Sep 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-631

 

અધ્યાય-૬૬-પલાયન અને મૂર્ચ્છા 


II वैशंपायन उवाच II आहयमानश्व स तेन संख्ये महात्मना वै धृतराष्ट्रपुत्रः I निवर्तितस्तस्य गिरांकुशेन महागजो मत्त इवांकुशेन II १ II

વૈશંપાયન બોલ્યા-મહાત્મા અર્જુને,ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધનને આ પ્રમાણે આહવાન કર્યું,એટલે જેમ,અંકુશના પ્રહારથી મહાગજ પાછો ફરે તેમ,અર્જુનના વાણીરૂપ અંકુશના પ્રહારથી દુર્યોધન પાછો ફર્યો.વીંધાયેલા દુર્યોધનને પાછો વળતો જોઈને કર્ણે તેને રોક્યો અને પોતે જ અર્જુનની સામે યુધ્ધે ચડ્યો.તે જ વખતે ભીષ્મ પણ પાછા આવ્યા ને દુર્યોધનનું રક્ષણ કરવા લાગ્યા.

વળી,દ્રોણ,કૃપ,દુઃશાસન આદિ પણ ત્યાં દુર્યોધનના રક્ષણ માટે આવી પહોંચ્યા.સર્વેએ મળીને અર્જુનને ઘેરી લઈને તેના પર 

ચારે તરફથી બાણોની ઝડી વરસાવી.ત્યારે અર્જુને તે સર્વના અસ્ત્રોને અસ્ત્રોથી હટાવી દીધાં અને 'સંમોહન' નામનું એક બીજું દુર્ધર અસ્ત્ર પ્રગટ કર્યું,ને ગાંડીવનો ઘોષ ગજાવીને યોદ્ધાઓના મનને વ્યથિત કર્યા.

સંમોહન અસ્ત્રથી સર્વ યોદ્ધાઓના હાથમાંથી અસ્ત્રો પડી ગયા ને પોતાની જગ્યાએ જ શાંત થઇ ગયા.તેમને આ પ્રમાણે નિશ્ચેટ થયેલા જોઈને પૃથાનંદને,ઉત્તરાના વાક્યો સાંભળીને ઉત્તરને કહ્યું કે-'હે ઉત્તર,આ કૌરવો મૂર્છિત થયા છે,એટલે તેમની વચ્ચે જા અને તેમનાં વસ્ત્રો લઇ આવ.દ્રોણાચાર્ય અને કૃપનાં વસ્ત્રો સફેદ છે,કર્ણનું વસ્ત્ર પીળું છે ને દુર્યોધન ને અશ્વસ્થામાના નીલ વસ્ત્રો છે.હું માનું છું કે ભીષ્મ,આ સંમોહનશાસ્ત્રનું વારણ જાણે છે એટલે,તે ભાનમાં જ હશે,એટલે સાવચેતીથી જજે.


અર્જુનના કહેવાથી ઉત્તર રથમાંથી ઉતરીને પેલા સર્વ રથીઓનાં વસ્ત્રો ઉતારીને લઇ આવી પાછો રથમાં ચડી ગયો.અને રથને કૌરવોની સેનાને વટાવીને,રણમધ્યેથી બહાર લઇ જવા લાગ્યો ત્યારે ભીષ્મે બાણોનો પ્રહાર કર્યો,એટલે અર્જુને દશ બાણો છોડીને ભીષ્મના અશ્વોને ને સારથિને વીંધી નાખ્યા ને આમ ભીષ્મને રોકીને,સંગ્રામથી છૂટો થઈને બહાર આવી ઉભો.

થોડીવારે કુરુવીરો ભાનમાં આવ્યા ત્યારે દુર્યોધને,અર્જુનને રણભૂમિથી બહાર એકલો ઉભેલો જોઈને તે બોલી ઉઠ્યો કે-

'અરે,આ અર્જુન કેમ તમારા હાથમાંથી છટકી ગયો?એને એવો રગદોળો કે તે છૂટો થવા પામે નહિ' ત્યારે ભીષ્મે ખડખડાટ હાસ્ય કરીને કહ્યું કે-'અરે તું તારા ધનુષ્યને પડતું મૂકીને ગાઢા ઘેનમાં પડ્યો હતો ત્યારે તારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? ક્યાં ગયું હતું તારું પરાક્રમ? એ સારું છે કે આ અર્જુન ક્રૂર કર્મો કરનારો નથી,ને તેનું મન પાપમાં પ્રવૃત્તિ કરતુ નથી,અને એથી જ તેણે આ સંગ્રામમાં સૌનો સંહાર કર્યો નથી,તે ભલે ગાયો જીતીને પાછો વળે,હવે તું પાછો કુરુદેશ તરફ જા,જોજે મોહથી તારો પોતાનો અર્થ પણ નાશ ન પામે,તારું કલ્યાણ થાય એવું જ તારે કરવું જોઈએ' (22)


ભીષ્મના હિતકારી વચનો સાંભળીને દુર્યોધને યુદ્ધની ઈચ્છાને જતી કરીને નિસાસા નાખી ચૂપ થઇ ગયો.બીજા યોદ્ધાઓએ પણ દુર્યોધનનું રક્ષણ કરવા માટે ત્યાંથી પાછા ફરવાનો નિર્ધાર કર્યો.કુરુઓની સેનાને પાછી વળતી જોઈને અર્જુન,ઘડીભર પિતામહ અને દ્રોણની પાછળ ગયો ને તેમને વિનયવચન કહીને શિર નમાવીને પ્રણામ કર્યા ને બીજા માન્ય કુરુઓને તેણે વિચિત્ર બાણો મૂકીને પ્રણામ કર્યા ને એક બાણ મૂકીને દુર્યોધનના ઉત્તમ રત્નજડિત મુકુટને કાપી નાખ્યો.ને પોતાનો દેવદત્ત શંખ બજાવીને શત્રુઓનાં કાળજાં ચીરી નાખ્યાં.કૌરવોને પાછા વળતા જોઈને અર્જુને ઉત્તરને કહ્યું કે-'હવે તું રથને પાછો વાળ,તારી ગાયો પાછી મેળવાઈ ગઈ છે ને શત્રુઓ નાસી ગયા છે,એટલે તું આનંદપૂર્વક નગરમાં જા' અર્જુન અને કુરુઓનું આ અદભુત યુદ્ધ જોઈને દેવો પણ પ્રસન્ન થયા અને અર્જુનના પરાક્રમનો વિચાર કરતા કરતા તેઓ પોતાને ભવને ગયા (30)

અધ્યાય-૬૬-સમાપ્ત