અધ્યાય-૭૨-ઉત્તરાનાં લગ્ન
II विराट उवाच II किमर्थ पांडवश्रेष्ठ भार्या दुहितरं मम I प्रतिग्रहीतुं नेमां रवं मया दत्तामिहेच्छसि II १ II
વિરાટ બોલ્યો-હે પાંડવશ્રેષ્ઠ અર્જુન,હું મારી પુત્રીને તમારી વેરે આપું છું તો તેને તમે પોતે કેમ ભાર્યા તરીકે સ્વીકારતા નથી?
અર્જુન બોલ્યો-હે રાજા,મારામાં પિતાની જેમ વિશ્વાસ રાખનારી તમારી પુત્રીને,જાહેર અને એકાંતમાં જોતો હું તમારા અંતઃપુરમાં રહ્યો છું.હું કુશળ નર્તક અને ગાયક હતો તેથી તમારી પુત્રીને હું અત્યંત પ્રિય હતો ને તે મને સદૈવ આચાર્યની જેમ આદર આપતી હતી.આમ તમારી વયમાં આવેલી એ પુત્રી સાથે હું એક વર્ષ રહ્યો છું,તેથી હું જો તેને પરણું તો લોકને ભારે શંકાનું સ્થાન થઇ પડે.આથી તમારી દીકરીને મારી પુત્રવધુ કરવાની માંગણી કરું છું.
હું શુદ્ધ છું,જિતેન્દ્રિય છું અને મનોનિગ્રહી છું.એટલે એ રીતે મેં તમારી પુત્રીની પણ શુદ્ધિ કરી છે.જેમ,પોતામાં અને પોતાના પુત્રમાં ભેદ ગણાતો નથી તેમ પુત્રીમાં અને પુત્રવધૂમાં પણ ભેદ ગણાતો નથી,ને આમ કરવામાં લોકભયની શંકા રહેશે નહિ અને તેથી અમારા બંનેની પવિત્રતા પ્રતીત થશે.હે રાજન,હું લોકના અભિશાપથી ને મિથ્યા અપવાદથી ડરું છું,એથી તમારી પુત્રીનો હું મારી પુત્રવધુ તરીકે સ્વીકાર કરું છું.વાસુદેવનો લાડીલો ભાણેજ,સર્વ અસ્ત્રોમાં નિષ્ણાત એવો મારો પુત્ર અભિમન્યુ,તમારો જમાઈ થવા અને તમારી પુત્રીનો પતિ થવાને યોગ્ય જ છે (9)
વિરાટ બોલ્યો-'તો હે પાર્થ,જે કામ કરવા જેવું હોય તે અત્યારે જ કરી નાખો,મારે મન તો અર્જુન મારા સંબંધી થાય,
તેથી મારા સર્વ મનોરથો સફળ ને સિદ્ધ જ થયા છે,એમ મારુ માનવું છે.અને આ અત્યંત આનંદનો દિવસ છે.
વૈશંપાયન બોલ્યા-હે રાજન,વિરાટનું આ પ્રમાણે બોલવું સાંભળીને યુધિષ્ઠિરે,વિવાહ સંબંધને યોગ્ય સમયે ઉજવવાની
આજ્ઞા કરી.એટલે,વિરાટે સર્વ મિત્રજનોને અને વાસુદેવ શ્રીકૃષ્ણને નિમંત્રણ આપવા દૂતોને મોકલ્યા.
પછી,અજ્ઞાતવાસનું તેરમું વર્ષ પૂરું થઇ ગયું હતું એટલે,પાંચે પાંડવો વિરાટનગર પાસેના ઉપલવ્ય નગરમાં રહેવા ગયા.
ત્યાં અર્જુને દૂતો મોકલીને અભિમન્યુ,જનાર્દન અને બીજા યદુવંશીઓને આનર્તદેશમાંથી ત્યાં તેડાવ્યા.
યુધિષ્ઠિર પર પ્રીતિ રાખનારા કાશીરાજ અને શૈબ્ય,બબ્બે અક્ષૌહિણી સેનાઓ સાથે ત્યાં આવ્યા.રાજા યજ્ઞસેન અક્ષૌહિણી સેના સાથે આવ્યો,દ્રૌપદીના વીર પુત્રો,અપરાજિત શિખંડી અને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ ધૃષ્ટદ્યુમ્ન આવ્યા કે જે અક્ષૌહિણી સેનાના પાલક હતા,ભારે દક્ષિણાઓ આપનારા હતા,વેદાધ્યાયથી સંપન્ન હતા,શૂરવીર હતા અને રણમાં પ્રાણ ઓવારી નાખે તેવા હતા.આ સર્વને આવેલા જોઈને મત્સ્યરાજે તેમના સેવકો,સેનાઓ અને વાહનો સાથે,વિધિપૂર્વક સત્કાર આપ્યો.
