અધ્યાય-૬૮-વિરાટનો હર્ષોન્માદ
II वैशंपायन उवाच II धनं चापि विजित्याशु विराटो वाहिनीपतिः I विवेश नगरं हृष्टश्चतुर्भिः पाण्डवैः सह II १ II
વૈશંપાયન બોલ્યા-આ બાજુ સેનાપતિ વિરાટરાજ પણ પોતાનું ગોધન જીતીને ચાર પાંડવો સાથે હર્ષપૂર્વક નગરમાં પ્રવેશ્યો.
સંગ્રામમાં ત્રિગર્તોને હરાવીને ઐશ્વર્યસંપન્ન થયેલા વિરાટરાજને અભિનંદન અને સન્માન આપવા બ્રાહ્મણો ને મંત્રીમંડળ આવ્યું.
સન્માન આપીને તે સર્વ વિદાય થયા ત્યારે વિરાટરાજે ઉત્તરના સંબંધી પૂછ્યું એટલે અંતઃપુરવાસીઓએ સર્વ વૃતાંત કહ્યું.
પોતાનો રણઉત્સાહી પુત્ર બૃહન્નલાને સારથી કરીને રથમાં કુરુઓ સામે યુદ્ધમાં ગયો છે એ સાંભળીને વિરાટરાજ સંતાપમાં પડ્યો ને મંત્રીઓને કહેવા લાગ્યો કે-'ત્રિગર્તોને નાસી છૂટેલા સાંભળીને કુરુઓ અને બીજા રાજાઓ સાવ ઉભા નહિ રહે.
આથી જે યોદ્ધાઓ ત્રિગર્તો સાથેના યુદ્ધમાં ઘવાયા ન હોય તે સેનાથી વીંટળાઈને ઉત્તરના રક્ષણ અર્થે જાઓ.'
રાજાના કહેવાથી સેના જયારે જવા લાગી ત્યારે તે રાજા બોલ્યો કે-'કુમાર ઉત્તર જીવે છે કે નહિ? તેની શીઘ્ર તપાસ કરો,
મને તો લાગે છે કે જેનો સારથિ બૃહન્નલા (હીજડો) છે તે જીવતો રહ્યો જ નહિ હોય' ત્યારે પાસમાં બેઠેલા ધર્મરાજે કહ્યું કે-
'હે નરેન્દ્ર,એ બૃહન્નલા સારથિની હાજરીમાં શત્રુઓ તમારી ગાયો લઇ જઈ શકશે નહિ.બૃહન્નલા સાથે હોવાથી તમારો પુત્ર ત્યાં ભેગા થયેલા કુરુઓને,દેવો,અસુરોને જીતવા પણ સમર્થ થશે' એટલામાં જ ગોવાળોએ આવીને ઉત્તરના વિજયના સમાચાર આપ્યા.ત્યારે યુધિષ્ઠિર બોલ્યા-'જેનો સારથિ બૃહન્નલા છે તેનો વિજય નિશ્ચિત છે'
આમ,પોતાના કુમારનો વિજય સાંભળીને વિરાટરાજ અત્યંત હર્ષથી રોમાંચિત થયો ને નગરને શણગારવાની આજ્ઞા આપીને કહ્યું કે-'મનોહર વેશ અને આભૂષણો સજીને અનેક કુમારીઓથી વીંટળાઈને ઉત્તરાકુમારી,ઉત્તરને વધાવવા જાય'
આ પ્રમાણે કહીને ઉત્તરના વિજયથી અત્યંત હર્ષમાં આવેલા મત્સ્યરાજ બોલ્યો કે-'હે સૈરંધ્રી,તું પાસા લઇ આવ,હે કંક દ્યુત ખેલો' ત્યારે યુધિષ્ઠિર બોલ્યા-'હર્ષમાં આવી ગયેલા જુગારી સાથે જુગારદાવ રમવો જોઈએ નહિ,એવું અમે સાંભળ્યું છે.
હું તમારું પ્રિય કરવાની ઈચ્છા રાખું છું,એટલે જો તમારી ઈચ્છા હોય તો જ દ્યુત શરુ કરીશું'
વિરાટ બોલ્યો-સ્ત્રીઓ,ગાયો,સુવર્ણ અને બીજું જે મારુ ધન છે તેમાંનું કશું પણ મારે
દ્યુત વિના પણ તમારાથી સાચવવા જેવું નથી.(સર્વ તમારું જ છે) તો પછી દ્યુત રમવામાં શો બાધ છે?
કંક બોલ્યા-હે રાજેન્દ્ર,અનેક દોષથી ભરેલું જુગટું રમવાનું શું પ્રયોજન છે? પાંડુપુત્ર યુધિષ્ઠિર,રાજ્ય અને ભાઈઓને
પણ દ્યુતમાં હારી ગયા હતા,તેથી દ્યુત મને ગમતું નથી છતાં પણ તમારી રુચિ હોય તો ચાલો દ્યુત રમીએ.(35)
પછી,દ્યુત રમતાં રમતાં મત્સ્યરાજે યુધિષ્ઠિરને કહ્યું કે-'જો,મારા પુત્રે તે કુરુઓને કેવા જીત્યા !'
