અધ્યાય-૫-શ્રીકૃષ્ણ સલાહ આપીને દ્વારકા ગયા
II वासुदेव उवाच II उपपन्नमिदं वाक्यं सोमकानां धुरन्धरे I अर्थसिध्धि करं राज्ञः पांडवस्यामितौजसः II १ II
શ્રીકૃષ્ણ બોલ્યા-સોમકવંશના ધુરંધર દ્રુપદરાજાએ જે ભાષણ કર્યું તે યોગ્ય છે એ ભાષણ અમાપ બળવાળા યુધિષ્ઠિર રાજાના અર્થને સિદ્ધ કરનારું છે ને આપણે પ્રથમ એ પ્રમાણે જ કરવું જોઈએ કારણકે એથી ઉલટી રીતે કાર્ય કરનારો પુરુષ મહામૂર્ખ જ ગણાય.વળી,આપણને કૌરવો અને પાંડવો સાથે સરખા સંબંધ છે,માટે કૌરવો અને પાંડવો પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે તે જ ઠીક છે અર્થાંત તેમાં આપણે વચ્ચે પડવાની જરૂર નથી.
સમાન સંબંધવાળા અમને સર્વેને અને તમને પાંડવોએ અહીં વિવાહ નિમિત્તે બોલાવ્યા છે એટલે આ વિવાહ પૂરો થતાં,આપણે આનંદથી પોતપોતાને ઘેર જઈશું,હે દ્રુપદરાજ,તમે અહીં આવેલા રાજાઓમાં વય અને જ્ઞાન વડે મહાવૃદ્ધ છો,વળી,ધૃતરાષ્ટ્ર તમને બહુ માન આપે છે ને દ્રોણ અને કૃપના તમે મિત્ર છો,માટે આજે તમે પાંડવોની અર્થસિદ્ધિ થાય તેવો સંદેશો મોકલો,એવો જ અમારો નિશ્ચય છે.દુર્યોધન જો ન્યાયબુદ્ધિથી સલાહ લેશે તો કૌરવો અને પાંડવો વચ્ચે સારો ભ્રાતૃભાવ રહેવાથી કોઈ મહાન ક્ષય થશે નહિ,પરંતુ તે જો અભિમાની થઈને મૂર્ખતાથી સલાહ ન લે તો તમે પ્રથમ બીજા રાજાઓને દૂતો મોકલ્યા પછી અમને બોલાવજો,એટલે એ મંદભાગી દુર્યોધન પોતાના અમાત્યો ને બંધુઓની સાથે નાશ પામશે એ નક્કી જ છે (10)
વૈશંપાયન બોલ્યા-તે પછી,વિરાટરાજથી સત્કાર પામીને શ્રીકૃષ્ણ,બંધુઓ સાથે દ્વારકા ગયા પછી પાંડવો અને વિરાટરાજાએ યુદ્ધની તૈયારી કરવા સર્વ રાજાઓને દૂતો મોકલ્યા એટલે તે મહાબળવાન રાજાઓ ત્યાં આવવા લાગ્યા..પાંડવોનું મોટું સૈન્ય એકઠું થયું છે તે વાત સાંભળીને દુર્યોધને પણ રાજાઓને બોલાવીને એકઠા કરવા માંડ્યા.આમ,તે સમયે પાંડવો અને કૌરવોને માટે પ્રયાણ કરતા રાજાઓથી આખી પૃથ્વી વ્યાપ્ત થઇ ગઈ.
તે પછી,યુધિષ્ઠિરના મત પ્રમાણે ચાલનારા દ્રુપદરાજાએ બુદ્ધિ અને વયમાં વૃદ્ધ એવા પોતાના પુરોહિતને
કૌરવો પાસે સંદેશો લઇ જવાને માટે તૈયારી કરવા માંડી.(18)
અધ્યાય-૫-સમાપ્ત