Oct 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-643

 

અધ્યાય-૬-દ્રુપદે પુરોહિતને હસ્તિનાપુર મોકલ્યો 


II द्रुपद उवाच II भूतानां प्राणिनः श्रेष्ठाः प्राणिनां बुद्धिजीवनः I बुद्धिमत्सु नराः श्रेष्ठा नरेश्वपि द्विजातयः II १ II

દ્રુપદે પુરોહિતને કહ્યું-ચરાચર ભૂતોમાં પ્રાણીઓ શ્રેષ્ઠ છે,પ્રાણીઓમાં બુદ્ધિવાળાં શ્રેષ્ઠ છે,બુદ્ધિમાનોમાં મનુષ્યો શ્રેષ્ઠ છે,મનુષ્યોમાં દ્વિજો શ્રેષ્ઠ છે,દ્વિજોમાં વિદ્વાનો શ્રેષ્ઠ છે,વિદ્વાનોમાં સિદ્ધાંતવેત્તાઓ શ્રેષ્ઠ છે,સિદ્ધાંતવેત્તાઓમાં તે પ્રમાણે આચરણ કરનારા શ્રેષ્ઠ છે અને આચરણ કરનારાઓમાં બ્રહ્મવાદીઓ શ્રેષ્ઠ છે.હું માનું છું કે તમે સિદ્ધાંતવેત્તાઓમાં મુખ્ય છો.કુળ,વય અને શાસ્ત્રથી યુક્ત છો,બુદ્ધિમાં શુક્રાચાર્ય અને બૃહસ્પતિના જેવા છો.

વળી,તે દુર્યોધન અને પાંડવો કેવી રીતે વર્તે છે તે સર્વ તમે જાણો છો.ધૃતરાષ્ટ્રના જાણતાં કૌરવોએ પાંડવોને છેતર્યા હતા અને વિદુરના સમજાવવા છતાં ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રને જ અનુસરે છે.શકુનિએ,યુધિષ્ઠિરને બુદ્ધિપૂર્વક દ્યુત રમવા બોલાવીને કપટથી તેમને હરાવ્યા હતા,ને એ પ્રમાણે હરાવ્યા પછી,તે કૌરવો કોઈ પણ અવસ્થામાં રાજ્ય પાછું આપવાના નથી,પરંતુ તમે ત્યાં જઈને ધર્મયુક્ત વચન કહીશ એતે તેના યોદ્ધાઓનાં મનને અવશ્ય ફેરવી શકશો,વિદુર તમારા વચનને પુષ્ટિ આપશે ને ભીષ્મ,દ્રોણ ને કૃપમાં ભેદ પડશે.ને એ રીતે ભેદ પડવાથી અને યોધ્ધાઓના વિમુખ થવાથી તેઓને એકત્ર કરવાનું કામ કૌરવોને કરવું પડશે.આ અવકાશ મળવાથી પાંડવો સુખથી સેનાને એકઠી કરશે અને દ્રવ્યનો સંગ્રહ પણ કરશે,તમે વિલંબ કરાવતા ત્યાં રહેશો એટલે તે કૌરવો ઝડપથી સેનાની જમાવટ કરી શકશે નહિ.આપને ત્યાં મોકલવાનું મુખ્ય પ્રયોજન આ છે (13)


તમે ધર્મનિષ્ઠ છો એટલે કૌરવપક્ષના વડીલો આગળ પાંડવોને પડેલા કષ્ટોનું વર્ણન કરશો અને તેમના પૂર્વજોએ આચરેલા કુળધર્મનું વર્ણન કરશો એટલે તેઓનાં મન ફરી જશે તે વિષે મને સંદેહ નથી.તમને તેઓના તરફથી જરા પણ ભય નથી કારણકે તમે વેદવેત્તા બ્રાહ્મણ છો,દૂતકાર્યમાં જોડાયા છો ને વૃદ્ધ છો.હવે તમે વિજયમુહૂર્તમાં યુધિષ્ઠિરની કાર્યસિદ્ધિ માટે કૌરવો પ્રતિ તત્કાળ પ્રયાણ કરો.


આ પ્રમાણે દ્રુપદરાજાએ કહ્યું,એટલે સદાચારસંપન્ન અને નીતિશાસ્ત્રનાં રહસ્યને જાણનારો તે વિદ્વાન પુરોહિત શિષ્યોથી વીંટળાઈને પાંડવોનું હિત કરવા માટે હસ્તિનાપુર કૌરવો પાસે ગયો (19)

અધ્યાય-૬-સમાપ્ત