અધ્યાય-૨૧-ભીષ્મ અને કર્ણનાં વાક્યો
II वैशंपायन उवाच II तस्य तद्वचनं श्रुत्वा प्रज्ञावृद्धो महाध्युतिः I संपूज्यैनं यथाकालं भीष्मो वचनब्रवित् II १ II
વૈશંપાયને કહ્યું-પુરોહિતનાં તે વચન સાંભળીને જ્ઞાનવૃદ્ધ તથા મહાતેજસ્વી ભીષ્મ તેનું સન્માન કરીને સમયોચિત વચન બોલ્યા-'હે બ્રહ્મન,સઘળા પાંડવો કુશળ છે,શ્રીકૃષ્ણ તેમની સહાય કરે છે ને તેઓ ધર્મમાં તત્પર રહે છે એ બહુ સારું છે.તેઓ કૌરવો સાથે સંધિની ઈચ્છા રાખે છે પણ યુદ્ધની ઈચ્છા રાખતા નથી તે પણ બહુ સારું છે.
તમે સર્વ સત્ય કહ્યું એમાં સંશય નથી.પાંડવોને અહીં અને વનમાં બહુ દુઃખ મળ્યું છે,ને તેઓને ધર્મથી જ ધન પ્રાપ્ત થયું છે તે પણ નિઃસંદેહ છે.અર્જુન બળવાન છે ને યુદ્ધમાં તેને કોણ સહન કરી શકે તેવો છે? સાક્ષાત ઇન્દ્ર પણ તેની સામે યુદ્ધ કરવા સમર્થ નથી તો અન્ય ધનુર્ધારીઓની તો વાત જ શી? એમ મારુ માનવું છે'
આ પ્રમાણે ભીષ્મ બોલી રહ્યા હતા ત્યારે કર્ણે વચમાં જ તેમના વચનને ક્રોધપૂર્વક ને તિરસ્કારપૂર્વક તોડી પાડી ને દુર્યોધન તરફ જોઈને બોલવા માંડ્યું-'હે બ્રહ્મન,આ લોકમાં પાંડવોના સંબંધમાં કંઈ અજાણ્યું નથી તો તેને ફરી કહેવાનો શો અર્થ?પૂર્વે શકુનિએ દુર્યોધનને માટે,યુધિષ્ઠિરને દ્યુતમાં જીતી લીધા અને અને ઠરાવ પ્રમાણે તેઓ વનમાં ગયા.પણ તે ઠરાવનું યથાર્થ પાલન કરીને તેઓ પિતાનું રાજ્ય મેળવવા ઇચ્છતા નથી પણ મૂર્ખની જેમ,વિરાટરાજ અને પંચાલરાજનો આશ્રય કરીને રાજ્ય મેળવવા ઈચ્છે છે.દુર્યોધન તેમના ભયને લીધે રાજ્યનો એક ચતુર્થઅંશ પણ આપશે નહિ,જો કે તે ધર્મપૂર્વક શત્રુને પણ આખી પૃથ્વી આપી દે તેવા છે,માટે જો પાંડવો પોતાના બાપદાદાનું રાજ્ય મેળવવા ઇચ્છતા હોય તો પ્રતિજ્ઞા પ્રમાણેના સમય સુધી વનમાં ભ્રમણ કરે ને પછી ભલે નિર્ભય થઈને દુર્યોધન પાસે નિવાસ કરે પણ કેવળ મૂર્ખતાથી અધર્મ વડે રાજ્ય મેળવવાની બુદ્ધિ યોગ્ય નથી.
આ પ્રમાણે છે છતાં,જો તેઓ ધર્મનો ત્યાગ કરીને યુદ્ધ કરવાની ઈચ્છા જ રાખતા હોય તો તેઓ આ કુરુશ્રેષ્ઠોના
ને મારા ઝપાટામાં આવીને મારાં વચનોને યાદ કરશે.(15)
ભીષ્મ બોલ્યા-'હે રાધાપુત્ર,તારા બકવાદથી શું ફળ છે?એકલા અર્જુને યુદ્ધમાં જયારે છ મહારથીઓને જીત્યા હતા તે વખતના કર્મને તારે સંભારવું જોઈએ,તારું પરાક્રમ તો અર્જુને તને ત્યાં વારંવાર હરાવ્યો ત્યારે જ અમે જોઈ લીધું હતું.માટે આ બ્રાહ્મણ જેમ કહે છે તેમ જ કરીશું નહિ તો અર્જુનના હાથે યુદ્ધમાં આપણે સર્વ હણાઈ જશું'
પછી,ધૃતરાષ્ટ્રે ભીષ્મનાં વચનને માન આપીને,તેમને પ્રસન્ન કરીને અને કર્ણનો તિરસ્કાર કરીને કહ્યું કે-
'પિતામહે જે કહ્યું તેમાં અમારું,પાંડવોનું અને આખા જગતનું હિત છે.આ સંબંધમાં હું વિચાર કરીને સંજયને
પાંડવો પાસે મોકલીશ,માટે હે બ્રહ્મન,તમે આજે જ પાંડવોની પાસે પાછા જાઓ'
આ પ્રમાણે કહ્યા પછી,ધૃતરાષ્ટ્રે તે પુરોહિતનો સત્કાર કરીને પાછો મોકલ્યો ને સંજયને સભામાં બોલાવ્યો(22)
અધ્યાય-૨૧-સમાપ્ત