Oct 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-654

 

અધ્યાય-૧૭-નહુષ સર્પ થઈને પડ્યો 


II शल्य उवाच II अथ संचित्यानास्य देवराजस्य धीमतः I नहुषस्य वधोपायं लोकपालैः सदैवतैः II १ II

શલ્યે કહ્યું-'પછી,બુદ્ધિમાન ઇન્દ્ર,લોકપાલો અને દેવતાઓની સાથે નહુષના વધનો વિચાર કરતો હતો,એટલામાં ત્યાં અગસ્ત્ય ઋષિ દ્રષ્ટિ ગોચર થયા,તેમણે દેવેન્દ્રનું સન્માન કરીને કહ્યું કે-તમે વૃદ્ધિ પામ્યા તે સારું થયું.આજે જ નહુષ દેવરાજ્યથી ભ્રષ્ટ થયો છે,એ તમારું મહદભાગ્ય છે.હે ઇન્દ્ર,હવે હું તમને શત્રુ રહિત થયેલા જોઉં છું'

ઇન્દ્રે તેમનું પૂજન કરીને પૂછ્યું કે-તે નહુષ સ્વર્ગમાંથી કેવી રીતે ભ્રષ્ટ થયો?તે હું સાંભળવા ઈચ્છું છું'

અગસ્ત્ય બોલ્યા-'હે ઇન્દ્ર,દેવર્ષિઓ ને મહર્ષિઓ,પાપકર્મ કરનાર તે નહુષની પાલખી ઉપાડતાં બહુ થાકી ગયા હતા,ત્યારે તેમણે નહુષને પ્રશ્ન પૂછ્યો કે-'હે વાસવ,ગાયોના પ્રોક્ષણ,ઉપાકરણ,મારણ આદિ સંસ્કારોના સંબંધમાં જે મંત્રો વેદમાં કહેલા છે,તે તને માન્ય છે કે નહિ?' ત્યારે અજ્ઞાન વડે મૂઢ બુદ્ધિ તેણેકહ્યું કે-'તે મને માન્ય નથી'                                      

ઋષિઓ બોલ્યા-તું અધર્મમાં પ્રવૃત્ત થઈને ધર્મને માન આપતો નથી'


આમ,મુનિઓની સાથે વિવાદ કરતા તે દુરાત્મા નહુષે પગ વડે મારા મસ્તકનો સ્પર્શ કર્યો,ત્યારે તેનું તેજ અને ઐશ્વર્ય હરાઈ ગયું.ત્યારે મેં તેને શાપ આપતાં કહ્યું કે-'હે મૂર્ખ રાજા,જેઓ સામે ઉભા રહેવું પણ કઠિન છે તેવા બ્રહ્મતુલ્ય ઋષિઓનું વાહન કરીને તું તેમની પાસે પાલખી ઊંચકાવે છે ને તેં મારા માથે પગ મૂકીને પાપી કર્મ કર્યું છે,તેથી તું કાંતિરહિત થઈને,પુણ્યથી ક્ષીણ થઈને પૃથ્વી પર અજગર થઈને પડ.ત્યાં દશ હજાર વર્ષ ફરીને પછી તું પાછો સ્વર્ગમાં આવીશ' આમ તે નાશ પામ્યો છે એટલે હે ઇન્દ્ર,હવે તમે સ્વર્ગમાં પાછા આવી રાજ્ય કરો.


પછી,સર્વ,દેવો,પિતૃઓ,યક્ષો,ગંધર્વો-આદિ સર્વ સ્વર્ગના વાસીઓ આવીને ઇન્દ્રને કહેવું લાગ્યા કે-'હે ઇન્દ્ર,તમે હવે મહાભાગ્યથી વૃદ્ધિ પામો,અગસ્ત્યે પાપી નહુષને સ્વર્ગથી ભ્રષ્ટ કર્યો છે અને તે અજગર થયો તે સારું થયું (22)

અધ્યાય-૧૭-સમાપ્ત