Oct 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-646

 

અધ્યાય-૯-વિશ્વરૂપનો વધ 


II युधिष्ठिर उवाच II कथमिंद्रेण राजेन्द्र सभार्येण महात्मना I दुःखं प्राप्तं परं घोरमेतदिच्छामि वेदितुम II १ II

યુધિષ્ઠિરે પૂછ્યું-હે રાજેન્દ્ર,મહાત્મા ઇન્દ્રને તથા તેની ભાર્યાને કેવી રીતે 

મહાભયંકર દુઃખ પ્રાપ્ત થયું હતું? તે જાણવાની હું ઈચ્છા રાખું છું.

શલ્ય બોલ્યો-આ સંબંધમાં એક પુરાતન ઇતિહાસ તમે સાંભળો.પૂર્વે દેવોમાં શ્રેષ્ઠ એવા મહાતપસ્વી ત્વષ્ટા નામના પ્રજાપતિ હતા.તેમણે ઇન્દ્ર પ્રતિ દ્રોહથી વિશ્વરૂપ નામનો ત્રણ માથાંવાળો પુત્ર ઉત્પન્ન કર્યો હતો.કે જે વિશ્વરૂપ ઇન્દ્રપદની ઈચ્છા કરતો હતો.તેનાં સૂર્ય,ચંદ્ર અને અગ્નિના જેવાં ત્રણ મુખો હતાં.એક મુખથી તે વેદ ભણતો હતો,બીજા મુખથી તે મદિરાપાન કરતો હતો અને ત્રીજા મુખથી તે સર્વ દિશાઓને પી જતો હોય તેમ જોતો હતો.

તે ત્રિશિરા મહાતપસ્વી હતો,તેનું તપ જોઈને ઇન્દ્રને ખેદ થયો કે 'આ ઇન્દ્ર ન થાય તો ઠીક'

ઇન્દ્રે તેને લોભાવવા ને તપમાં વિઘ્ન કરાવવા અપ્સરાને મોકલી.પણ તે તપસ્વીના તપમાં ભંગ કરી શકી નહિ,

એટલે ઇન્દ્રે તેના વધનો વિચાર કરીને તેના પર વજ્ર ફેંક્યું,કે જેથી તે વિશ્વરૂપ વજ્રથી હણાઈ પૃથ્વી પર પડ્યો.

પ્રદીપ્ત તેજવાળો તે વિશ્વરૂપ હણાયેલો હતો છતાં જીવતા જેવો દેખાતો હતો.તેનાં ત્રણ અદ્ભૂત મસ્તકો જીવતાં હોય તેવાં દેખાતાં હતાં.તે જે વનમાં મરેલો પડ્યો હતો ત્યાં એક સુતાર કુહાડો લઈને આવ્યો,ત્યારે તેને જોઈને ઇન્દ્રે તેને,તે ત્રિશિરા વિશ્વરૂપનાં ત્રણ માથાં કાપી નાખવા કહ્યું.તે સુતારે થોડી આનાકાની કર્યા પછી ઇન્દ્રની આજ્ઞાથી ને તેના અનુગ્રહની ઈચ્છાથી તે ત્રિશિરાના ત્રણ માથાઓ કાપ્યા,ત્યારે તેમાંથી કપિંજલ,તિત્તીર અને કલવિંક નામનાં પક્ષીઓ નીકળ્યાં.આમ,મસ્તકો કપાયા પછી,ઇન્દ્ર સંતાપરહિત થયો ને આનંદ પામી સ્વર્ગમાં ગયો.


પરંતુ,પ્રજાપતિ ત્વષ્ટા,પોતાના પુત્રને ઇન્દ્ર દ્વારા હણાયેલો જાણીને ક્રોધથી કહેવા લાગ્યો કે-ઇન્દ્રે,તપસ્વી એવા મારા પુત્રને વિના અપરાધે મારી નાખ્યો છે,માટે હું તે ઇન્દ્રના વિનાશ માટે વૃત્રને ઉત્પન્ન કરું છું'

આમ કહીને તેમણે અગ્નિમાં હોમ કરીને ઘોર વૃત્રને ઉત્પન્ન કરી તેને કહ્યું કે-'મારા તપના પ્રભાવથી તું વૃદ્ધિ પામ'

ત્યારે આમ કહેતાં જ તે સ્વર્ગને પણ ઢાંકી દે એટલો વધી ગયો ને બોલ્યો-'હું શું કરું?'

ત્વષ્ટાએ કહ્યું કે-'તું ઇન્દ્રનો નાશ કર' એટલે તે વૃત્ર સ્વર્ગમાં ગયો અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરીને તેને પકડી લઈને 

મોઢું પહોળું કરીને ઇન્દ્રને મોમાં નાખી દીધો.એટલે દેવોએ ગભરાઈ જઈને વૃત્રનો નાશ કરનારું બગાસું ઉત્પન્ન કર્યું,

તેથી વૃત્રને બગાસું આવ્યું ને તેનું મુખ પહોળું થયું એટલે ઇન્દ્ર પોતાના અંગોનો સંકોચ કરીને બહાર નીકળી ગયો.

ત્યારથી આરંભીને બગાસાંએ લોકોના પ્રાણનો આશ્રય કર્યો છે...54)


ફરીથી તે બંને વચ્ચે ઘણા સમય સુધી યુદ્ધ થયું.ત્વષ્ટાના તેજબળથી ગ્રસ્ત થયેલો ઇન્દ્ર યુદ્ધમાં પાછો પડ્યો.

ત્યારે દેવો ખેદ પામ્યા અને મુનિઓની સાથે વિચાર કરવા લાગ્યા કે 'હવે શું કરવું?'

પછી,મંદરના શિખર પર બેસી,મન વડે તેઓ વિષ્ણુનું ધ્યાન કરવા લાગ્યા...59)

અધ્યાય-૯-સમાપ્ત