અધ્યાય-૧૨-કામમોહિત નહુષ પાસે ઈન્દ્રાણી
II शल्य उवाच II क्रुद्धं तु नहुष द्रष्ट्वा देव ऋषिपुरोगमाः I अब्रुवन्देवराजा नहुषं घोरदर्शनम् II १ II
શલ્યે કહ્યું-નહુષને કોપેલો જોઈને દેવો તેને કહેવા લાગ્યા કે-'હે પ્રભો,તમારા કોપવાથી આ જગત ત્રાસ પામે છે,તમે આ કોપનો ત્યાગ કરો.દેવી ઈન્દ્રાણી પારકાની પત્ની છે માટે તમે કૃપા કરો અને પરસ્ત્રીસેવનરૂપી પાપથી તમારા મનને પાછું વાળો.તમારું કલ્યાણ થાઓ,તમે દેવતાઓના રાજા છો માટે ધર્મથી પ્રજાપાલન કરો.'
આમ કહેવા છતાં,નહુષે તેમનું વચન સ્વીકાર્યું નહિ પણ ઉલટો તે દેવોને કહેવા લાગ્યો કે-'પૂર્વે ઋષિપત્ની અહલ્યા કે જેનો પતિ જીવતો હતો તેમ છતાં ઇન્દ્રે તેનો બળથી ઉપભોગ કર્યો હતો,ત્યારે તમે તેનું નિવારણ કેમ કર્યું નહોતું? વળી,ઇન્દ્રે ધર્મવિરુદ્ધ,છળકપટ ભર્યા અનેક ક્રૂર કર્મો કર્યા હતાં ત્યારે તમે તેને કેમ વાર્યો નહિ? માટે ઈન્દ્રાણી મારી સેવામાં હાજર થાય તેમાં જ તેનું પરમહિત છે,ને તેમ કરવાથી જ તમારું પણ સર્વદા કલ્યાણ થશે.[8]
પછી,ઋષિઓસહિત દેવો ઈન્દ્રાણી અને બૃહસ્પતિ પાસે ગયા.અને બોલ્યા કે-હે બ્રાહ્મણશ્રેષ્ઠ,અમે જાણીએ છીએ કે તમે તેને અભયદાન આપ્યું છે,પણ અમે સર્વ વિનંતી કરીએ છીએ કે તમે ઈન્દ્રાણી નહુષને આપો.નહુષ ઇન્દ્ર કરતાં પણ શ્રેષ્ઠ છે માટે તે સુંદરી નહુષને પતિ તરીકે સ્વીકારે તેમ કરો'
ત્યારે ઈન્દ્રાણી શચી પોક મૂકીને રડવા લાગી અને દીન થઈને બૃહસ્પતિને કહેવા લાગી કે-
'હું નહુષને પતિ કરવા ઇચ્છતી નથી,માટે આ મહાભયથી તમે મારુ રક્ષણ કરો'
બૃહસ્પતિ બોલ્યા-હે ઈન્દ્રાણી,શરણે આવેલાનો ત્યાગ ન કરવો એવો મારો નિશ્ચય છે.તું ધર્મજ્ઞ અને સત્યશીલ છે માટે હું તારો ત્યાગ કરીશ નહિ.હે દેવો ને ઋષિઓ,હું ધર્મની આજ્ઞા જાણનારો ને બ્રાહ્મણ છું માટે હું આ ઇન્દ્રની પ્રિય પટરાણી,ઈન્દ્રાણી શચીને આપીશ નહિ.તમે અમારા બંનેનું હિત થાય તેમ કરો'
ત્યારે દેવોએ કહ્યું કે-'આ વાત સારી રીતે કેમ પાર પડે તે વિષે તમે જ અમને કહો'
બૃહસ્પતિ બોલ્યા-'ઈન્દ્રાણી એ નહુષની પાસે થોડા સમયનો અવધિ માગી લે તો સર્વનું હિત થશે.કારણકે પ્રસંગનો અવધિ બાંધતાં તેમાં અનેક વિઘ્નો આવી પડે છે એટકે કાળ જ તે પ્રસંગને દૂર થશે.એ નહુષ વરદાનના લીધે બળવાન ને ગર્વિષ્ઠ થયો છે માટે તેનો વિનાશ સત્વરે અને નક્કી જ થશે'
પછી,સર્વેએ ભેગા મળીને ઈન્દ્રાણીને નહુષ પાસે જઈને થોડા સમયની અવધિ માગવા કહ્યું એટલે ઈન્દ્રાણી
કાર્યસિદ્ધિનો નિશ્ચય કરીને લજ્જિત થઈને નહુષ પાસે ગઈ.કે જેને જોઈ નહુષ પ્રસન્ન થયો.[32]
અધ્યાય-૧૨-સમાપ્ત