અધ્યાય-૧૧-નહુષને ઇન્દ્ર કર્યો
II शल्य उवाच II ऋषयोथाब्रुवनसर्वे देवाश्व त्रिदशेश्वरा: I अयं वै नहुषः श्रीमान देवराज्ये भिपिच्यताम् II १ II
શલ્યે કહ્યું-પછી,સ્વર્ગાધિપતિ સર્વ દેવો તથા ઋષિઓ બોલ્યા કે -શ્રીમાન નહુષ રાજાનો આ દેવરાજય ઉપર અભિષેક કરો.એ તેજસ્વી અને ધાર્મિક છે' આમ કહી તેઓ નહુષ પાસે જઈને તેમની ઈચ્છા પ્રગટ કરી ત્યારે નહુષે કહ્યું કે-હું દુર્બળ છું,આપનું રક્ષણ કરવાની મારામાં શક્તિ નથી બળવાન હોય તે જ ઇન્દ્ર થઇ શકે છે'
દેવો અને ઋષિઓએ કહ્યું કે-'તમે અમારાં તપોબળથી યુક્ત થઈને સ્વર્ગના રાજ્યનું રક્ષણ કરો'
આમ કહીને તેઓએ સ્વર્ગમાં નહુષ રાજનો ઇન્દ્ર તરીકે અભિષેક કર્યો.જોકે નહુષ ધર્માત્મા હતો પણ સ્વર્ગનું રાજ્ય પામીને તે કામાત્મા થઇ ગયો.ને નંદનવનો અને પર્વતો પાર અપ્સરાઓ અને દેવકન્યાઓંથી વીંટાઇને અનેક પ્રકારની ક્રીડાઓ કરવા લાગ્યો.એક વખત તેની નજર ઇન્દ્રની પ્રિય પટરાણી દેવી ઈન્દ્રાણી પર પડી.તે જોઈને તે કહેવા લાગ્યો કે-હું દેવોનો ઇન્દ્ર છું છતાં આ ઈન્દ્રાણી મારી પાસે કેમ આવતી નથી?આજે તેણે તત્કાળ મારે મહેલે આવવું' આ સાંભળીને ઈન્દ્રાણી મનમાં ખિન્ન થઇ ને બૃહસ્પતિ પાસે જઈને તેમને કહેવા લાગી કે-'આ નહુષથી મારુ રક્ષણ કરો.હું તમારે શરણે આવી છું,પૂર્વે તમે મને પતિવ્રતા કહેતા હતા તો તમારી વાણીને સત્ય કરો.
એ સાંભળી બૃહસ્પતિએ ભયથી મૂઢ થયેલી ઈન્દ્રાણીને કહ્યું કે-'હે દેવી,મેં તને જે કહ્યું છે તે સત્ય જ થવાનું છે.તું દેવરાજ ઇન્દ્રને થોડા સમયમાં જ અહીં આવેલો જોઇશ,તારે નહુષથી ડરવું નહિ'
ઈન્દ્રાણી (શચી)અંગિરાના પુત્ર બૃહસ્પતિને શરણે ગઈ છે-એ સાંભળી નહુષરાજા અત્યંત કોપી ઉઠ્યો (26)
અધ્યાય-૧૧-સમાપ્ત