Sep 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-634

 

અધ્યાય-૬૯-વિરાટ અને ઉત્તરનો સંવાદ 


II उत्तर उवाच II न मया निर्जिता गावो न मया निर्जिताः परे I कृतं तत्सकलं तेन देवपुत्रेण केनचित् II १ II

ઉત્તર બોલ્યો-ગાયોને મેં જીતી નથી અને શત્રુઓને મેં હરાવ્યા નથી,એ બધું તો કોઈ દેવપુત્રે કર્યું છે.હું તો તે વખતે કુરુઓની સેનાએ જોઈને ડરી ગયો હતો અને નાસવા માંડતો હતો ત્યારે તે દેવપુત્રે આવી મને વાર્યો અને તે યુવાન જ રથીના સ્થાન પર આવીને બેઠો ને તેણે જ કુરુઓને પરાજિત કરીને ગાયોને પછી મેળવી છે.કૃપ,દ્રોણ,ભીષ્મ,કર્ણ,અશ્વસ્થામા અને દુર્યોધન એ છ મહારથીઓને તેણે જ બાણોના પ્રહારથી વિમુખ કર્યા હતા.દુર્યોધન ભયભીત થઈને નાસી જતો હતો ત્યારે તે મહાબળવાને તેને કહ્યું હતું કે-હે કૌરવપુત્ર,હસ્તિનાપુરમાં પણ તારું કંઈ રક્ષણ થાય એમ મને લાગતું નથી,તો દેશાંતરમાં રખડી તારા જીવનું જતન કર.આમ નાસી છૂટ્યે તું છુટકારો પામવાનો નથી,માટે તું યુદ્ધમાં મન લગાડ.'

એ સાંભળીને તે દુર્યોધન નાગની જેમ ફૂંફાડા મારતો ને બાણો છોડતો મંત્રીઓથી વીંટળાઈને પાછો ફર્યો ત્યારે તેને જોઈને મારાં રૂંવાડાં ઊભાં થઇ ગયાં ને હું ધ્રુજી ઉઠ્યો હતો.પણ,તે દેવપુત્રે દુર્યોધનની રથસેનાની સામે અસીમિત બાણો નાખીને ત્રાસ ત્રાસ પોકારાવ્યો હતો ને હસતો રહીને મૂર્છિત થઇ પડેલા તે કુરુઓના વસ્ત્રોને હરી લીધાં.જેમ મદમસ્ત વાઘ,વનચર મૃગોને જીતી લે છે તેમ,તે એકલા વીરે છ મહારથીઓને જીતી લીધા હતા.(11)


વિરાટ બોલ્યો-'જેણે કુરુઓ સાથે યુદ્ધ કરી તેમને જીતીને મારા ગોધનને પાછું મેળવ્યું છે તે વીર દેવપુત્ર ક્યાં છે?

હું તેને જોવા અને તેનો સત્કાર કરવા ઈચ્છું છું,કેમ કે તેણે તારું અને  ગાયોનું રક્ષણ કર્યું છે.'

ઉત્તર બોલ્યો-'એ દેવપુત્ર તો ત્યાં જ અદશ્ય થઇ ગયો હતો પણ હું માનું છું કે તે બે દિવસમાં ગમે ત્યારે પ્રગટ થશે'

ઉત્તરે ત્યાં ગુપ્ત વેશે રહેલા અર્જુનના સંબંધમાં આ પ્રમાણે કહ્યું તો પણ વિરાટરાજ તેને જાણી શક્યો નહિ.

પછી,અર્જુને યુદ્ધમાંથી લાવેલા વસ્ત્રો ઉત્તરાને આપ્યાં કે જેથી તે અતિ પ્રસન્નતા પામી.

ત્યાર બાદ,અર્જુને ઉત્તરના સાથે મંત્રણા કરીને યુધિષ્ઠિરના સંબંધમાં જે કંઈ કરવાનું હતું તેની ગોઠવણ કરી દીધી.(19)

અધ્યાય-૬૯-સમાપ્ત 

ગોહરણ પર્વ સમાપ્ત