Oct 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-644

 

અધ્યાય-૭-દુર્યોધન અને અર્જુન શ્રીકૃષ્ણ પાસે ગયા 


II वैशंपायन उवाच II पुरोहितं ते प्रस्थाप्य नगरं नागसाहवयम् I दुतानप्र्स्थापयामासु: पार्थिवेभ्यस्ततस्तत II १ II

વૈશંપાયન બોલ્યા-એ પ્રમાણે દૂતને હસ્તિનાપુર મોકલ્યા પછી,પાંડવોએ ઠામઠામના રાજાઓની પાસે દૂતો મોકલ્યા.પછી,શ્રીકૃષ્ણને બોલાવવા અર્જુન પોતે જ દ્વારકા ગયો.તે જ દિવસે દુર્યોધન પણ દ્વારકા ગયો હતો.

બંનેએ એક જ વખતે દ્વારકામાં શ્રીકૃષ્ણના મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે શ્રીકૃષ્ણ સૂતા હતા.પ્રથમ દુર્યોધને પ્રવેશ કર્યો અને શ્રીકૃષ્ણના ઓસીકા તરફના મુખ્ય આસન પર બેઠો.અર્જુને પાછળથી પ્રવેશ કર્યો અને બે હાથ જોડીને નમ્ર  બનીને શ્રીકૃષ્ણના પગ આગળ ઉભો રહ્યો.

પછી,જયારે શ્રીકૃષ્ણ જાગ્રત થયા ત્યારે તેમણે પોતાના પગ આગળ ઉભા રહેલા અર્જુનને જોયો ને પછી દુર્યોધનને જોઈને તેમણે તે બંનેનો સત્કાર કર્યો અને બંનેને આવવાનું કારણ પૂછ્યું.ત્યારે દુર્યોધને કહ્યું કે-'ભાવિ સંગ્રામમાં તમે મને સહાય આપવા યોગ્ય છો.તમારે અર્જુનની સાથે ને મારી સાથે સમાન મિત્રતા છે,ને સંબંધ પણ સરખો છે.પણ હું આજે તમારી પાસે અર્જુન પહેલાં આવ્યો છું.પૂર્વરીતિને અનુસરનારા સજ્જનો પ્રથમ આવનારાનો પક્ષ ગ્રહણ કરે છે,હે જનાર્દન,તમે આ લોકમાં સજ્જનોમાં શ્રેષ્ઠ ગણાઓ છો માટે તમે સજ્જનોના આ સદાચારનું પાલન કરો 


શ્રીકૃષ્ણ બોલ્યા-હે દુર્યોધન તમે પ્રથમ આવ્યા છો એમાં મને સંશય નથી પણ અર્જુનને મેં પ્રથમ જોયો છે,તેથી હું બંનેને સહાય કરીશ.પરંતુ 'બાળકોની ઈચ્છા પ્રથમ પૂર્ણ કરવી' એવી શ્રુતિ છે એટલે તમારાથી નાના અર્જુનની ઈચ્છા પ્રથમ પૂર્ણ કરવી યોગ્ય છે.મારી પાસે મારી નારાયણી સેનામાં દશ કરોડ સૈનિકો એક તરફ અને બીજી તરફ શસ્ત્રો ન ઉઠાવનારો અને સંગ્રામમાં યુદ્ધ નહિ કરનારો એવો હું રહીશ,હે અર્જુન,આ બેમાંથી તને જે વધારે ગમતું હોય તે પ્રથમ તું માગી લે કેમ કે ધર્મ પ્રમાણે મારે તારી ઈચ્છા પ્રથમ પૂર્ણ કરવી જોઈએ (29)


વૈશંપાયન બોલ્યા-ત્યારે અર્જુને સંગ્રામમાં યુદ્ધ નહિ કરનારા શ્રીકૃષ્ણને માગી લીધા,કે જે શ્રીકૃષ્ણ,સર્વ ક્ષત્રિયોમાં જ નહિ પણ અગ્રગણ્ય,અજન્મા છતાં પોતાની ઈચ્છાથી જ મનુષ્યમાં જન્મેલા સાક્ષાત નારાયણ જ હતા.

દુર્યોધન પણ નારાયણી સેનાને મેળવીને આનંદ પામ્યો અને પછી બલરામને મળવા ગયો ત્યારે 

બળદેવ બોલ્યા-'હે દુર્યોધન,પૂર્વે વિરાટરાજને ત્યાંના વિવાહપ્રસંગમાં હું જે બોલ્યો હતો તે તેં જાણ્યું જ હશે.

મેં ત્યાં તારે માટે કૃષ્ણને આગ્રહપૂર્વક કહ્યું હતું કે આપણો સંબંધ બંનેનીસાથે સમાન છે,માટે કોઈનો પક્ષ લેવો યોગ્ય નથી,પરંતુ મારા વચનને શ્રીકૃષ્ણે સ્વીકાર્યું નહિ પણ શ્રીકૃષ્ણ વિના હું એક પળ પણ રહી શકું તેમ નથી,

એટલે મેં એવો નિશ્ચય કર્યો છે કે-મારે કોઈ પણ પક્ષને સહાય કરવી નહિ.માટે તું ક્ષત્રિયધર્મને અનુસરીને યુદ્ધ કર.


ત્યાર બાદ,દુર્યોધન કૃતવર્મા પાસે ગયો કે જેણે તેને એક અક્ષૌહિણી સેના આપી.

આમ બે મોટી સેનાને મેળવીને તે અતિ પ્રસન્ન થયો અને હસ્તિનાપુર પાછો ગયો.

દુર્યોધનના ગયા પછી શ્રીકૃષ્ણે અર્જુનને પૂછ્યું કે-'હું યુદ્ધ કરવાનો નથી છતાં તેં શો વિચાર કરીને મારી માગણી કરી?' ત્યારે અર્જુન બળ્યો-'હે પુરુષશ્રેષ્ઠ,તમે એકલા તે સર્વને મારવા સમર્થ છો અને હું એકલો પણ તેઓને હણવા સમર્થ છું.પરંતુ આ જગતમાં તમે કીર્તિમાન છો માટે યશ તમને પ્રાપ્ત થશે અને હું યશની ગરજવાળો છું એટલે મેં તમને માગી લીધા છે.તમે મારા સારથિ થાઓ એવો મારા મનમાં સંકલ્પ થયા કરે છે,મારી કામના પૂર્ણ કરો'

શ્રીકૃષ્ણ બોલ્યા-હે પાર્થ,તું મારી સાથે સ્પર્ધા કરે છે તે યોગ્ય જ છે હું તારી સારથિપણું કરીશ,તારો મનોરથ પૂર્ણ થાઓ' આ સાંભળીને અર્જુન બહુ આનંદ પામ્યો અને શ્રીકૃષ્ણની સાથે પાછો યુધિષ્ઠિર પાસે આવ્યો (39)

અધ્યાય-૭-સમાપ્ત