યુધિષ્ઠિર બોલ્યા-'જેનો સારથિ બૃહન્નલા છે તે યુદ્ધમાં કેમ જય ન પામે?' ત્યારે વિરાટરાજ ક્રોધે ભરાઈને બોલ્યો-
'અલ્યા બ્રહ્મબંધુ,તું એ ષંઢને મારા પુત્રની તોલે વખાણે છે,તું સાચે મારુ અપમાન કરે છે,મારો પુત્ર કુરુઓને કેમ જીતી ન શકે?
તું મારો મિત્ર છે એટલે તારા અપરાધને જતો કરું છું પરંતુ જીવતા રહેવું હોય તો ફરી આવું બોલીશ નહિ.'
છતાં,યુધિષ્ઠિર બોલ્યા-જ્યાં,દ્રોણ,ભીષ્મ,અશ્વસ્થામા,કર્ણ,કૃપ,દુર્યોધન આદિ મહારથીઓ એકઠા મળ્યા હોય,ત્યાં બૃહન્નલા સિવાય બીજો કોણ તેમની સામે એકલો યુદ્ધ કરી શકે? તેની સહાય વિના તમારો પુત્ર વિજય કેમ ન પામે?'(44)
વિરાટ ગુસ્સાથી બોલ્યો-'તને મેં વારંવાર વાર્યો છતાં તું જીભ પર કાબુ કેમ રાખતો નથી?' આમ કહી તિરસ્કારથી અને
રોષથી તેણે એક પાસાનો ઘા કર્યો કે જેથી યુધિષ્ઠિરના નાકમાંથી લોહીની ધારા થઇ.પણ તે લોહો જમીન પર પડે તે
પહેલાં જ યુધિષ્ઠિરે તેને હાથના ખોબામાં ઝીલી લીધી.ને તેમણે દ્રૌપદી સામે જોયું,એટલે તેમનો અભિપ્રાય જાણીને,
તેણે તે લોહીને પાસે પડેલા જળના સુવર્ણપાત્રમાં ઝીલી લીધું.(49)
એટલામાં દ્વારપાળે આવીને ઉત્તર અને બૃહન્નલાના આગમનની ખબર આપી ત્યારે રાજાએ બંનેને બોલાવી લાવવા કહ્યું.
તે વખતે યુધિષ્ઠિરે ધીરા સાદે દ્વારપાળને કાનમાં કહ્યું કે-એકલા ઉત્તરને આવવા દે બૃહન્નલાને દાખલ કરીશ નહિ કેમ કે એણે એવું વ્રત લીધું છે કે-જો કોઈ સંગ્રામ સિવાય મારા અંગ પર ઘા કરે ને લોહી કાઢે તો તે કોઈ પણ રીતે જીવતો રહે નહિ.
મને લોહીથી ખરડાયેલો તે જોશે તો તે અહીં વિરાટરાજ ને મંત્રીઓ સહિત સર્વને પુરા કરી નાખશે.(56)
પછી,ઉત્તર ભવનમાં આવ્યો તેણે પિતાને અને કંકને નમસ્કાર કર્યા ને કંકની લોહીલુહાણ હાલત જોઈને તેણે પૂછ્યું કે-
'આ કંકને કોણે માર્યો છે? કોણે આ પાપ કર્યું છે?તમે તત્કાલ એને પ્રસન્ન કરો નહિ તો ઘોર બ્રહ્મવિષ,સર્વને બાળી મુકશે'
ત્યારે પુત્રના વચનથી વિરાટરાજે યુધિષ્ઠિરની ક્ષમા માગી ત્યારે યુધિષ્ઠિરે ક્ષમા આપતાં કહ્યું કે-'હે રાજન,ક્ષમા તો મેં ક્યારની એ આપી દીધી છે,મને કોઈ રોષ નથી.મારા નાકમાંથી વહેતુ લોહી જો પૃથ્વી પર પડ્યું હોત તો તમે રાજપાટ સાથે નિઃસંશય નાશ જ પામત.હું તમને દોષ આપતો નથી કેમ કે સત્તાવાળા બળવાનના હાથે દારુણ કર્મ ઝટ થઇ જાય છે'
પછી,યુધિષ્ઠિરને લોહી નીકળતું બંધ થયું ત્યારે બૃહન્નલાએ પ્રવેશ કરીને વિરાટરાજ અને કંકને વંદન કર્યા.
ને વિરાટરાજે અર્જુનના દેખતાં જ ઉત્તરના કુરુઓ સામે વિજયનાં વખાણ કરવા લાગ્યા (76)
અધ્યાય-૬૮-સમાપ્ત