Oct 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-639

અધ્યાય-૨-બળરામનું ભાષણ 


II बलदेव उवाच II श्रुतं भवद्विर्गदपूर्वजस्य वाक्यं यथा धर्मवदर्थवश्व I 

अजातशस्त्रोस्च हितं हितं च दुर्योधनस्यायि तथैव राज्ञः II १ II

બળદેવ બોલ્યા-તમે શ્રીકૃષ્ણનું ધર્મયુક્ત તથા અર્થયુક્ત ભાષણ સાંભળ્યું ને?એમાં યુધિષ્ઠિર અને દુર્યોધન એ બંનેનું હિત છે.વીર કુંતીપુત્રો અર્ધરાજ્ય દુર્યોધન માટે ત્યજી દઈને,પોતાના માટે અર્ધરાજ્ય મેળવવા જ યત્ન કરે છે,તેથી દુર્યોધન તે અર્ધરાજ્ય પાંડવોને આપીને સુખી થશે,જો કૌરવો સારી રીતે વર્તશે તો પાંડવો પણ જરૂર શાંત થઈને સુખ ભોગવશે.કે જેથી કૌરવોને પણ શાંતિ થશે ને પ્રજાનું પણ હિત થશે.આ માટે દુર્યોધનનો અભિપ્રાય જાણવા અને યુધિષ્ઠિરનો સંદેશો કહેવા જો કોઈ દૂત જાય તો જ પ્રિય થશે.જે દૂત ત્યાં જાય

તેણે,ભીષ્મ,ધૃતરાષ્ટ્ર,દ્રોણાચાર્ય,અશ્વસ્થામા,વિદુર,કૃપાચાર્ય,શકુનિ,કર્ણ આદિ અને સર્વ નીતિવેત્તાઓ અને વયોવૃદ્ધોને બોલાવીને સભામધ્યે પ્રણામપૂર્વક એવાં વચન કહેવાં કે-(7)


'તમારે કોઈ પણ સ્થિતિમાં પાંડવોને ચીડવવા નહિ,કારણકે કેવળ બળનો જ આશ્રય કરીને તેઓએ વનવાસ આદિની પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે,વળી,દ્યુતમાં પ્રીતિવાળા તથા તેમાં આસક્ત થયેલા યુધિષ્ઠિરનું રાજ્ય તમોએ જુગારમાં હરી લીધું છે.અર્થાંત એમને એમ એમ લઇ લીધું નથી.યુધિષ્ઠિર પોતે દ્યુત રમવામાં અજાણ હતા અને એમને દ્યુત રમતી વખતે સર્વ સંબંધીઓએ અટકાવ્યા હતા,છતાં દ્યુત રમવામાં કુશળ એવા શકુનિની સાથે દ્યુત રમ્યા હતા.યુધિષ્ઠિર જેને જીતી શકે તેવા બીજા દુર્યોધન આદિને છોડીને શકુનિ સાથે જ રમ્યા અને શકુનિએ તેમને હરાવી દીધા,તેમાં શકુનિનો કોઈ અપરાધ નથી' આ રીતે જનારા દૂતે ધૃતરાષ્ટ્રને પ્રણામ કરીને બહુ શાંતિયુક્ત વચનો જ કહેવાં ને એ પ્રમાણે કરવાથી જ દુર્યોધન પાસેથી સ્વાર્થ સાધી શકાશે.


વૈશંપાયન બોલ્યા-બલરામ આમ બોલતા હતા ત્યારે સાત્યકિ એકાએક ઉછળ્યો 

ને ક્રોધયુક્ત થઈને બલરામના ભાષણની નિંદા કરીને કહેવા લાગ્યો કે- 

અધ્યાય-૨-સમાપ્ત