Oct 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-656

 

અધ્યાય-૧૯-યુધિષ્ઠિર અને દુર્યોધનના પક્ષમાં સૈન્યની જમાવટ 


II वैशंपायन उवाच II युयुधानस्ततो वीरः सात्वतानां महारथः I महता चतुरंगेण बलेनागायुधिष्ठिरं II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,યાદવોનો મહારથી વીર સાત્યકિ,મોટી ચતુરંગિણી સેના લઈને યુધિષ્ઠિરની પાસે આવ્યો.જુદા જુદા દેશમાંથી આવીને ભેગા થયેલા મહાપરાક્રમવાળા તથા અનેક પ્રકારના આયુધોવાળા તેના યોદ્ધાઓ તેની સેનાને શોભાવતા હતા.હે રાજા,સાત્યકિની તે અક્ષૌહિણી સેના,યુધિષ્ઠિરની સેનામાં,જેમ નદી સાગરમાં સામે જાય તેમ સમાઈ ગઈ.સાત્યકિની જેમ જ ચેદીવંશમાં શ્રેષ્ઠ ધૃષ્ટકેતુ,એક અક્ષૌહિણી સેના લઇને આવ્યો.મગધદેશનો રાજા,જરાસંઘનો પુત્ર જયત્સેન પણ એક અક્ષૌહિણી સેના લઈને આવ્યો.

પાંડ્યરાજા પણ સમુદ્રના કિનારાના દેશોમાં રહેતા જુદીજુદી જાતના યોદ્ધાઓથી વીંટાઇને આવ્યો.

દ્રુપદરાજની સેના પણ જુદાજુદા દેશોમાંથી આવેલા શૂરાપુરુષો ને દ્રુપદના મહારથી પુત્રોથી શોભતી હતી.

મત્સ્યદેશનો વિરાટરાજા પણ પર્વતદેશોના રાજાઓને સાથે લઈને પાંડવો પાસે આવ્યો.આ રીતે,પાંડવોની પાસે જુદાજુદા દેશોમાંથી આવેલી સાત અક્ષૌહિણી સેનાએ આવીને એકઠી થઇ,જેથી પાંડવો આનંદ પામ્યા.


તે જ પ્રમાણે,દુર્યોધનના હર્ષમાં વૃદ્ધિ કરવા,ભગદત્તરાજાએ એક અક્ષૌહિણી સેના આપી.ભૂરિશ્રવા અને શલ્યની પણ એક એક અક્ષૌહિણી સેના આવી,હૃદિકનો પુત્ર કૃતવર્મા ભોજ,અંધક અને કુકુરોની એક અક્ષૌહિણી સેના લઈને આવ્યો.તે સિવાય,જયદ્રથ વગેરે સિંધુ અને સૌવીર વાસીઓ પણ અક્ષૌહિણી સેના સાથે ત્યાં આવી પહોંચ્યા.કામ્બોજદેશનો રાજા સુદક્ષિણ,યવનો તથા શકોની સાથે એક અક્ષૌહિણી સેના સાથે આવ્યો.

માહિષ્મતીવાસી નીલરાજા,દક્ષિણદેશના યોદ્ધાઓની સાથે ત્યાં આવ્યો.


અવંતીના બે રાજા વિન્દ અને અનુવિન્દ પણ એક અક્ષૌહિણી સેના સાથે દુર્યોધનની પાસે આવ્યા.

કેકેય દેશના રાજાઓ જે પાંચ સગા ભાઈઓ હતા તે એક અક્ષૌહિણી સેના સાથે આવ્યા.આ સિવાય પણ જુદાજુદા દેશના રાજાઓની બીજી ત્રણ અક્ષૌહિણી સેનાઓ ત્યાં આવી હતી.આ રીતે દુર્યોધનની પાસે 

અગિયાર અક્ષૌહિણી સેના ભેગી થઇ હતી.તે સેના અને તેમના રાજાઓને રહેવા હસ્તિનાપુરમાં જગા પણ રહી ન હતી,માટે તેમનો પડાવ પંચનદ,કુરુજંગાલ-આદિ નજીકના પ્રદેશોમાં ફેલાઈ ગઈ હતો.

દ્રુપદે,કૌરવોની પાસે જે પુરોહિત મોકલ્યો હતો તેણે આ પ્રમાણે એકઠું થયેલું સૈન્ય જોયું.[33]

અધ્યાય-૧૯-સમાપ્ત 

સેનોધોગ પર્વ સમાપ્ત