Oct 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-661

 

અધ્યાય-૨૫-સંજયે ધૃતરાષ્ટ્રનો સંદેશો કહ્યો 


II युधिष्ठिर उवाच II समागताः पांडवा: सृंजयाश्च जनार्दनो युयुधानो विराटः I 

यते वाक्यं धृतराष्ट्रानुशिष्टं गावल्गणे ब्रुहि तत्सुतपुत्र II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે ગાવલ્ગણ સૂતના પુત્ર સંજય,અહીં પાંડવો,સૃન્જયો,શ્રીકૃષ્ણ,સાત્યકિ,

વિરાટ આદિ સર્વ એકઠા થયા છે માટે ધૃતરાષ્ટ્રે જે સંદેશો કહ્યો હોય તે અમને સર્વને કહે.

સંજય બોલ્યો-હું કૌરવોના કલ્યાણની ઈચ્છાથી જે કહું છું  તે તમે સર્વ સાંભળો.ધૃતરાષ્ટ્ર રાજા સલાહ-શાંતિને અભિનંદન આપે છે એટલે જ તેમને ઉતાવળથી રથ જોડાવી મને અહીં મોકલ્યો છે.તે તમને સર્વને રુચિકર થાઓ ને તેથી શાંતિ થાઓ.હે પૃથાપુત્રો તમે સર્વધર્મથી સંપન્ન છો,સરળતાથી યુક્ત છો,ને કર્મના નિશ્ચયને જાણનારા છો,તમારી સાધુતા જ એવી છે કે તમારા હાથે હિંસાવાળું કર્મ થવું યોગ્ય નથી.જો તમારામાં પાપ હોય તો તે તરત જ જણાઈ આવે પણ તેવું નથી જ.જે કર્મમાં સર્વ શૂન્ય કરી નાખનારો મહાન ક્ષય,જે જય પણ પરાજય જેવો જ હોય તેવા યુદ્ધરૂપી કર્મને જાણનાર પુરુષ કદાપિ પણ તે કરવા તૈયાર થાય નહિ.

જેઓએ દુર્યોધન-આદિને ગંધર્વોથી મુક્ત કરવા જેવા કાર્યો કર્યા છે તે ધન્ય છે.તમે જો નિંદા ભરેલું કર્મ કરો 

અને કૌરવોને શત્રુ ગણીને તેઓનો સંહાર કરીને જીવિત ભોગવો તો તે જીવિત તમને મરણ સમાન જ થઇ પડે.

ઇન્દ્ર સહિત દેવોની સહાય મેળવીને પણ કયો પુરુષ શ્રીકૃષ્ણ,સાત્યકિ-આદિ સાથે તમને જીતવા સમર્થ થાય?

ને રણમાં દ્રોણ,ભીષ્મ,કૃપ આદિથી રક્ષણ કરાતા કૌરવોને જીતવા પણ કયો પુરુષ હિંમત કરે?ક્ષીણ થયા વિના દુર્યોધનના મોટા સૈન્યને હણવા કોણ સમર્થ થાય?


એ ઉપરથી મને તો જય-પરાજયમાં જરાય કલ્યાણ જોવામાં આવતું નથી પાંડવો ધર્મ ને અર્થથી વિરુદ્ધ કામ કરશે જ કેમ?તથાપિ હું શ્રીકૃષ્ણ અને દ્રુપદરાજાને હાથ જોડીને શરણે જઈને પૂછું છું કે-કૌરવો ને પાંડવો એ બંનેનું કલ્યાણ કેમ થાય? શ્રીકૃષ્ણ,પોતાના બોલેલા વચનમાં કદાપિ ફેરફાર કરે નહિ તેવા છે અને યાચના કરી હોય તો પ્રાણ પણ આપે તેવા છે. માટે હું જે કંઈ બોલ્યો છું તે સંધિકાર્યની સિદ્ધિ માટે જ બોલ્યો છું.કૌરવો ને પાંડવો વચ્ચે ઉત્તમ શાંતિ થાય એ જ ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર રાજાનો મત છે.(15)

 અધ્યાય-25-સમાપ્ત