Sep 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-635

વૈવાહિક પર્વ 

અધ્યાય-૭૦-પાંડવો પ્રગટ થયા 


II वैशंपायन उवाच II ततस्तृतिये दिवसे भ्रातरः पञ्च पांडवा : I स्नाताः शुक्लांबरधरा: समये चरितव्रताः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ત્રીજે દિવસે પાંડવોએ સ્નાન કર્યું,ઉજ્જવળ વસ્ત્રો પહેર્યા,સર્વ આભૂષણો સજ્યાં અને યોગ્ય કાળે  અજ્ઞાતવાસના વ્રતની પૂર્ણાહુતિ કરી.ને પછી,યુધિષ્ઠિરને આગળ કરીને વિરાટરાજની સભામાં જઈને રાજાઓ માટેના આસનો પર વિરાજ્યા ત્યારે તેઓ વેદીમાં રહેલા અગ્નિઓની જેમ શોભવા લાગ્યા.થોડીવારે વિરાટરાજ સર્વ રાજકાર્યો કરવા માટે તે સભામાં આવ્યા ત્યારે કંકના તરફ જોઈને તેને કહ્યું કે-અરે,તું તો દ્યુત રમનારો છે એટલા માટે મેં તને આ સભાનો સભાસદ નીમ્યો છે,તો તું આમ સારી રીતે અલંકાર ધારણ કરીને કેમ રાજાના આસન પર ચડી બેઠી છે? (7)

વિરાટનાં એવાં સાંભળીને અર્જુને સ્મિત કર્યું અને કહેવા લાગ્યો કે-હે રાજન આ પુરુષ તો ઇન્દ્રના અર્ધ આસન પર વિરાજવાને યોગ્ય છે.આ ધર્મની મૂર્તિ છે,પરાક્રમી પુરુષોમાં શ્રેષ્ઠ છે,અનેક અસ્ત્રોના જ્ઞાતા છે.પાંડવોમાં અતિરથી છે,ઇન્દ્રિયોને વશમાં રાખવાવાળા છે,મહર્ષિ સમાન રાજર્ષિ છે,પ્રજાજનો પર અનુગ્રહ કરવાવાળા આ કુરુવંશના શ્રેષ્ઠ ધર્મરાજ યુધિષ્ઠિર છે.

જેમની કીર્તિ સમસ્ત સંસારમાં ફેલાઈ છે એવા આ મહારાજ જયારે કુરુદેશમાં રહેતા હતા ત્યારે તેમની પાછળ દશહજાર વેગવાન હાથી ચાલ્યા કરતા હતા,ને સુવર્ણમાળા મંડિત ત્રીસ હજાર રથ તેમને અનુસરતા હતા.


અનેક દેશના સર્વ રાજાઓ તેમને કર આપતા હતા.આ મહારાજને ત્યાં પ્રતિદિન અઠ્યાસી હજાર મહાબુદ્ધિમાન સ્નાતકોની જીવિકા ચાલતી હતી.વૃદ્ધ,અનાથ,પંગુ અને આંધળા મનુષ્યોનું આ સ્નેહપૂર્વક પાલન કરતા હતા.આ મહારાજ બહુ કૃપાળુ,બ્રાહ્મણભક્ત અને સત્યવક્તા છે.એમના પ્રતાપથી જ ટૂંક સમયમાં દુર્યોધન,કર્ણ,શકુની આદિ સર્વનો નાશ થનાર છે.

હે રાજન,આમના સદગુણોની ગણતરી કરી શકાય તેમ નથી.આ પાંડુનંદન નિત્ય ધર્મપરાયણ અને દયાળુ સ્વભાવના છે.સમસ્ત રાજાઓના શિરોમણી પાંડુનંદન સર્વોત્તમ ગુણોથી યુક્ત છે તો તે રાજાઓના આસનના અધિકારી કેમ ન હોઈ શકે? (28)

અધ્યાય-૭૦-સમાપ્ત