Oct 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-653

 

અધ્યાય-૧૬-ઇન્દ્ર તથા વરુણ આદિનો સંવાદ 


II बृहस्पति उवाच II त्वामग्ने सर्व देवानां मुखं त्वमसि हव्यवाट् I त्वमंतः सर्वभूतानां गूढश्चरसि साक्षिवत II १ II

બૃહસ્પતિ બોલ્યા-'હે અગ્નિ,તમે સર્વ દેવોનું મુખ છો,તમે હવ્યને વહન કરો છો અને સર્વ પ્રાણીમાં સાક્ષીની જેમ ગૂઢ રીતે ફરો છો,કેટલાએક વિદ્વાનો તમને જઠરાગ્નિ રૂપે એક કહે છે તો કેટલાએક ગાર્હપત્ય,દક્ષિણાગ્નિ તથા આહવનીય રૂપે-એમ ત્રણ પ્રકારે કહે છે.તમે જો આ જગતનો ત્યાગ કરો તો તે તુરત જ નાશ પામી જાય.

તમે આ ત્રણ લોકોને ઉત્પન્ન કરીને સંહારકાળ આવતાં પ્રદીપ્ત થઈને પુનઃ સંહાર કરો છો.

બુદ્ધિમાન મનુષ્યો તમને મેઘ તથા વિજળી કહે છે અને તમારામાંથી જ્વાળાઓ નીકળીને તે સર્વ પ્રાણીઓને ઉપાડી જાય છે.હે પાવક,સર્વ જળ તમારામાં જ રહેલું છે અને આ સર્વ જગત પણ તમારામાં જ રહેલું છે,માટે ત્રણ લોકમાં તમારાથી કશું અજાણ્યું નથી.સૌ કોઈ પોતપોતાના ઉત્પત્તિ સ્થાનનો આશ્રય કરે છે,માટે તમે નિઃશંકપણાથી જળમાં પ્રવેશ કરો.હું સનાતન વૈદિક મંત્રોથી તમારી વૃદ્ધિ કરીશ'

ત્યારે પ્રસન્ન થયેલા અગ્નિએ કહ્યું-'હવે,હું સત્ય કહું છું કે હું તમને ઇન્દ્ર ખોળી  આપીશ'


શલ્યે કહ્યું-પછી,તે અગ્નિ નાના જળાશયોથી આરંભીને સમુદ્ર પર્યંતના સર્વ જળમાં પેસીને જ્યાં ઇન્દ્ર ભરાઈ બેઠો હતો તે સરોવરમાં ગયો,ત્યારે તેણે કમળના દાંડાના તંતુમાં,અણુ જેવડા શરીરવાળા ઇન્દ્રને ભરાઈ બેઠેલો જોયો.

એટલે ત્યાંથી તરત પાછા જઈને તેણે બૃહસ્પતિને ઇન્દ્રના સ્થાનની માહિતી આપી.એટલે બૃહસ્પતિ,દેવો ને ગંધર્વો સાથે તે ઇન્દ્રના સ્થાનમાં જઈને તેનાં પુરાતન કર્મો ગાઈને તેની સ્તુતિ કરીને કહ્યું કે-'હે મહેન્દ્ર,તું શરણાગત સર્વ પ્રાણીઓનો રક્ષક છે,સ્તુત્ય છે,માટે હવે બળવાન થઈને સર્વ લોકોનું રક્ષણ કર'


આ પ્રમાણે સ્તુતિ થતાં તે ઇન્દ્ર ધીરે ધીરે વૃદ્ધિ પામીને પોતાનું સ્વરૂપ ધારણ કરીને બલસમ્પન્ન થયો ને બૃહસ્પતિને કહેવા લાગ્યો કે-'હે ગુરુ,મેં ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને અને વૃત્રને માર્યો છે,હવે કયું કાર્ય કરવાનું છે?

બૃહસ્પતિ બોલ્યા-'મનુષ્યોનો રાજા નહુષ દેવોનો રાજા થયો છે તે અમને સર્વને અત્યંત પીડા આપે છે.

ત્રણ લોકનું રાજ્ય મેળવીને તે અત્યંત અભિમાની થયેલો દુરાત્મા હવે મહર્ષિઓ પાસે પાલખી ઉપાડવી સર્વ લોકમાં ફરે છે.તેની દ્રષ્ટિમાં બીજાનું તેજ હરણ કરે તેવું મહાભયંકર વિષ રહેલું છે,સઘળા દેવો પણ કાયર થઈને તેની સામે જોયા વિના ગુપ્ત રૂપથી ફર્યા કરે છે.તે નહુષ તારી પત્નીની કામના પણ કરે છે,માટે તેનું રક્ષણ કરો.


બૃહસ્પતિ આમ કહેતા હતા ત્યારે,કુબેર,યમ,સોમ વરુણ -એ સર્વ ત્યાં આવી પહોંચ્યા ને કહેવા લાગ્યા કે-

'અમે પણ તે નહુષની વિષ દ્રષ્ટિથી ભય પામ્યા છીએ,તું જો નહુષનો પરાજય કરે તો અમને યજ્ઞનો હવિર્ભાગ પ્રાપ્ત થાય' ત્યારે ઇન્દ્રે કહ્યું કે-'આજે જ હું વરુણ,યમ અને કુબેરનો પોતપોતાના અધિકાર પર અભિષેક કરું છું તે તમે સ્વીકારો પછી,આપણે દેવોની સાથે મળીને તે નહુષનો પરાજય કરીએ' ત્યારે અગ્નિએ પણ યજ્ઞમાં ભાગ માગ્યો,એટલે ઇન્દ્રે તેને કહ્યું કે-'મહાયજ્ઞમાં ઇન્દ્ર અને અગ્નિની આહુતિનો એકભાગ તમને મળશે'

આ રીતે,તે ઇન્દ્રે,કુબેરને સર્વ યક્ષોનું ને ધનનું,,યમને પિતૃઓનું ને વરુણને જળનું આધિપત્ય આપ્યું [34]

અધ્યાય-૧૬-સમાપ્ત