અધ્યાય-૨૦-કૌરવો આગળ દ્રુપદના પુરોહિતનું ભાષણ
II वैशंपायन उवाच II स च कौरव्यमासाद्य द्रुपदस्य पुरोहितः I सत्कृतो धृतराष्ट्रेण भीष्मेण विदुरेण च II १ II
વૈશંપાયન બોલ્યા-તે દ્રુપદનો પુરોહિત ધૃતરાષ્ટ્ર પાસે ગયો,કે જ્યાં ધૃતરાષ્ટ્રે,ભીષ્મે તથા વિદુરે તેનો સત્કાર કર્યો.
પુરોહિતે પ્રથમ પાંડવોના કુશળ સમાચાર કહીને તેમની વતી તે સર્વના કુશળ પૂછ્યા ને સર્વ નેતાઓની વચ્ચે તેણે કહ્યું કે-'તમે સર્વ પુરાતન રાજધર્મને જાણો છો છતાં આ સંબંધમાં તમારા અભિપ્રાયના વચનો સાંભળવાના હેતુથી હું તમને કંઈક કહું છું.એક પિતાના બે પુત્રો ધૃતરાષ્ટ્ર અને પાંડુનો પિતાના ધન પર સમાન હક છે.એમાં સંશય નથી તો ધૃતરાષ્ટ્રના પુત્રોને પિતૃધન મળ્યું પણ પાંડુના પુત્રોને તે પિતૃધન કેમ મળ્યું નથી?ખરી રીતે તો ધૃતરાષ્ટ્રે પ્રથમથી જ તે ધન દબાવી દીધેલું હોવાથી પાંડવોને તે પિતૃધન મળ્યું નથી,એ તમે સર્વ યથાર્થ રીતે જાણો છો.
વળી,કૌરવોએ,પાંડવોના વિનાશ માટે અનેક ઉપાયોથી પ્રયત્ન કર્યા છતાં,તે ફાવ્યા નહોતા.પાંડવોએ પોતાના બળથી રાજ્યની વૃદ્ધિ કરી પરંતુ શકુનિ સાથે મળીને ધૃતરાષ્ટ્ર પુત્રોએ કપટથી હરી લીધું.અને ધૃતરાષ્ટ્રે પણ સંમતિ આપીને પાંડવોને તેર વર્ષનો વનવાસ કરાવ્યો.પાંડવોની ભાર્યા દ્રૌપદીએ ભરી સભામાં કષ્ટ ભોગવ્યા પછી વનમાં પણ અનેક પ્રકારનાં દારુણ દુઃખો વેઠ્યાં છે.ને વિરાટનગરમાં પણ તેણે પાંડવોની સાથે,જાણે અન્ય યોનિમાં જન્મ લીધો હોય તેમ રહીને અત્યંત કષ્ટ ભોગવ્યું છે.
તો પણ,આ સર્વ દુઃખોને ને કૌરવોના અપરાધોને વિસરી જઈને,પાંડવો,કૌરવોની સાથે સુમેળ કરવાની જ ઈચ્છા રાખે છે.પાંડવો અને દુર્યોધનના વર્તનને સારી રીતે સમજીને સંબંધીજનોએ,દુર્યોધનને સમજાવવો જોઈએ.
વીર પાંડવો કલહ ન થાય અને લોકોનો વિનાશ ન થાય તે માટે પોતાનું પોતાને મળે એમ જ ઈચ્છે છે.
જો દુર્યોધનનો અભિપ્રાય યુદ્ધ કરવાનો હોય તો તે તમારે મન પર લેવો નહિ,કેમ કે પાંડવો પણ બળવાન છે,
તેમની પાસે પણ સાત અક્ષૌહિણી સેના એકઠી થઇ છે ને તેમની પાસે અનેક અક્ષૌહિણી સેનાની બરાબરી કરી શકે તેવા યોદ્ધાઓ છે.એક તરફ તમારી પાસે અગિયાર અક્ષૌહિણી સેના છે તો બીજી તરફ અર્જુન એકલો તેના માટે પૂરતો છે.તેવા જ મહાબાહુ વાસુદેવ પણ છે.અર્જુનનું પરાક્રમ,શ્રીકૃષ્ણનું મુત્સદીપણું એ સર્વ જાણીને કયો પુરુષ યુદ્ધ કરવા તૈયાર થાય? માટે તમે ધર્મને અને તમારા ઠરાવને સંભારીને પાંડવોને જે આપવા યોગ્ય હોય તે આપો અને તમને મળેલી આ તક ગુમાવો નહિ,એવી મારી નમ્ર પ્રાર્થના અને સંદેશો છે (21)
અધ્યાય-૨૦-સમાપ્ત