અધ્યાય-૩-સાત્યકિનું ભાષણ
II सात्यकिरुवाच II यादशः पुरुस्यात्मा तादशं संप्रभाषते I यथारूपेन्ततात्मा ते तथारूपे प्रभाषसे II १ II
સાત્યકિ બોલ્યો-પુરુષનું જેવું અંતઃકરણ હોય છે તેવું જ તે બોલે છે,માટે હે બલરામ,તમારું પણ જેવું અંતઃકરણ છે તેવું જ તમે બોલો છો.પુરુષોમાં બે પક્ષ કાયમ જોવામાં આવે છે,કેટલાક શૂરા તો કેટલાક કાયર હોય છે,હું તમારા વચનને દોષ દેતો નથી પણ જેઓ તમારા વચનને સાંભળે છે તેઓને દોષ દઉં છું.કારણકે ધર્મરાજાના અલ્પદોષને પણ બોલનારો પુરુષ સભાની વચ્ચે બોલવા જ કેમ પામે? પાક્કા જુગારીઓએ દ્યુતની રમતમાં અજાણ એવા યુધિષ્ઠિરને પોતાને ત્યાં દ્યુત રમવા બોલાવીને કપટથી જીતી લીધા તેમાં તેઓનો ધર્મપૂર્વક જય કેમ કહેવાય?
યુધિષ્ઠિર પોતાની પ્રતિજ્ઞા પુરી કરીને વનવાસથી મુક્ત થયા છે અને પોતાના બાપદાદાની રાજ્યગાદી મેળવવા યોગ્ય થયા છે,ત્યારે એ હવે દુર્યોધનને શા માટે પ્રણામ કરે? જો યુધિષ્ઠિર અન્યાયથી ધન મેળવવાની ઈચ્છા કરતા હોય તો પણ પોતાના શત્રુઓની પાસે યાચના કરવાને યોગ્ય ગણાય જ નહિ.પાંડવોએ ગુપ્તવાસનો સમય પૂર્ણ કર્યો છે છતાં કૌરવો કહે છે કે-'પાંડવો સમય પૂરો થતાં પહેલાં જ ઓળખાયા છે' તો આવું કહેનારા કૌરવોને ધર્મનિષ્ઠ કેમ કહેવાય? ભીષ્મ પિતામહ અને વિદુરના સમજાવ્યા છતાં તેઓ રાજ્ય સંપત્તિ પાછી આપવા તૈયાર નથી તો હવે હું તેમને યુદ્ધમાં,તીક્ષ્ણ બાણો વડે સમજાવીશ અને તેને યુધિષ્ઠિરના ચરણોમાં પાડીશ.
યુદ્ધમાં અર્જુન,કૃષ્ણ,ભીમસેન,હું,નકુલ,સહદેવ અને દ્રુપદના વેગને સહેનારો કયો પુરુષ છે?વળી,ધૃષ્ટદ્યુમ્ન,અભિમન્યુ,પ્રદ્યુમ્ન,સાંબ વગેરેના વેગને સહન કરનારો પણ કોણ છે? માટે અમે સર્વે યુદ્ધમાં દુર્યોધન,શકુનિ અને કર્ણને મારીને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરીશું.મારવા યોગ્ય શત્રુઓને મારવાથી કોઈ અધર્મ થતો નથી પણ શત્રુઓની આગળ ભીખ માગવી એ અધર્મરૂપ અને અકીર્તિકર છે,માટે આપણે સાવધાન થઈને યુધિષ્ઠિરના મનમાં જે અભિલાષા હોય તે પાર પાડો.એટલે ધૃતરાષ્ટ્રે પોતે જ આપેલું રાજ્ય યુધિષ્ઠિરને પ્રાપ્ત થાય.
એટલે હવે કાં તો રાજ્ય મળે કે યુદ્ધમાં હણાઇને ભલે તે કૌરવો પૃથ્વી પર શયન કરે.--22)
અધ્યાય-૩-સમાપ્ત