પછી,ત્યાં ઠેકઠેકાણેથી રાજાઓ આવી પહોંચ્યા,વનમાળી શ્રીકૃષ્ણ,બળરામ,કૃતવર્મા,યુયુધાન,સાત્યકિ,અક્રૂર,સાંબ અને નિશઠ એ સર્વ પરંતપો અભિમન્યુને તથા તેની માતા સુભદ્રાને લઈને આવી પહોંચ્યા.વળી,એક વર્ષ સુધી દ્વારકામાં રહેલા ઇંદ્રસેન આદિ યુધિષ્ઠિરના સર્વ સેવકો,સુસજ્જ રથો સાથે ત્યાં આવ્યા.આમ,વૃષ્ણીવીર શ્રીકૃષ્ણ ભાણેજને પરણાવવા આવ્યા ત્યારે તેમની સાથે દશ હજાર હાથીઓ,એક લાખ ઘોડાઓ,એક અર્બુદ રથો,એક નિખર્વ પાળાઓ અને અનેકાનેક મહાતેજસ્વી વૃષ્ણીઓ,ભોજો તેમ જ અંધકો આવ્યા હતા.શ્રીકૃષ્ણે મોસાળામાં,પાંડવોને અનેક દાસીઓ,રત્નો,વસ્ત્રો આપ્યા.
ને આમ,મત્સ્યરાજ અને પાંડવોને ત્યાં વિધિપૂર્વક વિવાહનો સમારંભ શરુ થયો (26)
મત્સ્યરાજના ભવને શંખો,ભેરીઓ,ગોમુખો અને આનકો વગેરે વાદ્યો વાગી રહ્યાં.જાનૈયાઓ માટે મૃગોનાં માંસ,સુરા અને મૈરેય (ઝાડના રાસની મદિરા?) આદિ પુષ્કળ પીણાંની રેલંછેલ થઇ રહી.ત્યાં ગવૈયાઓ,કથાકારો,નટો,વૈતાલિકો,સૂતો અને માગધો સ્તુતિગાનો કરીને અતિથિઓને રીઝવી રહ્યા.પછી,સર્વાંગે સુંદર એવી મત્સ્યરાજની ઉત્તમ કુળસ્ત્રીઓ,સુદેષ્ણા રાણીને આગળ કરીને વિવાહમંડપમાં આવી.ને તે ઉત્તરાને વીંટાઈ વળી ને તેને આગળ કરીને વિવાહમંડપમાં હાજર થઇ.
તે વખતે અર્જુને,પોતાના પુત્ર અભિમન્યુ માટે તે વિરાટનન્દિનીનો સ્વીકાર કર્યો.ને ત્યાર બાદ યુધિષ્ઠિરે પણ ઉત્તરાને પુત્રવધુ તરીકે સ્વીકારી,ને પછી,જનાર્દનને આગળ રાખીને અભિમન્યુનાં ઉત્તર સાથે વિધિપૂર્વક લગ્ન કરાવ્યાં.(35)
તે સમયે,વિરાટરાજે અભિમન્યુને સાત હજાર પવનવેગી ઘોડાઓ,બસો હાથીઓ ને પુષ્કળ ધન આપ્યું.ને પ્રદીપ્ત અગ્નિમાં યથાવિધિ હવન કરીને બ્રાહ્મણોને દાનસત્કાર આપ્યો,વળી,તેણે રાજ્ય,સેનાએ,ભંડાર ને આત્મા પણ પાંડવોને અર્પણ કર્યો
વિવાહવિધિ પૂરો થયો પછી,યુધિષ્ઠિરે,શ્રીકૃષ્ણ જે ધન મોસાળામાં લાવ્યા હતા તે બ્રાહ્મણોને દાનમાં આપી દીધું.
એ દાનમાં હજારો ગાયો હતી,રત્નો હતાં,વિવિધ વસ્ત્રો હતા અને જાતજાતનાં પીણાંઓ હતાં.
આમ,એ વિવાહપ્રસંગે મત્સ્યરાજનું નગર હૃષ્ટપુષ્ટ જનોથી ઉભરાઈ ગયું હતું,એક મહોત્સવરૂપ થઇ ગયું હતું
અને અતિશય શોભા ધારણ કરી રહ્યું હતું.(40)
અધ્યાય-૭૨-સમાપ્ત
વૈવાહિક પર્વ સમાપ્ત
વિરાટ પર્વ સમાપ્ત