Oct 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-650

 

અધ્યાય-૧૩-ઇન્દ્ર જડ્યો ને ફરી સંતાયો 


II शल्य उवाच II अथ तामब्रवीद्रष्ट्वा नहुषो देवराट् तदा I त्रयाणामपि लोकानामहमिद्रः शुचिस्मिते II १ II

શલ્યે કહ્યું-તે વખતે ઈન્દ્રાણીને જોઈને દેવોનો રાજા નહુષ કહેવા લાગ્યો કે-'હે શુદ્ધ હાસ્યવાળી શચી,હું ત્રણે લોકનો ઇન્દ્ર છું,માટે તું મને પતિ તરીકે સ્વીકાર' ત્યારે ઈન્દ્રાણી ભયથી ઉદ્વેગ પામીને બોલી-'હે સુરેશ્વર,હું તમારી પાસેથી થોડા સમયનો અવધિ માંગવા ઈચ્છું છું.ઇન્દ્રના સંબંધમાં પાકી શોધ કર્યા પછી તે જો તે કોઈ પણ રીતે જડશે નહિ તો હું તમારી પાસે આવીશ,હું આ તમને સત્ય કહું છું' ત્યારે નહુષે કહ્યું કે*'ભલે તેમ થાઓ'

પછી,દેવો વિષ્ણુની પાસે ગયા ને તેમને કહ્યું કે-'તમારા પ્રભાવથી ઇન્દ્રે વૃત્રને માર્યો છે 

અને હવે બ્રહ્મહત્યાથી ઘેરાઈને પીડાય છે માટે તેના છુટકાનો કોઈ ઉપાય દેખાડો'

વિષ્ણુ બોલ્યા-જો ઇન્દ્ર,અશ્વમેઘ યજ્ઞથી મારુ યજન કરશે તો હું તેને પવિત્ર કરીશ અને તે પાછો ઇન્દ્રપદ પામશે.દુર્મતિ નહુષ પોતાના કર્મો વડે નાશ પામશે.માટે થોડો સમય સાવધાન થઈને આ દુઃખ સહન કરો'


વિષ્ણુના વચન સાંભળી,દેવો ને ઋષિઓ ઇન્દ્ર જ્યાં ભરાઈ બેઠો હતો ત્યાં ગયા,ને મહેન્દ્રને પાવન કરવા અશ્વમેઘ યજ્ઞ કર્યો.તે બ્રહ્મહત્યાના દોષના વિભાગો કરીને તેને વૃક્ષમાં,નદીઓમાં,પર્વતમાં,પૃથ્વીમાં તથા ભૂતોમાં વહેંચી આપીને તે ઇન્દ્ર પાપ ને તાપથી રહિત થઈને પવિત્ર થયો પરંતુ તે તેજવાન નહુષને પોતાની ગાદી પર બેઠેલો જોઈને કંપી ઉઠ્યો અને ત્યાંથી પાછો નાસી ગયો,ને સમયની વાટ જોતો અદ્રશ્ય થઈને જ્યાંત્યાં ફરવા લાગ્યો.


ત્યારે ઈન્દ્રાણી અત્યંત દુઃખી થઈ,પછી તેણે પવિત્ર થઈને રાત્રિદેવીની ઉપાસના કરી અને પોતે પતિવ્રતા હોવાથી સત્યવડે ઉપશ્રુતિ(સંદેહ નિવારણ કરનારી) દેવીને આહવાન કરીને કહ્યું કે-'જ્યાં ઇન્દ્ર હોય તે સ્થાન તું મને દેખાડ,

મારા સત્ય વડે તે સ્થાન મને દ્રષ્ટિગોચર  થાઓ.(27)

અધ્યાય-૧૩-સમાપ્ત