Oct 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-647

 

અધ્યાય-૧૦-વૃત્રનો વધ 


II इन्द्र उवाच II सर्व व्याप्तमिदं देवा वृत्रेण जगदव्यः I न ह्यस्य सदशं किंचित्प्रतिघाताय यद्भवेत् II १ II

ઇન્દ્ર બોલ્યો-હે દેવો,વૃત્રાસુરે આ શાશ્વત આખું જગત ઘેરી લીધું છે અને એનો નાશ કરે તેવું કંઈ જ નથી.

પહેલાં હું સમર્થ હતો પણ હમણાં હું અસમર્થ થઇ ગયો છું.હવે મારે તમારું કલ્યાણ કેવી રીતે કરવું?

મને તો તે ન જીતી શકાય તેવો જ લાગે છે.માટે આપણે સહુ સાથે મળીને વિષ્ણુના સ્થાનમાં જઈને 

તેમની સાથે વિચાર કરીને વૃત્રના વધનો ઉપાય જાણીએ.

શલ્ય બોલ્યો-ત્યારે દેવો અને ઋષિગણો વિષ્ણુદેવને શરણે જઈને કહેવા લાગ્યા કે-'હે વિષ્ણુ,પૂર્વે તમે ત્રણ પગલાંથી ત્રણ લોકને દબાવી દીધા હતા,દૈત્યો પાસેથી અમૃત લઈને દેવોને આપ્યું હતું,ને મહાદૈત્ય બલિને બાંધીને ઇન્દ્રને દેવોનો રાજા કર્યો હતો.હે દેવ,આ સર્વ જગત વૃત્રથી ભરાઈ ગયું છે માટે તમે અમને આશ્રય આપો'


વિષ્ણુ બોલ્યા-'તમે સર્વ ઋષિઓ તે વૃત્ર પાસે જાઓ અને તેને સામથી શાંત કરીને ઇન્દ્ર સાથે સંધિ કરાવો.

મારા તેજ વડે ઇન્દ્રનો જય થશે,હું અદશ્ય સ્વરૂપે તેના ઉત્તમ આયુધ વજ્રમાં પ્રવેશ કરીશ'

ત્યારે સર્વ ઋષિઓ વૃત્ર પાસે ગયા અને વૃત્રને સંધિ માટે વિનવણી કરી.ત્યારે વૃત્ર બોલ્યો-'હું જે કહું તેમ તમે જો કરતા હો તો પછી,તમે જેમ કહ્યું તેમ હું કરીશ.હે ઋષિઓ,દેવો સહિત ઇન્દ્ર,મારો શુષ્ક વસ્તુથી,ભીની વસ્તુથી,પાષાણથી,કાષ્ટથી,શસ્ત્રથી,અસ્ત્રથી,દિવસે અથવા રાતે વધ કરે નહિ-આ ઠરાવથી સંધિ થશે'

એ સાંભળીને ઋષિઓ બોલ્યા-'ભલે એમ જ થશે'


આ પ્રમાણે સંધિ થવાથી સર્વ આનંદ પામ્યા,છતાં ઇન્દ્ર સાવધ રહીને વૃત્રના વધ સંબંધી ઉપાયોનું ચિંતન કરવા લાગ્યો.એવામાં એક દિવસે તેણે તે વૃત્રને એક સમુદ્રકિનારે જોયો.તે સમયે સંધ્યાકાળ હતો એટલે ઇન્દ્રે વિચાર્યું કે-'આ ભયંકર સંધ્યા સમય છે અત્યારે રાત્રિ કે દિવસ નથી તો મારે તેનો અવશ્ય વધ કરવો જોઈએ.

આવો વિચાર કરીને ઇન્દ્રે વિષ્ણુનું સ્મરણ કર્યું,ત્યારે તને સમુદ્રમાં પર્વતના જેવડો મોટો ફીણનો ઢગ જોયો.

ઇન્દ્રે વિચાર્યું કે-'આ ફીણ,શુષ્ક નથી,તેમ જ ભીનું નથી,તે શસ્ત્ર પણ નથી માટે જ વિષ્ણુની શક્તિ તેમાં પ્રવેશે તો વૃત્રનો વધ થશે' આમ વિચારી તેણે ફરીથી વિષ્ણુનું સ્મરણ કર્યું એટલે વિષ્ણુએ તે ફીણમાં પ્રવેશ કર્યો,ને ઇન્દ્રે તે ફીણ ઉપાડીને વજ્ર સાથે તેના પર ફેંક્યું એતે તે વૃત્રનો તરત જ નાશ થયો.


વૃત્રનો નાશ થતાં જ સર્વ હર્ષમાં આવી ગયા ને ઇન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા.શત્રુને મારીને ઇન્દ્ર મનમાં પ્રસન્ન થયો અને તેણે દેવતાઓની સાથે ત્રિભુવનશ્રેષ્ઠ વિષ્ણુની પૂજા કરી.પણ એ વૃત્રને માર્યા પછી ઇન્દ્ર અત્યંત ખિન્ન થયો કેમ કે ત્રિશિરાને મારવાથી તે બ્રહ્મહત્યાના પાપ વડે પીડાતો હતો ને આ વૃત્રને તેણે ઠગાઈને માર્યો હતો.

પાપથી પરાભવ પામેલો તે ઇન્દ્ર બેશુદ્ધ થઈને ગાંડા જેવો થઈને પાણીમાં ગુપ્ત થઈને રહેવા લાગ્યો.

આમ,બ્રહ્મહત્યાના ભયથી પીડાઈને તે નાસી ગયો ત્યારે ભૂમિ નાશ પામી હોય તેવી થઇ ગઈ,વૃક્ષો નાશ પામ્યાં,વનો સુકાઈ ગયાં ને નદીના પ્રવાહો અટકી ગયા.અનાવૃષ્ટિને લીધે પ્રાણીઓ ખળભળી ઉઠ્યાં ને દેવો તથા મહર્ષિઓ ત્રાસી ગયા.ને વિચાર કરવા લાગ્યા કે-'હવે આપણો રાજા કોણ થશે?' (50)

અધ્યાય-૧૦-સમાપ્ત