અધ્યાય-૧૫-નહુષને પાડવાની યુક્તિ
II शल्य उवाच II एवमुक्तः स भगवान शच्या तां पुनरब्रवीत I विक्रमस्य न कालोऽयं नहुषो बलवत्तरः II १ II
શલ્યે કહ્યું-'એ પ્રમાણે ઈન્દ્રાણીએ કહ્યું ત્યારે ભગવાન ઇન્દ્રે તેને ફરીથી કહ્યું કે-'આ પરાક્રમ કરવાનો અત્યારે સમય નથી કેમ કે નહુષ મહાબળવાન થયો છે.ઋષિઓએ તેને હવ્યકવ્ય આપીને બહુ બળવાન બનાવી દીધો છે.પણ હું એક યુક્તિની યોજના કરું છું તે પ્રમાણે તારે કરવું અને આ વાત ગુપ્ત રાખીને તારે કોઈનેય કહેવી નહિ.તારે એકાંતમાં નહુષની પાસે જઈને કહેવું કે-હે નહુષ,તમે દિવ્ય પાલખીમાં બેસી તે ઋષિઓની પાસે ઉપડાવીને મારી પાસે આવો તો હું પ્રસન્ન થઈને તમારે વશ થઈને રહીશ-આવું તું તેને જઈને કહે'
ત્યારે ઈન્દ્રાણીએ 'ભલે' એમ કહીને તે નહુષની પાસે જઈને કહેવા લાગી કે-હે દેવાધીશ ,તમે આપેલા અવધિ પછી તમે જ મારા પતિ થશો,ને હું તમને વશ થઈને રહીશ.તે ઇન્દ્રની પાસે ઘોડા,રથો આદિ અનેક વાહનો હતા,
પરંતુ હવે જે વાહન ઇન્દ્ર,વિષ્ણુ,રુદ્ર,અસુરો આદિની પાસે ન હોય તેવું અપૂર્વ વાહન તમારી પાસે હોય એવી હું ઈચ્છા રાખું છું.હે રાજન,મહાભાગ્યશાળી ઋષિઓ એકઠા મળીને તમારી પાલખી ઉપાડીને આવે તે મને રુચે છે.
તમે દેવો-આદિની સમાન કોટિમાં રહેવા યોગ્ય નથી,તમારી આગળ ઉભો રહેવા કોઈ વીર્યવાન સમર્થ નથી'
નહુષ બોલ્યો-'હે દેવી મને એ વાહન ગમ્યું,હું તારે અધીન છું.હું અવશ્ય તારા કહેવા પ્રમાણે કરીશ'
આ પ્રમાણે કહીને તેણે ઈન્દ્રાણીને વિદાય કરી અને બ્રાહ્મણોનો અનાદર કરનારો,બળસંપન્ન,મદથી
છકી ગયેલો તે દુષ્ટ અંતઃકરણવાળો નહુષ,ઋષિઓને ખભે પોતાની પાલખી ઉપડાવવા લાગ્યો.
ઈન્દ્રાણી,બૃહસ્પતિ પાસે જઈને.તેમને ઇન્દ્રની શોધ કરવા વિનંતી કરવા લાગી,એટલે બૃહસ્પતિએ અગ્નિને પ્રદીપ્ત કરીને તેમાં હોમ કરીને અગ્નિને કહ્યું કે-'તમે ઇન્દ્રની શોધ કરો' કે જે સાંભળીને અગ્નિ દિશાઓ.પૃથ્વી,અંતરિક્ષ એ સર્વમાં ઇન્દ્રની શોધ કરીને એક નિમેષ જેટલા સમયમાં બૃહસ્પતિ પાસે પાછા આવીને બોલ્યા કે-
'હે બૃહસ્પતિ,મેં સર્વત્ર શોધ કરી પણ ઇન્દ્રનો પત્તો લાગ્યો નહિ,હવે તપાસ કરવામાં માત્ર જળ બાકી છે,પણ હું તે જળમાં પ્રવેશવા સમર્થ થતો નથી કેમ કે જળમાં મારી ગતિ નથી.માટે કહો હું બીજું શું કામ કરું?'
બૃહસ્પતિ બોલ્યા-'હે મહાકાંતિવાળા અગ્નિ તમે જળમાં પણ પ્રવેશ કરીને ઇન્દ્રને ખોળી લાવો'
અગ્નિ બોલ્યો-હું જળમાં પ્રવેશવા સમર્થ નથી કેમ કે તેમ કરવાથી મારો ક્ષય થઇ જાય છે.પાણીમાંથી અગ્નિ ઉત્પન્ન થયો છે,બ્રાહ્મણમાંથી ક્ષત્રિય ઉત્પન્ન થયો છે અને પાષાણમાંથી લોઢું ઉત્પન્ન થયું છે.તે અગ્નિ,ક્ષત્રિય અને લોઢાનું તેજ સર્વત્ર ચાલે છે પણ પોતાના ઉત્પત્તિ સ્થાન આગળ તે શાંત પડી જાય છે,માટે તમે મારુ રક્ષણ કરો [34]
અધ્યાય-૧૫-સમાપ્ત