Sep 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-636

 

અધ્યાય-૭૧-ઉત્તરાના વિવાહનો પ્રસ્તાવ 


II विराट उवाच II यद्येष राजा कौरव्यः कुन्तीपुत्रो युधिष्ठिरः I कतमोस्यार्जुनो भ्राता भीमश्च कतमो बली II १ II

વિરાટે પૂછ્યું-જો આ યુધિષ્ઠિર છે,તો પછી આમાં અર્જુન કોણ છે? ભીમ,નકુલ અને સહદેવ અને દ્રૌપદી કોણ છે? 

જ્યારથી તે કુંતીપુત્ર જુગારમાં હારી ગયા,ત્યારથી તો તેમનો કોઈ પતો નથી.

અર્જુન બોલ્યો-હે રાજન,તમારો જે બલ્લવ નામધારી રસોઈઓ છે તે જ ભીમ છે.દુરાત્મા કીચકોનો સંહાર કરવાવાળા 

ગંધર્વ પણ તે જ છે.એમને જ હિડિમ્બ,બકાસુર,કિરમીર અને જટાસુર નામના રાક્ષસોનો સંહાર કર્યો હતો.

નકુલ તમારા ત્યાં અશ્વશાળાના પ્રબંધક રહ્યા છે ને સહદેવ ગાયોની સંભાળ રાખે છે.સૈરંધ્રી જ દ્રૌપદી છે કે જેના ધર્મની રક્ષાને માટે કીચકોનો વધ થયો હતો.હે મહારાજ,હું અર્જુન છું.અમે સર્વેએ જેમ,સંતાન ગર્ભવાસમાં રહે તેમ,અજ્ઞાતવાસમાં રહીને સુખથી આપના મહેલમાં અમારો અજ્ઞાતવાસનો સમય વિતાવ્યો છે.


વૈશંપાયન બોલ્યા-હે રાજન,જયારે અર્જુને પાંચે પાંડવોનો પરિચય આપ્યો ત્યારબાદ ઉત્તરે અર્જુનનું પરાક્રમ કહ્યું ને પછી એક એક કરીને સર્વ પાંડવોનો ફરીથી પરિચય આપ્યો.અને અર્જુનના પરાક્રમનું વિસ્તૃત વર્ણન કરતાં તે બોલ્યો કે-

'હે પિતાજી,આ જ તે દેવપુત્ર છે કે જેના વિશે મેં તમને કહ્યું હતું.આ તો જેમ,સિંહો મૃગોનો વધ કરે છે તેમ, શત્રુઓનો વધ કરે છે.કૌરવ સેનાના સર્વ મહારથીઓને આ એકલા હાથે ઘાયલ કરતા નિર્ભય રીતે વિચરતા હતા.આમને જ ગાયોને જીતી છે અને યુદ્ધમાં કૌરવોને પરાસ્ત કર્યા છે,એમના શંખના ગંભીર ધ્વનિ સાંભળીને મારા કાન જાણે  કે બહેરા થઇ ગયા છે' (21)


ઉત્તરની વાત સાંભળીને મત્સ્યનરેશ કે જે યુધિષ્ઠિરના અપરાધી થયા હતા,તે પુત્ર ઉત્તરને કહેવા લાગ્યા કે-

'બેટા,પાંડવોને પ્રસન્ન કરવાનો સમય આવી ગયો છે.મને એમ કરવું રુચે છે,એથી જો તું માન્ય રાખતો હોય તો 

હું ઉત્તરાનો અર્જુનની સાથે વિવાહ કરું'

ઉત્તર બોલ્યો-'પાંડવો આર્ય છે,પૂજ્ય છે,માન્ય છે અને આ યોગ્ય સમય છે એમ મારુ પણ માનવું છે,

તો પૂજાપાત્ર અને મહાભાગ્યશાળી એવા પાંડવોનો તમે સત્કાર કરો.(24)


વિરાટ બોલ્યો-'હું પણ સંગ્રામમાં શત્રુઓના હાથમાં પકડાઈ ગયો હતો.પણ ભીમસેને મને છોડાવ્યો હતો અને આપણી ગાયો પાછી મેળવી હતી.પાંડવોના બહુવીર્યથી જ આપનો સંગ્રામમાં વિજય થયો છે તો આપણે યુધિષ્ઠિર અને તેમના ભાઈઓને પ્રસન્ન કરીએ.આપણાથી અજાણતામાં એ નરપતિને કંઈ કહેવાય ગયું હોય તો તે ધર્માત્મા યુધિષ્ઠિર તે બધાની ક્ષમા કરો.


વૈશંપાયન બોલ્યા-પછી,વિરાટરાજે રાજદંડ,રાજભંડાર અને રાજનગર સાથે પોતાનું આખું રાજ્ય યુધિષ્ઠિરને અર્પણ કર્યું.

અને પાંડવોને ઉદ્દેશીને કહ્યું કે-'આજે હું ધન્ય છું,મારુ મહત ભાગ્ય છે' આમ કહી તેણે સર્વને આલિંગન આપી તેમનાં મસ્તક સૂંઘ્યાં.ને પછી યુધિષ્ઠિરને કહ્યું કે-ધન્ય ભાગ્ય છે કે તમે વનમાંથી કુશળ રીતે અહીં આવ્યા અને કૌરવોથી પકડાયા વિના અજ્ઞાતવાસનું કષ્ટ પર કર્યું.મારા આ રાજ્ય સાથે તમે મારી પુત્રી ઉત્તરાનો,અર્જુન માટે સ્વીકાર કરો કેમ કે તે જ મારી કન્યાનો ભરથાર થવા યોગ્ય છે' ત્યારે અર્જુને કહ્યું કે-હે રાજન,હું તમારી કન્યા મારા પુત્રની ભાર્યા તરીકે સ્વીકાર કરું છું.

મત્સ્યવાસીઓ અને ભરતવંશીઓ વચ્ચે જે સંબંધ જોડાય તે યોગ્ય જ છે.(36)

અધ્યાય-૭૧-સમાપ્ત