Oct 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-645

 

અધ્યાય-૮-દુર્યોધને શલ્યને પોતાના પક્ષમાં લીધો 


II वैशंपायन उवाच II शल्यः श्रुत्वा तु दूतानां सैन्येन महता वृतः I अभ्ययात्पांडवान राजन सः पुत्रैर्महारथैः II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજા,દૂતોનો સંદેશો સાંભળીને શલ્ય રાજા પોતાના મહારથી પુત્રોની સાથે મોટા સૈન્યથી વીંટળાઈને પાંડવોની પાસે આવવા નીકળ્યો.મહાપરાક્રમી અને અક્ષૌહિણી સેનાનો સ્વામી મદ્રરાજ શલ્ય રાજા એટલી મોટી સેના રાખતો હતો કે તેની સેનાનો પડાવ છ ગાઉ સુધી પડતો હતો.સેનાને વિશ્રાંતિ આપતો આપતો તે ધીરેધીરે યુધિષ્ઠિર રાજા હતા ત્યાં જવા લાગ્યો.(આ મદ્રરાજ શલ્યરાજા નકુલ-સહદેવનો મામો હતો)

હવે દુર્યોધને જયારે સાંભળ્યું કે શલ્ય સમીપમાં આવ્યો છે એટલે તે ઝડપથી સામે જઈને તેના સત્કારની તૈયારી કરવા લાગ્યો.તેના સત્કાર માટે તેણે રત્નોથી ભરપૂર સભાઓ તૈયાર કરો અને જાતજાતની ક્રીડાઓની વ્યવસ્થા કરી,અને જયારે શલ્ય રાજા આવી પહોંચ્યો ત્યારે તેના પ્રધાનો તેનો દેવની જેમ સત્કાર કરવા લાગ્યા.

દુર્યોધનની બનાવેલી સભાઓમાં,મનુષ્યોને ન મળે તેવા દેવોના જેવા સુખકારક વૈભાવોનો ઉપભોગ કરવાથી રાજા પોતે પોતાને સર્વ કરતાં શ્રેષ્ઠ માનવા લાગ્યો.ને ઇન્દ્રને પણ તુચ્છ ગણવા લાગ્યો.પછી તે રાજાએ આનંદ પામીને સેવકોને પૂછ્યું કે-'યુધિષ્ઠિરના કયા પુરુષોએ આ સભાઓ તૈયાર કરી છે?તેમને મારી પાસે લાવો કેમ કે તેઓ બક્ષીસને યોગ્ય છે એમ મારુ માનવું છે.હું પ્રસન્ન થઈને તેઓને બક્ષીસ આપીશ'


જયારે 'બહુ પ્રસન્ન થયેલો શલ્યરાજા પોતાનું જીવિત પણ આપવા તૈયાર થયો છે' એવું દુર્યોધને પોતાના સેવક દ્વારા સાંભળ્યું ત્યારે તે છુપી રીતે મામા શલ્યને મળ્યો.મદ્રરાજ શલ્ય દુર્યોધનને જોઈને તેને ભેટીને કહ્યું કે 'ઇષ્ટ માગી લે'

દુર્યોધન બોલ્યો-'હે કલ્યાણમૂર્તિ,તમે સત્યવાદી થાઓ ને મને વર આપો.મારી સેનાના સેનાપતિ થાઓ'

શલ્ય બોલ્યો-'હું તારો સેનાપતિ થઈશ,હવે તું પાછો જા.હવે હું યુધિષ્ઠિરને મળવા જઈશ ને તેમને મળીને હું 

તત્કાળ પાછો આવીશ કેમકે મારે તેમને અવશ્ય મળવું જોઈએ.હું તેમને મદદ કરવા માટે નીકળ્યો હતો 


પછી,શલ્ય ઉપલવ્ય પ્રદેશમાં જઈને પાંડવોની છાવણીમાં ગયો.પાંડવોએ તેમનું સ્વાગત કર્યું.શલ્યે પોતાના સગા ભાણેજ નકુલ સહદેવને અને બાકીના પાંડવોને આલિંગન કર્યું.ને પાંડવોના વનવાસની સુખ દુઃખની વાતો કરીને તેમણે દુર્યોધન સાથે થયેલો તેમનો સમાગમ અને તેણે કરેલી સેવા ને પોતે આપેલા વરની વાત કહી.


ત્યારે યુધિષ્ઠિર બોલ્યા-'હે વીરરાજા,તમે તેને સહાયનું વચન આપ્યું,તો તમે મારુ એક કામ કરો એમ હું ઈચ્છું છું..જો કે જે તમારા જેવાએ કરવા જેવું નથી,તો પણ અમારા પર કૃપા કરીને તમારે તે કરવું જોઈએ એમ હું ઈચ્છું છું.તમે આ લોકમાં યુદ્ધ કરવામાં વાસુદેવ જેવા છો,તેથી જયારે કર્ણ અને અર્જુનનું યુદ્ધ થાય ત્યારે તમારે અવશ્ય કર્ણનું સારથિપણું કરવું,ને અર્જુનનું રક્ષણ કરવા અને અમારો જય થાય તે માટે કર્ણનો ઉત્સાહ ભાગી પાડવો.

હે મામા,જો કે આ કાર્ય તમારે કરવા યોગ્ય નથી,પણ અમારા માટે તમારે તે કરવું જોઈએ.


શલ્ય બોલ્યો-'હે યુધિષ્ઠિર,હું સંગ્રામમાં અવશ્ય કર્ણનો સારથિ થઈશ,કારણકે કર્ણ મને નિત્ય વાસુદેવના જેવો જ માને છે.ને તે જયારે યુદ્ધે ચડશે ત્યારે હું તેને અવળાં અને તમને હિતકારી થઇ શકશે તે  વચનો અવશ્ય કહીશ.તેમ કરવાથી તેનો ગર્વ હરાઈ જશે અને તેનું તેજ ક્ષીણ થશે,એટલે તેને સુખેથી મારી શકાશે,આ સિવાય પણ મારાથી તમારું જે પ્રિય થઇ શકશે તે હું અવશ્ય કરીશ,દ્યુતમાં તમને દુઃખ પ્રાપ્ત થયું છે ને કર્ણે કઠોર વચન કહ્યાં છે,તે સર્વ દુઃખો,પરિણામે તમને સુખ આપનારાં થશે,માટે તે સંબંધમાં તમારે દીનતા ધારણ કરવી નહિ.

દેવોને પણ દુઃખો પ્રાપ્ત થાય છે,સંભળાય છે કે ઇન્દ્રે પણ પત્નીની સાથે મોટું દુઃખ ભોગવ્યું હતું..(54)

અધ્યાય-૮-સમાપ્ત