અધ્યાય-૨૨-ધૃતરાષ્ટ્રનો સંદેશો
II धृतराष्ट्र उवाच II प्राप्तानाहुः संजय पांडुपुत्रानुपप्ल्व्येतान विजानीहि गत्वा I
अजातशत्रु च सभाजयेथा दिष्ट्यानह्य स्थानमुपस्थितस्तवं II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-'હે સંજય,પાંડવો ઉપલવ્ય નામના સ્થાનમાં આવ્યા છે તેમ લોકો કહે છે,માટે તું ત્યાં જા અને તેઓની તપાસ કરીને 'તમે સજ્જ થઈને સ્થિતિમાં આવ્યા એ બહુ સારું થયું' એમ કહીને તે અજાતશત્રુ યુધિષ્ઠિરનું સન્માન કર.ને તું એ સર્વને અમે ક્ષેમકુશળ છીએ એમ કહેજે,ને તેમનું ક્ષેમકુશળ અમારા વતી પુછજે.
કષ્ટ ભોગવાને અયોગ્ય એવા પાંડવોએ વનવાસનું કષ્ટ ભોગવ્યું છે,તેમ છતાં,અસત્યથી દૂર રહેનારા,સજ્જન એવા તેઓ મારા પર ક્રોધ કરતા નથી પણ શાંતિયુક્ત જ જણાય છે.મેં કોઈ દિવસ પણ તેમનું જરાપણ મિથ્યા વર્તન જોયું નથી.તેઓ પોતાના પરાક્રમથી લક્ષ્મી મેળવતા હતા તો પણ તેઓ તે લક્ષ્મી મને જ અર્પણ કરતા હતા.
હું નિત્ય તેમના દોષ જોવાની ઈચ્છા કરતો,તો પણ તેઓમાં મેં કોઈ પણ દોષ જોયો નથી કે જેને લીધે હું તેઓની નિંદા કરું.અહીં,કૌરવપક્ષમાં પાપી,વિષમ દ્રષ્ટિવાળો ને મંદ બુદ્ધિવાળો દુર્યોધન અને મહાક્ષુદ્ર કર્ણ એ બે સિવાય પાંડવનો દ્વેષ કરનાર બીજો કોઈ જ નથી.તે બંને જ તે પાંડવોને ક્રોધ ઉપજાવે છે.પાંડવો જીવતા હોવા છતાં,તેઓનો ભાગ હરી લેવો શક્ય છે એમ માનનારો દુર્યોધન મૂર્ખ જ છે,એ સમજતો નથી કે યુધિષ્ઠિરની પાછળ ચાલનારામાં શ્રીકૃષ્ણ,સાત્યકિ,અર્જુન,ભીમ ને તેના ભાઈઓ છે,માટે યુધિષ્ઠિરને યુદ્ધ થયા પૂર્વે જ તેનો ભાગ આપી દેવો એ જ ઠીક છે.બંને હાથે બાણ છોડનારો ગાંડીવધારી અર્જુન એકલો જ આખી પૃથ્વીને ઉજ્જડ કરે તેવો છે ને ત્રણે લોકના અધિપતિ શ્રીકૃષ્ણ પણ કોઈથી એ પરાભવ પામે તેવા નથી.આ સર્વ લોકમાં ભોગની તથા મોક્ષની કામનાવાળાઓને જે એકનો જ આશ્રય છે તે શ્રીકૃષ્ણની સામે કયો મનુષ્ય ઊભો રહે તેમ છે?
વળી,આ લોકમાં ભીમ સમાન કોઈ બીજો ગદાધારી નથી,તેના બાહુમાં દશ હજાર હાથીનું બળ છે,તે સદા અસહનશીલ,ને મહાવેગવાળો છે,તેની સામે વેર કરવામાં આવશે તો તે ઝપાટાબંધ મારા ક્ષુદ્ર પુત્રને બાળી નાખશે.માદ્રી પુત્રો સહદેવ અને નકુલ પણ ઓછા પરાક્રમી નથી જ.જો કે આપણી પાસે ભીષ્મ,દ્રોણ વગેરેથી યુક્ત પૂર્ણ સામર્થ્યવાળું સૈન્ય છે પણ તે પાંડવોની સામે ટકી શકશે નહિ,એમ હું માનું છું.
સોમકવંશનો ધૃષ્ટદ્યુમ્ન એકલો જ આપણા સૈન્ય માટે પૂરતો છે.તે પાંડવોને માટે પ્રાણાર્પણ કરવા તૈયાર છે.
યુધિષ્ઠિરનો ભક્ત વૃદ્ધ વિરાટરાજા પણ પોતાના પુત્રો સાથે સજ્જ થયો છે.
કેકયો,પાંડ્ય ને સાત્યકિ આદિ અનેક રાજાઓ પણ તેમની મદદે આવ્યા છે.
શિશુપાલનો વધ કરનાર વૃષ્ણિસિંહ શ્રીકૃષ્ણ જેઓના આગેવાન હોય, તેઓની સામે કોઈ પણ શત્રુ કદાપિ ટક્કર ઝીલી શકે નહિ.મારો મંદ બુદ્ધિવાળો પુત્ર દુર્યોધન,તે શ્રીકૃષ્ણ અને અર્જુન સામે યુદ્ધમાં ન જાય તો જ તેનું ભલું થાય,નહિ તો તે બંને સમસ્ત જગતને બાળી નાખશે તેમાં જરાય શંકા નથી.વળી,ક્રોધથી પ્રદીપ્ત થયેલા ધર્મરાજ યુધિષ્ઠિરથી હું જેવો ડરૂ છું,તેવો ત બીજા કોઈ બાકીનાથી ડરતો નથી,કેમ કે તે મહાતપસ્વી છે,તેનો તો કેવળ માનસિક સંકલ્પ જ સિદ્ધ થાય તેમ છે.
માટે હે સંજય,તું રથમાં બેસીને દ્રુપદરાજની છાવણીમાં જા,ને યુધિષ્ઠિર આગળ પ્રીતિયુક્ત વાતચીત કરજે.
શ્રીકૃષ્ણને કહેજે કે-'ધૃતરાષ્ટ્ર પાંડવોની સાથે શાંતિની જ ઈચ્છા રાખે છે' તું ત્યાં એકઠા મળેલા સર્વને મારા વચનથી કુશળ પુછજે અને સમયોચિત અને હિતકારી જણાય તથા તેઓના ક્રોધમાં વૃદ્ધિ ન થાય,અને યુદ્ધને માટે કારણભૂત ન થાય તેવું તું તે રાજાની વચ્ચે બોલજે.(40)
અધ્યાય-૨૨-સમાપ્ત