Sep 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-632

 

અધ્યાય-૬૭-ઉત્તરનું નગરાગમન 


II वैशंपायन उवाच II ततो विजित्य संग्रामे कुरुन्स वृषभेक्षण : I स मानयामास तदा विराटस्य धनं महत् II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે વિશાળ દ્રષ્ટિવાળા અર્જુને કુરુઓને સંગ્રામમાં હરાવીને વિરાટરાજનું ગોધન પાછું વાળ્યું.

વિરાટનગર તરફ પાછા વળતાં અર્જુને,ઉત્તરને કહ્યું કે-'સર્વ પૃથાપુત્રો તારા પિતા પાસે રહે છે તે હવે તું જાણે છે પણ 

ત્યાં જઈને તું એ પાંડુપુત્રોની પ્રશંસા કરીશ નહિ કેમ કે મત્સ્યરાજ કદાચિત ભયભીત થઈને મરણ પામે.તું નગરમાં 

જઈને પિતાને એમ જ કહેજે કે-મેં જ કુરુઓની સેનાને હરાવી છે ને ગાયોને પાછી વાળી છે'

ઉત્તર બોલ્યો-'તમે જે કાર્ય કર્યું છે તે કોઈનાથીએ થાય એમ નથી.મારામાં તો તે કર્મ કરવાની શક્તિ પણ નથી.

આમ છતાં તમે મને જ્યાં સુધી કહેશો નહિ ત્યાં સુધી હું પિતાની સમક્ષ તમારે વિશે કશું કહીશ નહિ'

પછી,બાણોથી વીંધાયેલો તે અર્જુન શમીવૃક્ષ પાસે જઈને ઉભો રહ્યો,ત્યારે રથધ્વજ પર બેઠેલો તેજસ્વી મહાવાનર,ભૂતોની સાથે આકાશમાં અલોપ થઇ ગયો અને જે માયા નિર્મી હતી તે પણ અલોપ થઇ ગઈ.પછી અર્જુને ફરીથી તે રથ પર વિરાટરાજનો ધ્વજ ચડાવ્યો.અને પોતાના આયુધો,ભાથાઓ અને બાણોને ફરી શમીવૃક્ષ પર બાંધી દીધા.અને ફરીથી અગાઉના જેવો ચોટલો બાંધીને બૃહન્નલાનો વેશ લઈને ઉત્તરનો સારથિ થઈને રથમાં બેઠો.ને રથને વિરાટનગર પ્રતિ દોર્યો.


રસ્તામાં અર્જુને ઉત્તરને કહ્યું કે-'હે રાજપુત્ર,આપણે આ થાકેલા ઘોડાઓને થાક ખવડાવીએ,પાણી પાઈને તેમને નવરાવીએ,પછી પાછલે પહોરે આપણે વિરાટનગર તરફ પાછા જઈશું.તારી આજ્ઞાથી આ ગોપાળો નગરમાં શુભ સમાચાર આપવા જાય અને ત્યાં જઈને તારા વિજયની ઘોષણા કરે.' ત્યારે ઉત્તરે ગોવાળોને અર્જુનના કહેવા મુજબની આજ્ઞા કરી.(23)

અધ્યાય-૬૭-સમાપ્ત