Oct 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-660

 

અધ્યાય-૨૩-યુધિષ્ઠિરના પ્રશ્નો 


II वैशंपायन उवाच II राज्ञस्तु वचनं श्रुत्वा धृतराष्ट्रस्य संजयः I उप्लव्यं ययौ द्रष्टुं पाण्डवानमितौजसः II १ II

વૈશંપાયને કહ્યું-ધૃતરાષ્ટ્ર રાજાનું કહેવું સાંભળીને,સંજય પાંડવોને મળવા ઉપલવ્ય નામના નગરમાં ગયો,ત્યાં તે યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-મહારાજ ધૃતરાષ્ટ્રે આપ સર્વનું કુશળ પૂછ્યું છે,ને કહ્યું છે કે તેઓ કુશળ છે'

યુધિષ્ઠિર બોલ્યા-હે સંજય,અમે તને જોઈને અને ધૃતરાષ્ટ્રના સમાચાર જાણીને પ્રસન્ન થયા છીએ અને હું સર્વ બંધુઓ ને દ્રૌપદી સાથે કુશળ છું.અમારા દાદા ભીષ્મ કુશળ છે ને ? તેમનો અમારા પ્રત્યે પૂર્વના જેવો જ સ્નેહ છે ને? વળી,દ્રોણાચાર્ય,કૃપાચાર્ય અને અશ્વસ્થામા આદિ કુશળ છે ને? કૌરવ ભાઈઓ કુશળ છે ને?

કર્ણ કે જેની સલાહ પ્રમાણે દુર્યોધન ચાલે છે તે અને શકુનિ કુશળ છે ને?દુર્યોધન,પ્રથમની જેમ જ બ્રાહ્મણોને આજીવિકા આપે છે ને? સર્વે કૌરવો અમારા સંબંધમાં કંઈ ભૂંડું બોલતા નથીને? દ્રોણ  અને કૃપ અમારામાં અમુક પાપ છે-એવું તો કહેતા નથીને? સઘળા કૌરવો ધૃતરાષ્ટ્રને 'તમે પાંડવો સાથે શાંતિ કરો'એમ કહે છે કે?

તે કૌરવો અર્જુન અને અર્જુનના બાણોને સંભારે છે કે? હાથમાં ગદા લઈને સેનામાં ઘુમનારા ભીમને સંભારે છે કે?

ઘોષયાત્રા વખતે શત્રુને તાબે થયેલા તે મુર્ખોને અર્જુન અને ભીમે છોડાવ્યા હતા તેને તેઓ યાદ કરે છે કે?

હે સંજય,મને તો એમ લાગે છે કે-તે દુર્યોધન સામ,દાન,ભેદથી નહિ પણ દંડથી જ વશ થાય તેવો છે (28)

અધ્યાય-૨૩-સમાપ્ત 


અધ્યાય-૨૪-સંજયનાં વચન 


 IIसंजय उवाच  II यथात्थ मे पांडव ततथैव कुरुन्कुरुश्रेष्ठ जनं प्रुच्छसि I 

अनामयास्तार मनस्विस्ते कुरुश्रेष्ठान्प्रुच्छसि पार्थ यांस्त्वं  II १ II

સંજય બોલ્યો-હે ક્રુરુશ્રેષ્ઠ પાંડુપુત્ર,તમે જેમ કહો છો તે તેમ જ છે.તમે કૌરવો અને બીજા શ્રેષ્ઠ પુરુષોના સંબંધમાં કુશળ પૂછ્યું,તે સર્વ મનસ્વીઓ કુશળ છે.દુર્યોધન પાસે પુખ્ત વયના સજ્જનો છે ને પાપીઓ પણ છે.દુર્યોધન પિતાના શત્રુઓને પણ આજીવિકા આપે તેવો છે તો બ્રાહ્મણોને આપેલી આજીવિકાનો લોપ શા માટે કરે?

ધૃતરાષ્ટ્રના પુત્રોએ પૂર્વે તમારો દ્રોહ કર્યો હતો,છતાં તમે તેમના પર અપકાર કર્યો નથી,તો હવે તમે તેમની તરફ તમે 

ક્રૂરતા ધારણ કરો તે સારું નથી,તેઓ જો દ્વેષ કરશે તો તેઓ મિત્રદ્રોહનું પાપ ભોગવશે.


હે અજાતશત્રુ,ખરી રીતે તો વૃદ્ધ ધૃતરાષ્ટ્ર પુત્રોના કાર્યમાં સંમતિ આપતો નથી,બહુ સંતાપ કરે છે.યુદ્ધની વાત નીકળતાં તે તમને,અર્જુનને,ભીમને અને માદ્રીપુત્રોને સંભારે છે.તમે સર્વ ધર્મસંપન્ન છો છતાં તમારે અસહ્ય સંકટો વેઠવાં પડ્યાં છે-એ ઉપરથી હું માનું છું કે-કોઈ પણ મનુષ્યનું ભવિષ્ય જ્યાં સુધી આવ્યું ન હોય ત્યાં સુધી તે કોઈના પણ જાણવામાં આવતું નથી.તમે વારંવાર કષ્ટથી ઘડાયા છો માટે તમે તમારી પોતાની બુદ્ધિથી જ સંધિ કરો.

તમે સર્વ પાંડવો ઇન્દ્રના જેવા પરાક્રમી છો,છતાં ભોગની ઈચ્છાથી ધર્મનો ત્યાગ કરતા નથી.માટે તમે પોતાની બુદ્ધિથી જ સમાધાન કરો.એટલે તે અને સર્વ સુખી થાય.હવે ધૃતરાષ્ટ્રે જે સંદેશો કહ્યો છે તે તમે અમાત્યો અને પુત્રો આદિ સર્વની સાથે એકઠા બેસીને સાંભળો (10)

અધ્યાય-24-સમાપ્ત