Oct 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-655

 

અધ્યાય-૧૮-યુધિષ્ઠિરને સાંત્વન આપી શલ્ય દુર્યોધન પાસે ગયો 


II शल्य उवाच II ततः शक्रः स्तुयमानो गन्धर्वाप्सरसां गणैः I ऐरावतं समारुह्य द्विपेन्द्र लक्षणैर्युतम् II १ II

શલ્યે કહ્યું-પછી,ગંધર્વો અને અપ્સરાઓએ જેની સ્તુતિ કરી તેવો તે વૃત્રસંહારક ઇન્દ્ર,સુંદર લક્ષણવાળા ઐરાવત હાથી પર બેસીને,અગ્નિ,બૃહસ્પતિ,યમ,વરુણ,કુબેર,સર્વ દેવતા,ગંધર્વો અને અપ્સરાઓથી વીંટાઇને સ્વર્ગમાં ગયો.

ત્યાં તે ઇન્દ્ર ઈન્દ્રાણીને મળીને આનંદ પામ્યો અને સર્વ લોકનું પાલન કરવા લાગ્યો.

તે પછી,ત્યાં અંગિરામુનિ આવ્યા અને તેમણે,અથર્વવેદના મંત્રોથી દેવેન્દ્રની સ્તુતિ કરી.કે જેથી ઇન્દ્રે પ્રસન્ન થઈને અંગિરામુનિને વર આપ્યો કે-અથર્વવેદમાં તમારું નામ અથર્વાગિરસ તરીકે પ્રસિદ્ધ થશો.એમાં પ્રમાણ તમે જે અથર્વવાક્ય (अथ वेदरूपं यस्य वाक्यं स ऋषि) બોલ્યા તે જ થશે.વળી તમને યજ્ઞમાં ભાગ પણ મળશે.

આમ કહીને ઇન્દ્રે અથર્વાગિરાનો સત્કાર કરીને તેમને વિદાય કર્યા.(9)

એ પ્રમાણે ઇન્દ્રે પોતાની ભાર્યાની સાથે દુઃખ ભોગવ્યું હતું અને શત્રુના વધ માટે ગુપ્તવાસ ધારણ કર્યો હતો.

માટે હે રાજેન્દ્ર,તમે બંધુઓ અને દ્રૌપદી સાથે વનમાં જે કષ્ટ ભોગવ્યું છે તે સંબંધમાં દીનતા ધારણ કરશો નહિ.

જેમ,શત્રુને મારીને ઇન્દ્રે રાજ્ય પાછું મેળવ્યું હતું તેમ તમને પણ રાજ્ય પાછું મળશે જ.તમારા શત્રુઓ થોડા સમયમાં જ નાશ પામશે અને તમે ભાઈઓ સાથે સમુદ્રપર્યંતની પૃથ્વીનો ઉપભોગ કરશો.


હે રાજન,મેં તમને આ વિજયાખ્યાન સંભળાવ્યું તેનાથી તેજ વૃદ્ધિ પામે છે.જે મનુષ્ય નિયમપૂર્વક આ ઇન્દ્રવિજય આખ્યાનનો પાઠ કરે છે તેનાં પાપો ધોવાઈ જાય છે,તે વિજય કરે છે અને આ લોક પરલોકમાં આનંદ ભોગવે છે.તેને કોઈ જાતની આપત્તિ આવતી નથી,લાંબુ આયુષ્ય ભોગવે છે ને સર્વત્ર જય પામે છે ને કદાપિ પરાજય પામતો નથી (20)


વૈશંપાયન બોલ્યા-આમ,શલ્યે યુધિષ્ઠિરને આશ્વાસન આપ્યું,પછી યુધિષ્ઠિરે તેમની પૂજા કરીને ફરી કહ્યું કે-

'તમે કર્ણનું સારથિપણું કરશો જ એમાં મને સંશય નથી,તે વખતે તમારે કર્ણના તેજની હાનિ થાય તે માટે તેની પાસે અર્જુનની પ્રસંશા કરજો જેથી,અર્જુનને તેનો વધ કરવો આસાન થશે'


શલ્ય બોલ્યો-'તમે મને જેમ કહો છો તેમ હું કરીશ જ અને બીજું પણ મારાથી જે થઇ શકાશે તે હું કરીશ'

આ પ્રમાણે તે મદ્રરાજા શલ્ય,પાંડવોની રજા લઈને પછી પોતાના સૈન્ય સાથે દુર્યોધન પાસે ગયો (25)

અધ્યાય-૧૮-સમાપ્ત