 


II युधिष्ठिर उवाच II कां नु वाचं संजय मे शृणोषि युध्धैषिणी येन युद्धाद्विमेषि I 

युद्धं वै तात युद्वाद्वरियः कस्तल्लब्धवा जातु युद्वयेत सुत II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે સંજય,તું યુદ્ધની ઈચ્છાવાળી મારી કયી વાણી સાંભળે છે કે જેથી તું યુદ્ધથી ભય પામે છે?ખરેખર તો યુદ્ધ કરવા કરતાં યુદ્ધ ન કરવું એ શ્રેષ્ઠ છે.યુદ્ધ વિના અર્થસિદ્ધિ થતી હોય તો કયો પુરુષ યુદ્ધ કરવા તૈયાર થાય?પાંડવો સુખની ઈચ્છાવાળા છે અને ધર્મયુક્ત ને લોકહિતકારી કર્મ કરે છે.અમે ઇન્દ્રિયોનાં સુખ પાછળ લાગેલા નથી.કેમકે ઇન્દ્રિયોના વિષયોની જેમ જેમ પ્રાપ્તિ થતી જાય તેમતેમ વૃદ્ધિ જ પામ્યા કરે છે.

અમારી સાથે તું અનેક પુત્રવાળા ધૃતરાષ્ટ્ર તરફ દ્રષ્ટિ કર.મોટો વૈભવ હોવા છતાં તે સર્વ વૈભવ પોતાને જ મળે એવી ઈચ્છાથી અમને રાજ્યવૈભવથી દૂર કર્યા  તો પણ તે ભોગથી તેમને હજુ તૃપ્તિ થતી નથી.

બાકી,તે મહાભાગ્યવાન તો ખરા,કારણકે શત્રુઓ સાથે વિરોધ કરીને પોતાની ચઢતી કરવી પુણ્યવાનને જ સાધ્ય થાય છે.તેઓ સર્વ વૈભવ ભોગવે છે છતાં અધિક વિષયેચ્છા રાખે છે.દુર્યોધન પણ સંકટમાં પડતાં કર્ણ આદિના સામર્થ્યની ઈચ્છા રાખે છે અને પોતે,પોતાનું જેવું આચરણ જુએ છે તેવુ જ બીજાઓનું પણ માને છે તે સારું નથી..

ધૃતરાષ્ટ્રને ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે છતાં તે રડે છે તેનું કારણ એ જ છે કે તે દુષ્ટ બુદ્ધિવાળા,મંદભાગી,મૂર્ખ અને મંત્રી વિનાના પુત્ર દુર્યોધનને તે વળગી રહ્યા છે.દુર્યોધન,વિદુરના વચનો અવગણીને અધર્મનો આશ્રય કરે છે અને પુત્રનું પ્રિય ઇચ્છનારા ધૃતરાષ્ટ્ર જાણતા હોવા છતાં તે અધર્મમાં જ પ્રવેશ કરે છે.


હે સંજય,હું દ્યુત રમતો હતો ત્યારે પણ પુત્રપ્રેમને લીધે ધૃતરાષ્ટ્રે વિદુરના વિદ્વતાભર્યા વચનોને અવગણ્યા હતા ત્યારે જ મારા મનમાં નિશ્ચય થયો હતો કે હવે કૌરવનો ક્ષય નજીક આવી પહોંચ્યો છે.તે કૌરવો વિદુરની બુદ્ધિ પ્રમાણે ચાલ્યા ત્યાં સુધી જ રાષ્ટ્રની વૃદ્ધિ થઇ,પણ જયારે તેઓ વિદુરની બુદ્ધિને અનુસર્યા નહિ ત્યારથી તેને અડચણો આવવા લાગી.તે ધનના લોભી દુર્યોધનના મંત્રીઓ શકુનિ અને કર્ણ છે-તે શું મૂર્ખતા નથી?


કર્ણ,દ્રોણ ,ભીષ્મ અને સર્વ કૌરવો જાણે છે કે અર્જુનના જેવો બીજો કોઈ ધનુર્ધારી નથી છતાં,કર્ણ માને છે કે તે યુદ્ધમાં અર્જુનને જીતી શકશે પણ તે ભ્રાંતિ જ છે.દુર્યોધન કર્ણ આદિના બળ પર જ યુદ્ધમાં જીતવાની ઈચ્છા રાખે છે તે કેવું આશ્ચર્ય છે? યુદ્ધમાં અર્જુનના ગાંડીવનો ટંકારાવ અને ક્રોધ પામેલા ભીમને જ્યાં સુધી જોયો નથી ત્યાં સુધી જ તે દુર્યોધન પોતાનો અર્થ સિદ્ધ થયેલો માને છે.પણ જ્યાં સુધી પાંડવો જીવે છે ત્યાં સુધી ઇન્દ્ર પણ અમારું ઐશ્વર્ય હરણ કરવાનો ઉત્સાહ રાખે તેમ નથી.માટે હે સંજય,ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને 'જો અમે રાજ્ય નહિ આપીએ તો અમારો નાશ થશે' એવી બુદ્ધિ પ્રાપ્ત થાય તો જ ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડવોના કોપથી બળી જઈને નાશ પામશે નહિ.


હે સંજય,અમને કેવાં દુઃખ પડ્યાં છે તે તું જાણે છે,ને કૌરવો અમારી સાથે કેવી રીતે વર્તતા હતા તે પણ તું જાણે છે,

પરંતુ હું તમારું માન  રાખીને જ તેમની તરફ ક્ષમા રાખું છું,અને હજી પણ હું પૂર્વે વર્તતો હતો તેમ પ્રમાણે જ વર્તીશ અને તમે કહો છો તેમ શાંતિ ધારણ કરીશ પણ જો તે દુર્યોધન મને મારુ જ રાજ્ય પાછું આપે તો જ.(30)

અધ્યાય-26-સમાપ્ત