Oct 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-651

 

અધ્યાય-૧૪-ઈન્દ્રાણીને ઇંદ્રનાં દર્શન 


II शल्य उवाच II अथैना रूपिणी साध्वींमुपातिष्ठदुपश्रुतिः I तां वयो रूपसंपन्नां द्रष्ट्वा देवीमुपस्थिताम् II १ II

શલ્યે કહ્યું-પછી,ઉપશ્રુતિ દેવી મૂર્તિમંત થઈને સાધ્વી ઈન્દ્રાણી પાસે આવીને ઉભી.તેને જોઈને ઈન્દ્રાણી મનમાં 

બહુ પ્રસન્ન થઈને બોલી-'હે સુંદરમુખી,તને જાણવાની હું ઈચ્છા રાખું છું,માટે બોલ તું કોણ છે?'

ઉપશ્રુતિ બોલી-'હે દેવી,હું ઉપશ્રુતિ છું,તારા સત્યને લીધે હું તારી પાસે આવી છું,હું તને ઇંદ્રનાં દર્શન કરાવીશ,

તું મારી પાછળ ચાલ એટલે તને તે દેવેન્દ્રનાં દર્શન થશે' આમ કહી તે આગળ ચાલી ને તેની પાછળ ઈન્દ્રાણી ચાલી.

પછી,તે હિમાલયને ઓળંગીને તેના ઉત્તરભાગ પર આવી.ત્યાંથી બહુ યોજનવાળા વિસ્તારવાળા સમુદ્રમાં જઈને એક મહાદ્વીપમાં પેઠી.ત્યાં સો યોજન પહોળું ને લાંબું એક સરોવર તેની દ્રષ્ટિએ પડ્યું,કે જેમાં હજારો પાંચરંગવાળા દિવ્ય કમળો ખીલી રહ્યાં હતાં તેના પર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા.તે સરોવરની મધ્યમાં એક મોટી સુંદર કમલિની હતી તેનો દાંડો ભેદીને ઉપશ્રુતિની સાથે ઈન્દ્રાણી તેમાં દાખલ થઇ ત્યારે તેણે દાંડાના એક તાંતણામાં ઇન્દ્રને સૂક્ષ્મરુપ ધારણ કરીને બેઠેલો જોયો.


પછી,તે બંનેએ સૂક્ષ્મરુપ ધારણ કરીને ઇન્દ્રની સ્તુતિ કરવા લાગી,ત્યારે ઇન્દ્રે કહ્યું કે-'તું શા માટે અહીં આવી?અને હું અહીં છું તે તમે કેવી રીતે જાણ્યું?' ઈન્દ્રાણી બોલી-'હે ઇન્દ્ર,તે નહુષ ઇન્દ્રપણું પામીને ગર્વથી ફૂલી ગયો છે ને તેણે મને પત્ની બનાવવાની ઈચ્છા કરી ત્યારે મેં તેની પાસે અવધિ માગી,એતે તેણે મને થોડા સમયનો અવધિ આપ્યો  છે,એટલા સમયમાં તમે જો મારુ રક્ષણ નહિ કરો તો તે મને પોતાના તાબામાં લેશે.એથી હું તમારી પાસે દોડતી આવી છું,તમે એ નહુષનો નાશ કરો,તમારા ખરા રૂપને પ્રગટ કરો ને મારું તથા દેવોનું પણ રક્ષણ કરો [18]

અધ્યાય-૧૪-સમાપ્ત