અધ્યાય-૪-દ્રુપદનું ભાષણ
II द्रुपद उवाच II एवमेतन्महाबाहो भविष्यति न संशयः I न हि दुर्योधनो राज्यं मधुरेण प्रदास्यति II १ II
દ્રુપદ બોલ્યા-હે મહાબાહુ સાત્યકિ,તું કહે છે એ બાબત એમ જ થશે,એમાં સંશય નથી,કારણકે દુર્યોધન કંઈ મીઠાશથી રાજ્ય આપશે નહિ.ધૃતરાષ્ટ્ર પણ પુત્રપ્રીતિથી દુર્યોધનને જ અનુસરશે,ભીષ્મ અને દ્રોણ ઓશિયાળા હોવાથી તેને અનુસરશે અને કર્ણ તથા શકુનિ મૂર્ખતાથી તેને અનુસરશે.મને બળદેવનાં વાક્ય ડાહ્યા પુરુષના સમાજમાં યોગ્ય લાગતા નથી પરંતુ ન્યાય ઇચ્છનારે પ્રથમ તે પ્રમાણે કરવું જોઈએ.જો કે દુર્યોધનને કોઈ રીતે કોમળ વચનો કહેવાં યોગ્ય નથી કેમ કે તે કોમળતાથી વળે તેવો નથી,એવું મારુ માનવું છે.
જે પુરુષ પાપી ચિત્તવાળા દુર્યોધન આગળ મૃદુ વચન બોલે તે ગધેડા પ્રત્યે કોમળતાથી ને ગાયો પ્રત્યે કઠોરતાથી વર્તે છે તેમ જ માનવું.પાપી મનુષ્ય મૃદુ બોલનારને અશક્ત માને છે અને કોમળતા જોતાંજ તે પોતાનો અર્થ સિદ્ધ થયેલો માને છે.માટે હવે અહીં,સૈન્ય આદિ મેળવવા માટે યત્ન કરો,આપણે આપણા મિત્રોની પાસે મદદ માટે દૂતો મોકલીએ,એટલે તેઓ આપણને સૈન્યોની મદદ કરે.દુર્યોધન પણ સર્વ રાજાઓની પાસે અવશ્ય દૂતો મોકલશે અને સજ્જનોની એવી રીત છે કે તેઓ પ્રથમ માગણી કરનારા સાથે બંધાય છે ને તેને સહાય કરે છે.માટે તમે રાજાઓને પ્રથમ પ્રેરણા કરવાની ત્વરા કરો,કેમ કે આપણે મહાન કાર્યનો ભાર વહન કરવાનો છે.એમ મારુ માનવું છે.
સહુ પ્રથમ શલ્ય અને તેને અનુસરનારા જે રાજાઓ હોય તેઓની પાસે તત્કાળ દૂતો મોકલો
અને પછી ચારે દિશામાં રહેલા જુદાજુદા રાજાઓ પાસે પણ દૂતો મોકલો.એવું મને રુચે છે.
ને આ મારા પુરોહિત વિદ્વાન બ્રાહ્મણ છે એને સંદેશો આપીને ધૃતરાષ્ટ્ર પાસે મોકલો
અને દુર્યોધન,ભીષ્મ,દ્રોણ આદિને જે સંદેશો કહેવો હોય તે તેને કહો.(26)
અધ્યાય-૪-સમાપ્ત