Oct 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-638-Book-Part-3

 

મહાભારત-મૂળરૂપે-ભાગ-૩

(૫) ઉદ્યોગ પર્વ 

સેનોદ્યોગ પર્વ 

અધ્યાય-૧-વિરાટની સભામાં શ્રીકૃષ્ણનું ભાષણ 

મંગલાચરણ 

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.

વૈશંપાયન બોલ્યા-અભિમન્યુના પક્ષના પાંડવો તથા યાદવો વગેરે અભિમન્યુનો વિવાહ કરીને આનંદ પામ્યા અને રાત્રે વિસામો લઈને સવારે વિરાટરાજની સભામાં ગયા.વૃદ્ધોમાં માન્ય એવા વિરાટરાજા અને દ્રુપદ રાજા સભામાં આવીને બેઠા તે પછી પિતા વાસુદેવની સાથે શ્રીકૃષ્ણ અને બલરામ આવીને આસન પર બેઠા.પછી પાંડવો,દ્રુપદના પુત્રો,કૃષ્ણના પુત્રો ને અભિમન્યુ ઉત્તમ આસનો પર આવીને બેઠા.ત્યારે તે સભા ગ્રહોથી ભરેલા આકાશની જેમ શોભવા'લાગી.પછી સર્વેએ પરસ્પર અભિવાદન અને વાતો કરીને શ્રીકૃષ્ણ પર દ્રષ્ટિ રાખી વિચાર કરવા લાગ્યા.વાતોના અંતે શ્રીકૃષ્ણે પાંડવોના કાર્ય માટે સર્વને સાવધાન કર્યા એટલે સર્વે સાથે મળીને મહાન અર્થવાળા શ્રીકૃષ્ણના વચનને સાંભળવા લાગ્યા.(9)

શ્રીકૃષ્ણ બોલ્યા-જુગારમાં શકુનિએ કપટ કરીને યુધિષ્ઠિરને જીતીને જે રીતે એમનું રાજ્ય હરી લીધું હતું અને વનવાસનો ઠરાવ કર્યો હતો તે સર્વ તમારી જાણમાં છે,શ્રેષ્ઠ પાંડવો તે જ વખતે પૃથ્વી જીતી લેવા માટે પણ સમર્થ હતા તો પણ સત્યમાં સ્થિર રહેલા તેઓએ તેમ ન કરતાં તેર વર્ષ સુધી અનેક કષ્ટો સહીને વનવાસનું વ્રત પાળ્યું છે.તેરમા વર્ષનો ગુપ્તવાસ પણ કોઈને ખબર પડે નહિ તેમ અહીં તેમને અહીં કર્યો હતો.પરંતુ હવે તેઓ કુળપરંપરાથી પ્રાપ્ત થયેલું પોતાનું રાજ્ય પાછું મેળવવાની ઈચ્છા રાખે છે.આ પ્રમાણે હાલની સ્થિતિ છે તો હવે તમે યુધિષ્ઠિર અને દુર્યોધન એ બંનેનું જે ઉપાયમાં હિત હોય અને તેમને માટે જે ધર્મયુક્ત,ન્યાયયુક્ત અને યશસ્કર હોય એવો કોઈ ઉપાય ખોળી કાઢો.


ધર્મરાજ,અધર્મથી દેવોનું રાજ્ય મળતું હોય તો તેની પણ ઈચ્છા કરે તેવા નથી,પણ ધર્મ અને અર્થથી જો એકાદ નાના ગામનું જ રાજાપણું મળે તો તેટલું જ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે તેવા છે.ધૃતરાષ્ટ્રપુત્રોએ પાંડવોનું રાજ્ય જે રીતે તેમની પાસેથી હરી લીધું છે તે સર્વ રાજાઓના જાણમાં છે જ.તેમણે પાંડવોને રણભૂમિમાં પોતાના તેજ વડે હરાવ્યા નથી.તેમ છતાં પણ યુધિષ્ઠિર તો તે ધૃતરાષ્ટ્ર પુત્રોનું કલ્યાણ જ ઈચ્છે છે.તેઓએ પોતે જે રાજ્યનો વિસ્તાર કર્યો હતો ને રાજાઓને હરાવીને જે ધન મેળવ્યું હતું તે ધન પાંડવો મેળવવા ઈચ્છે છે.


પાંડવો જયારે બાળક હતા ત્યારે દુરાત્મા કૌરવોએ,રાજ્ય પચાવી પાડવાની ઈચ્છાથી તેમને મારવા માટે કેવા અનેક ઉપાયો કર્યા હતા તે સર્વ તમે યથાર્થ રીતે જાણો છો.એ ઉપરથી કૌરવોની વૃદ્ધિ પામેલા લોભને જોઈને તથા યુધિષ્ઠિરની ધર્મજ્ઞતાને જોઈને અને તેઓ પરસ્પર સંબંધીઓ છે તે પર દ્રષ્ટિ રાખીને,શું કરવું?તેનો નિશ્ચય કરો.


પાંડવો સદા સત્યપરાયણ રહ્યા છે,પણ જો ધૃતરાષ્ટ્રપુત્રો એમની સાથે પ્રતિજ્ઞા વિરુદ્ધ વર્તન કરશે તો પાંડવો તેમનો નાશ કરશે.પાંડવોના સંબંધીઓ પણ કૌરવોના આ અપકારને જાણીને પાંડવોને સહાય કરશે.આમ છતાં,હજી દુર્યોધન શું ધારે છે?અને તે શું કરશે?તે યથાર્થ રીતે આપણે જાણ્યું નથી,એટલે સામેનો વિચાર જાણ્યા વિના કોઈ તુરત નિર્ણય લેવો તે યોગ્ય નથી,માટે કોઈ ધર્મશીલ,કુલીન અને સમર્થ એવા કોઈ પુરુષને કૌરવો સાથે સમાધાન કરીને યુધિષ્ઠિરને અર્ધું રાજ્ય અપાવવા દૂત તરીકે મોકલો.


શ્રીકૃષ્ણનું આવું ધર્માર્થયુક્ત,મધુર અને સમભાવવાળું ભાષણ સાંભળીને એમના મોટાભાઈ બલરામે,

તેમના ભાષણને સારી રીતે માન આપીને પછી પોતે બોલવાનો આરંભ કર્યો (26)

અધ્યાય-૧-સમાપ્ત